Tue Aug 18 2026

Logo

ટોમ હોલેન્ડની ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ એ બોક્સ ઓફિસ પર સર્જ્યો ઈતિહાસ, કેટલી કમાણી કરી....

2026-08-03 14:22:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈ: માર્વલ અને સોની પિક્ચર્સની સુપરહીરો ફિલ્મ 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' (Spider-Man: Brand New Day) સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ કમાણીના તમામ જુના રેકોર્ડ ધ્વસ્ત કરી રહી છે. સુપરસ્ટાર ટોમ હોલેન્ડની આ ફિલ્મે માત્ર પ્રથમ વીકેન્ડમાં જ વર્લ્ડવાઈડ 927 મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે 8,120 કરોડ રપિયાનો અધધ કલેક્શન આંકડો પાર કરીને સિનેમાના ઈતિહાસમાં બીજો સૌથી મોટું ઓપનિંગ મેળવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.  આ સાથે જ આ ફિલ્મ સોની પિક્ચર્સના બેનર હેઠળ બનેલી અત્યાર સુધીની સૌથી મોટી ગ્લોબલ ઓપનર સાબિત થઈ છે.  

માત્ર 'એવેન્જર્સ: એન્ડગેમ'થી પાછળ

ગ્લોબલ ઓપનિંગ વીકેન્ડના મામલે આ ફિલ્મથી આગળ હવે માત્ર 2019માં રિલીઝ થયેલી માર્વલની જ 'એવેન્જર્સ: એન્ડગેમ' છે, જેણે પોતાના પહેલા વીકેન્ડમાં 1.22 બિલિયન ડોલર (રૂપિયા 10,690 કરોડ)ની કમાણી કરી હતી. વૈશ્વિક બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર, 'સ્પાઈડર-મેન 4' એ કમાણીની દોડમાં માર્વલની બે અતિ લોકપ્રિય ફિલ્મો 'એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર' અને પોતાની જ અગાઉની ફિલ્મ 'સ્પાઈડર-મેન: નો વે હોમ' બંનેના ગ્લોબલ ઓપનિંગ રેકોર્ડ્સને એકસાથે પાછળ છોડી દીધા છે.

ભારતીય બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી

ભારત આ સ્પાઈડર-મેન ફિલ્મ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય માર્કેટ બનીને ઉભરી આવ્યું છે. કમાણીના આંકડા પ્રમાણે 30 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં ઓપનિંગ વીકેન્ડ દરમિયાન જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.  પ્રથમ દિવસે 60.60 કરોડ રૂપિયા, બીજા દિવસે રૂપિયા 49.35 કરોડ, ત્રીજા દિવસે રૂપિયા 70.25 કરોડ  અને ચોથા દિવસે એટલે કે રવિવારે રૂપિયા 76 કરોડની કમાણી સાથે કુલ 256 કરોડનો વેપાર કર્યું છે. 'સ્પાઈડર-મેન 4' ભારતમાં સૌથી ઝડપથી 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. 

પ્રથમ વીકેન્ડ કલેક્શનના મામલે રેકોર્ડ તોડ્યા

ભારતીય થિયેટરોમાં પ્રથમ વીકેન્ડ કલેક્શનના મામલે આ ફિલ્મે 'એવેન્જર્સ: એન્ડગેમ', 'અવતાર: ધ વે ઓફ વોટર' અને તાજેતરમાં જુલાઈ 2026માં રિલીઝ થયેલી ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ધ ઓડિસી' ના રેકોર્ડ્સને પણ માત આપી દીધી છે. ડેસ્ટિન ડેનિયલ ક્રેટન ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 'સ્પાઈડર-મેન: નો વે હોમ'ની ઘટનાઓના ચાર વર્ષ પછીની વાર્તા રજૂ કરે છે.  ફિલ્મમાં ટોમ હોલેન્ડ ઉપરાંત ઝેન્ડયા, જેકબ બેટલન, સેડી સિંક, જોન બર્નથલ અને માર્ક રફાલો જેવા દિગ્ગજ કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.