Sat Aug 29 2026

Logo

વડોદરામાં રફ્તારનો કહેર: બેફામ કાર ચાલકે શાકભાજીની લારીને ફંગોળી, વેપારીને ફેક્ચર!

2026-02-22 12:08:00
Author: Devayat Khatana
વડોદરામાં રફ્તારનો કહેર: બેફામ કાર ચાલકે શાકભાજીની લારીને ફંગોળી, વેપારીને ફેક્ચર!

વડોદરા: શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બહાર આવી છે. શહેરના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. પુરઝડપે આવતી એક લક્ઝરી કારે શાકભાજી વેચીને પરત ફરી રહેલા શ્રમિકની લારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, સમા વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યવહાર કરતા ૩૨ વર્ષીય અનિલ રામચંદ્ર સોનકર રાત્રે પોતાની લારી લઈને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તેઓ જ્યારે જી.આઈ.પી.સી.એલ સર્કલથી જલારામ મંદિર જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક બ્લુ કલરની હ્યુન્ડાઇ i20 કારના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી લારી અને અનિલભાઈને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અનિલભાઈ નીચે પટકાતા તેમને માથા અને થાપાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો, પરંતુ થોડે દૂર જઈને તેણે અયપ્પા ગ્રાઉન્ડ પાસે રોડ પરના સરકારી કામકાજનું ડાયવર્જન તોડી કાર ખાડામાં ઉતારી દીધી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં બહાર આવ્યું હતું કે અકસ્માતને કારણે અનિલભાઈને જમણી તરફના થાપાના ભાગે ગંભીર ફેક્ચર થયું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અકસ્માત સર્જનાર ચાલક તરુણ નીલેશભાઈ સોની હોવાનું જાણવા મળ્યું હતું. ભોગ બનનાર વેપારીએ હોસ્પિટલના બિછાનેથી કાર ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી ઇજા પહોંચાડવા બદલ ગુનો નોંધાવ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.