દુનિયામાં એવા ઘણા દેશો છે જે પોતાના અનોખા નિયમો માટે જાણીતા છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બાળકોની પરીક્ષા માટે આખા દેશના ફ્લાઇટ શેડ્યૂલ બદલી દેવામાં આવતા હોય? સાંભળવામાં કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આ હકીકત છે. આજે અમે અહીં તમને આ અનોખા દેશ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કયો છે આ દેશ અને શું છે આ પાછળનું ચોક્કસ કારણ...
દક્ષિણ કોરિયામાં શિક્ષણને એટલું મહત્વ આપવામાં આવે છે કે ત્યાં દર વર્ષે એક દિવસ માટે આખું આકાશ ખાલી કરી દેવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં દર વર્ષે નવેમ્બરમાં 'સુનુંગ' (Suneung) નામની એક રાષ્ટ્રીય પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એટલી મહત્વની માનવામાં આવે છે કે તે દિવસે આખો દેશ તેના માટે સમર્પિત થઈ જાય છે અને વિદ્યાર્થીઓને એકાગ્રતા અને શાંતિથી આ પરીક્ષા આપવા માટે મદદ કરવા આગળ આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. પરીક્ષા દરમિયાન જ્યારે 'લિસનિંગ ટેસ્ટ' (સાંભળવાની કસોટી) ચાલતી હોય, ત્યારે વિમાનોના અવાજથી વિદ્યાર્થીઓનું ધ્યાન ન ભટકે તે માટે આશરે 35થી 40 મિનિટ સુધી દેશના તમામ એરપોર્ટ પર ફ્લાઈટના ટેક-ઓફ અને લેન્ડિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. હવામાં ઉડી રહેલા વિમાનોને પણ 10,000 ફૂટથી વધુની ઊંચાઈ પર રહેવા સૂચના આપવામાં આવે છે.
આ સિવાય જો કોઈ વિદ્યાર્થીને એક્ઝામ સેન્ટર પર પહોંચવામાં મોડું થઈ રહ્યું હોય તો આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસની ગાડીઓ કે મોટરસાઈકલ તેને સમયસર પહોંચાડવા માટે તેના ઘર સુધી પહોંચી જાય છે. આ પરીક્ષાના દિવસે સરકારી ઓફિસો અને શેરબજાર પણ એક કલાક મોડા ખુલે છે જેથી રસ્તા પર ટ્રાફિક ઓછો રહે અને વિદ્યાર્થીઓ શાંતિથી પોતાના એક્ઝામ સેન્ટર સુધી પહોંચી શકે.
વાત કરીએ આ પરીક્ષા કેમ આટવી મહત્ત્વની છે એના વિશે તો દક્ષિણ કોરિયામાં 'સુનુંગ' પરીક્ષા માત્ર એક ટેસ્ટ નથી, પરંતુ આ પરીક્ષા પરથી જ નક્કી કરવામાં આવે છે કે વિદ્યાર્થીને કઈ યુનિવર્સિટીમાં એડમિશન મળશે અને તેની નોકરીની સંભાવનાઓ કેવી હશે અને સમાજમાં તેનો મોભો શું રહેશે. આ કારણે વાલીઓ અને સરકાર બંને તેને સર્વોચ્ચ અગ્રતા આપે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અવનવી અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...