Tue Sep 15 2026

Logo

દક્ષિણ એશિયામાંથી ખાડી દેશોમાં મોટું સ્થળાંતર: ૨૦૧૦થી અત્યાર સુધીમાં કેટલા લોકોએ વતન છોડ્યું?

2026-06-11 19:19:42
Author: Mumbai Samachar Team
દક્ષિણ એશિયામાંથી ખાડી દેશોમાં મોટું સ્થળાંતર: ૨૦૧૦થી અત્યાર સુધીમાં કેટલા લોકોએ વતન છોડ્યું?

નવી દિલ્હીઃ વૈશ્વિક અભ્યાસ અનુસાર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આશરે  કરોડો લોકોએ ખાડી દેશોમાં સ્થળાંતર કર્યું છે. વર્ષ ૨૦૧૦થી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી લગભગ ૧.૯ કરોડ લોકોએ સાઉદી અરેબિયા, કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત(યુએઇ)માં સ્થળાંતર કર્યું છે. દર વર્ષે સરેરાશ ૧૩.૫ લાખ લોકોએ આ દેશોની વાટ પકડી હોવાનું અહેવાલમાં જણાવ્યું હતું.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ(એલએસઇ), ઓસ્ટ્રિયાની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લાઇડ સિસ્ટમ્સ એનાલિસિસ અને હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે આ આંકડો ૧૯૯૦થી અત્યાર સુધીમાં મેક્સિકોથી અમેરિકા સ્થળાંતર કરનારા ૧.૩૬ કરોડ લોકો કરતાં વધુ છે.

નેચર જર્નલમાં પ્રકાશિત એક ગ્લોબલ માઇગ્રેશન મેપ અનુસાર વિશ્વભરમાં મધ્ય પૂર્વમાં સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા છે, જેમાં મોટા ભાગે દક્ષિણ એશિયા અને ફિલિપાઇન્સના લોકોનો સમાવેશ થતો હતો. વર્ષ ૨૦૧૦ પછીથી એકલા બાંગ્લાદેશથી સાઉદી અરેબિયા સ્થળાંતર કરનારાઓની સંખ્યા દર વર્ષે સરેરાશ ૩ લાખ રહી છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સિસ્ટમ્સ એનાલિસિસ(આઇઆઇએએસએ)ના પોપ્યુલેશન એન્ડ જસ્ટ સોસાયટીઝ પ્રોગ્રામના માઇગ્રેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિસર્ચ ગ્રુપના સંશોધક અને અભ્યાસના સહ-લેખક ગાઇ અબેલે જણાવ્યું કે અમારો વાર્ષિક ડેટા સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. જે દર્શાવે છે કે ૨૦૦૦ પછીથી આ(સ્થળાંતર) દરમાં વૃદ્ધિ નોંધાઇ છે. અબેલે વધુમાં જણાવ્યું કે આ વધતો દર અચાનક આવેલા અલગ-અલગ સંકટોને બદલે લાંબા ગાળાના વસ્તી વિષયક ફેરફારો અને આર્થિક વિકાસને કારણે હોવાનું જણાઇ રહ્યું છે.