ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડોગાર, લાલચટક અને રસદાર તડબૂચ એટલે કે કલિંગર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ કલિંગર કાતિલ કલિંગર, ઝેરી કલિંગર જેવા વિવિધ ટેગ્સનો સામનો કરી રહ્યો છે કારણ કે દેશભરમાંથી છાશવારે કલિંગર ખાવાને મૃત્યુ થયા હોવાના કે બીમાર પડ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું તમને ખબર છે કે ભારતનું કયું શહેર કેપિટલ ઓફ વોટરમેલન તરીકે ઓળખાય છે?
કલિંગર સ્વાદમાં બેસ્ટ હોવાની હોવાની સાથે શરીરને હાઇડ્રેટ રાખવા માટેનું બેસ્ટ નેચરલ સોર્સ છે. પરંતુ, શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવું શહેર પણ છે જેને 'કલિંગરની રાજધાની' કહેવામાં આવે છે? આ ખાસ ઓળખ મેળવનાર શહેર બીજું કોઈ નહીં પણ મહારાષ્ટ્રનું સોલાપુર (Solapur) જિલ્લો છે.
કેમ સોલાપુર કહેવાય છે 'કલિંગરની રાજધાની'?
મહારાષ્ટ્રનું સોલાપુર આખા દેશમાં સૌથી મોટું કલિંગર ઉત્પાદક કેન્દ્ર છે. અહીં ઉનાળાની ઋતુમાં મોટા પાયે કલિંગરની ખેતી કરવામાં આવે છે. સોલાપુરથી પસાર થતા હાઈવેની બંને બાજુએ માઈલો દૂર સુધી ફેલાયેલા કલિંગરના ખેતરો અહીંની અસલી ઓળખ છે. ગરમીનો પારો જેમ જેમ ઊંચો જાય છે, તેમ તેમ દેશની મોટી મંડીઓમાં અહીંના કલિંગરની માંગણીમાં વૃદ્ધિ થાય છે.
અહીંના તરબૂચ આટલા મીઠા અને રસદાર કેમ હોય છે?
સોલાપુરના કલિંગર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ આખા ભારતમાં તેના ખાસ સ્વાદ માટે વખણાય છે. તેની પાછળનું ભૌગોલિક કારણ અહીંની ગરમ આબોહવા, ભરપૂર સૂર્યપ્રકાશ અને અનુકૂળ જમીન છે. કલિંગરના પાકને જેટલો સારો તડકો મળે, તેટલો જ તેની અંદરનું માવો વધારે લાલ અને ગળ્યો બને છે. સોલાપુરનું વાતાવરણ આ પાક માટે અમૃત સમાન સાબિત થાય છે, જેના લીધે અહીં એકદમ હાઈ-ક્વોલિટીના ફળ તૈયાર થાય છે.
મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે આવતા પર્યટકો માટે હાઈવેના કિનારેથી પસાર થતી વખતે ગાડીઓ રોકીને સીધા ખેડૂતો પાસેથી જ એકદમ તાજા અને સસ્તા કલિંગર ખરીદવાનું પસંદ કરે છે. ખેડૂતો માટે કલિંગર એ રોકડિયો પાક છે અને ઉનાળામાં ભારે ડિમાન્ડના કારણે તેમને ખૂબ સારો નફો મળે છે. સૌથી મોટી વાત એ છે કે કલિંગરનો પાક માત્ર 70થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે, જેનાથી ઓછા સમયમાં ખેડૂતોને મોટી આર્થિક સહાય મળી રહે છે.