ડૉ. હર્ષા છાડવા
હાલ ના સમયમાં ઘણાંય વ્યક્તિઓને મિનરલ્સની ઊણપ ખૂબ મોટા પ્રમાણમાં જણાય છે. આની પાછળના કારણો સૌ જાણે છે. છતાં પણ આ કારણોની અવગણના કરે છે. જેના કારણે વ્યક્તિઓ બીમારીઓને લાંબા સમય સુધી ભોગવે છે. જીવનશૈલી અસ્તવ્યસ્ત છે. સમય પર ભોજન પૌષ્ટિકતાવાળુ નથી, આહારના કોઇ નિયમ નથી. જેના કારણે વ્યક્તિઓ મુશ્કેલીમાં રહે છે. ઘણીય દવાઓ ટીકડીઓ કે અન્ય નુસખા અપનાવે છે. જેનાથી કોઇપણ ફાયદો થતો નથી. બાહ્ય ભોજન ગુણવતાવાળા નથી બનતા.
ઘરના ભોજનમાં બાહ્ય તૈયાર પેકેટ કે ચટપટા મસાલાઓ નાખી બનાવાય છે. તેથી વ્યાધિઓ વધુ વકરે છે. બાહ્ય ખાદ્ય પદાર્થ કે ઘરમાં ગુણવત્તા વગરના ભોજનને કારણે શરીરમાં મિનરલ્સની ઊણપ થઇ જાય છે. તેમ જ ઘણાંય વ્યંજનોમાં વધુ પડતા સોડિયમના કારણે શરીરમાં તકલીફો જણાય છે. વધુ પડતા સોડિયમ (અલગ અલગ નમક)ના કારણે શરીરમાંથી કેલ્શિયમ ઘટી જાય છે. કારણ પેશાબમાં સોડિયમ વધતા શરીરમાંથી કેલ્શિયમ પણ બહાર ફેંકાય છે.
સોડિયમ એક મહત્ત્વપૂર્ણ ઇલેકટ્રોલાઇટ છે જે શરીરને સુચારુ સંચાલનમાં સહાયક બને છે. આ પોષક તત્ત્વો અને પાણીને કોશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તરલ પદાર્થોનું સંતુલન જાળવી રાખે છે. પોટેશિયમની સાથે મળીને તંત્રિકાઓ અને માંસપેશીઓને ઊર્જા પ્રદાન કરે છે. એટલે કે દૈનિક ક્રિયાઓમાં સોડિયમ ચુપચાપ કામ કરે છે.
શરીરની અંદર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સોડિયમ જરૂરી છે. પોષક તત્ત્વ અંદર આવે ત્યારે પાણી પણ તેની સાથે ચાલ્યું જાય અને આપણું શરીર હાઇડ્રેટેડ રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો સોડિયમ એક સહાયરૂપ કાર્ય કરે છે. સોડિયમ લેવાનું પ્રમાણ એટલે નમક ખાવાનું પ્રમાણ સંતુલિત હોવું જરૂરી છે.
દરિયાઇ મીઠુ (સી-સોલ્ટ)નો ખાવામાં ઉપયોગ થવો જોઇએ. અન્ય નમક સિંધવ સફેદ, સિંધવલાલ, ટેબલસોલ્ટ રિફાઇન્ડ નમક કે આયોડિનવાળા નમકનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ. આજીનોમોટો (સોડિયમ ગ્લુટામેટ) જેવા નમક શરીરમાં જોરદાર ઍસિડિટી પેદા કરે છે. લોહીમાં પાણી પ્રમાણ વધારી દે છે તેથી વારેવારે પેશાબ આવે છે. હાઇ બ્લ્ડ પ્રેશરની સમસ્યા થાય છે.
વધુ પેશાબ આવવાના કારણે કેલ્શિયમ સાથે નીકળી જાય છે. તેથી હાડકા પોચા પડી જાય છે. આગળ જતાં ઓસ્ટ્રીયોપોરાસીસની સમસ્યા થાય છે. સાથે સાથે વાળ ઊતરવા નખ તૂટવા, દાંત નબળા પડવા, ચામડીની ચમક જતી રહે છે. કેલ્શિયમ ઘટતાં હૃદયનું ફંકશન નબળું પડે છે તેથી સ્ટ્રોક આવવાની શકયતા વધી જાય કારણ હાઇ બી.પી. થાય છે માટે.
મોર્ડન લાઇફસ્ટાઇલના કારણે પેકેટ ફૂડનું પ્રમાણ વધ્યું છે. પેકેટ પર વાંચવું જરૂરી છે. તેમાં કયું સોડિયમ (નમક)નો ઉપયોગ થયો છે. વધુ ચીપ્સ ખાવાની આદત પણ નમકના કારણે થાય છે. આ ચીપ્સથી પેટ ભરાતું નથી. પોષણ મળતું નથી તેથી વધુ ખાવાની ઇચ્છા થાય છે. તે આદત બની જાય છે. સ્વાદના કારણે વધુ ખવાય જેથી હાઇ બી.પી. સમસ્યા સર્જાય છે. તેમ જ શરીરમાંથી મિનરલ્સ પણ ઓછો થઇ જાય છે.
પ્રીઝર્વ કરેલા પેકેટ ફૂડમાં પણ અત્યાધિક નમક તેમ જ ખાવાલાયક નમક નથી હોતું. પ્રીઝર્વ માટે વધુ નમક વપરાય છે જેથી ફૂડ ખરાબ ન થાય તો આ પ્રીઝર્વ ફૂડનો વપરાશ બાળકો વધુ કરે છે. જેના કારણે તેઓમાં ધ્યાનકેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે અને ચિડચિડો બને છે. આ ફૂડ પેકેટમાં સોડિયમ વધુ હોવાના કારણે શરીરમાં કેલ્શિયમ એબ્ઝોર્પશનને ઘટાડી નાખે છે. જેથી કેલ્શ્યિમની ઊણપ વધી જાય છે.
કેલ્શિયમ ઘટતાં જ નર્વ સિસ્ટમ અને માંસપેશીઓમાં તકલીફ પેદા થાય છે. તે પોતાનું કામ સુચારુ રૂપથી કરી શકતી નથી. તેથી નબળાઇ જણાય છે. વધુ સોડિયમના કારણે હૃદયનું ફંકશન ખરાબ થાય છે. સોડિયમનો વપરાશ ચહા, કોફી અને એનર્જી ડ્રીંક્સ બનાવવામાં પણ થાય છે. કેફીનના કારણે શરીરમાં કેલ્શિયમનું એબ્ઝોપર્શન થતું નથી અને વધુ પેશાબ આવે છે ઘણાંય રમતવીરો (સ્પોર્ટમેન)ના હાથ પગ વળી જાય છે.
કારણકે તેઓ મેદાનમાં રમત પછી વધુ કોલ્ડ્રિંક પીવે છે. જેથી હાડકાં નબળા પડે છે અને તેઓમાં ફ્રેકચરનું પ્રમાણ વધુ હોય છે. એનર્જી ડ્રીંકમાં સોડિયમનું અને કેફિનનું પ્રમાણ વધુ થાય છે. જેના કારણે હાડકાંની ડેન્સિટી ઘટી જાય છે. ડ્રીંકમાં અને કાર્બોનેટ ડ્રીંકમાં ફોસ્ફોરિક એસિડની માત્રા વધુ હોય છે જે કેલ્શિયમનું લેવલ ઘટાડી દે છે.
હાઇ પ્રોટીન ડાયટના કારણે કેલ્શિયમનું એબ્ઝોર્પશન પ્રભાવિત થાય છે. જેમ કે રેડમીટ, ઇંડા અને પ્રોટીન સપ્લિમેન્ટમાં એસિડનું પ્રમાણ અને સોડિયમનું પ્રમાણ ક્રમશ: વધુ હોય છે. આને પચવા માટે વધુ કેલ્શિયમની જરૂર પડે છે. વધુ પ્રમાણમાં બીટ ખાવાના કારણે પણ કેલ્શિયમની કમી થાય છે. કારણ તેમાં ઓકસાલેટની માત્રા વધુ હોય છે. ન ખાવા જેવા નમકના કારણે કે તેનો અતિરેક થતાં એપોપ્ટોટિક કોશિકાઓમાં વૃદ્ધિ થાય એટલે કે સોજા આવે સ્પાયન કોડ નબળું પડી જાય છે.
સોડિમય કાર્બોનેટ (વોશિંગ સોડા) સોડિયમ કલોરાઇડ (ટેબલસોલ્ટ) સોડિયમ બાય કાર્બોનેટ (બેકિંગ સોડા) સોડિયમ હાઇડ્રોક્સાઇડ (કોસ્ટીક સોડા) સોડિયમ નાઇટ્રેડ અને સોડિયમ નાઇટ્રેટ જે પ્રીઝર્વ માટે વપરાય છે. મોનો સોડિયમ ગ્લુટામેટ (આજીનોમોટો) ડીસોડિયમ ફોસ્ફેટ ટ્રીસોડિયમ ફોસ્ફેટ ફૂડ એડીટીવ છે. આ બધાથી બચવું જરૂરી છે. આ બધા ખાવાલાયક નથી તેથી ફૂડ પેકેટ કે ધાબાની વસ્તુઓ ફરસાણની વસ્તુઓ, આઇસક્રીમ, ચોકલેટ, ચીપ્સ, જામ, ફૂટ જામ, સોસ, કેચપ, તૈયાર સુપના પેકેટ, મુખવાસ, પાચકચૂર્ણ ગોળીઓ, બિસ્કિટ, બ્રેડમાં, ખારી, ટોસ વગેરેમાં સોડિયમ (નમક)ના વિશેની માહિતી પછી જ વાપરવા. જોકે આ બાહ્ય પદાર્થો ખાવા યોગ્ય નથી. બધા જ કેલ્શિયમની ઊણપ માટે જવાબદાર છે.