Tue Apr 21 2026

Logo

1 ઢાંકણ = 30 ટકા ગેસની બચત! જાણી લો કઈ રીતે, પછી કહેતાં નહીં કે કીધું નહોતું...

2026-03-13 14:50:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધની અસર હવે આપણા રસોડા અને ડે ટુ ડે લાઈફ પર પણ જોવા મળી રહી છે. યુદ્ધને કારણે એલપીજી ગેસ સિલિન્ડરની અછત વર્તાત અને તેના વધતાં જતા ભાવ એ વર્તમાન સ્થિતિમાં દરેક ગૃહિણી માટે ચિંતાનો વિષય છે. રસોડામાં થોડી સમજદારી અને સ્માર્ટ પદ્ધતિઓ અપનાવવામાં આવે તો ગેસનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આજે અમે અહીં તમને કેટલીક એવી સિમ્પલ પણ સ્માર્ટ ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે જેની મદદથી તમે તમે તમારા એલપીજી ગેસ સિલિન્ડરને લાંબો સમય ચલાવી શકો છો. 

ગેસ ઓન કરતાં પહેલાં જ બધી તૈયારી કરી લો...

મોટાભાગે ગેસનો બગાડ ત્યારે થાય છે જ્યારે સ્ટવ ચાલુ હોય અને આપણે મસાલાના ડબ્બા શોધતા હોઈએ કે શાક સુધારતા હોઈએ. ગેસ પ્રગટાવતા પહેલા બધી જ સામગ્રી જેવી કે સમારેલા શાકભાજી, લોટ, પાણી અને મસાલાને એકસાથે રસોડાના પ્લેટફોર્મ પર તૈયાર રાખો. આનાથી ગેસ ચાલુ રહેવાનો સમય ઘટશે.

વાસણોને ઢાંકીને જ રસોઈ બનાવો

ખુલ્લા વાસણમાં રસોઈ બનાવવાથી વરાળ બહાર નીકળી જાય છે, જેના કારણે શાક-દાળ કે રસોઈને ચડવામાં લાંબો સમય લાગે છે. જો તમે હંમેશા ઢાંકણ ઢાંકીને રસોઈ બનાવો તો વરાળ અંદર જ રહેશે, જે કુદરતી દબાણ ઉભું કરશે અને ખોરાક ઝડપથી પાકશે. આ સાદી રીતથી 20થી 30 ટકા ગેસની બચત કરી શકાય છે.

પ્રેશર કૂકરનો વધુમાં વધુ ઉપયોગ કરો

દાળ, ચોખા કે બાફવાના કોઈ પણ કામ માટે તપેલા કે કઢાઈને બદલે પ્રેશર કૂકર વાપરવું જોઈએ. કૂકરમાં રાંધવાથી ગેસની ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને રસોઈ પણ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.

ફ્રીજની વસ્તુઓને રૂમ ટેમ્પરેચર પર લાવી

જો તમે ફ્રીજમાંથી દૂધ, દહીં કે શાક કાઢીને સીધું જ ગેસ પર ગરમ કરવા મૂકશો તો તેને ગરમ કરવા માટે બમણો ગેસ વપરાશે. હંમેશા ઠંડી વસ્તુને રાંધવાના એક-બે કલાક પહેલાં જ બહાર કાઢી લો, જેથી તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને ગેસનો વપરાશ ઓછો થાય.

બર્નરને યોગ્ય રીતે ક્લિન કરો

જી હા, આપણે ઘણી વખત આ બાબત પર ધ્યાન જ નથી આપતા અને ગેસનો વેડફાટ થાય છે. ગેસ સ્ટવનું બર્નર જો ગંદુ હોય તો તેમાંથી નીકળતી ફ્લેમ પીળી પડી જાય છે, જે ગેસ વેડફાઈ રહ્યો હોવાનો સંકેત આપે છે. ગેસની ફ્લેમ હંમેશા વાદળી રંગનીજ હોવી જોઈએ. નિયમિત સમય પર બર્નરને સાફ કરતાં રહેવું જોઈએ. જેથી તેના કાણાં ખૂલી જાય અને ગેસનો સંપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે.

દાળ-ચોખા અને કઠોળને પહેલાંથી પલાળી રાખો

દાળ, ચોખા કે કઠોળ જેમ કે ચણા અને વાલ રાંધતા પહેલા તેને ઓછામાં ઓછા 30થી 60 મિનિટ પહેલાંથી પાણીમાં પલાળી રાખો. આમ પલાળેલાં કઠોળ નરમ પડી જાય છે, જેને કારણે તેને રાંધતી વખતે કૂકરમાં ઓછી વ્હિસલ વગાડવી પડે છે અને ગેસની બચત પણ થાય છે.

નાના બર્નરનો ઉપયોગ

એલપીજીની તંગી વચ્ચે ગેસ સિલિન્ડર કઈ રીતે લાંબો સમય સુધી ચલાવી શકાય એ માટે ગેસના નાના બર્નરનો ઉપયોગ કરો કે પછી વાસણના કદ મુજબ જ બર્નરની પસંદગી કરો. જો વાસણ નાનું હોય અને તમે મોટા બર્નર પર રસોઈ બનાવો તો ફ્લેમ વાસણની બહાર નીકળી જાય છે અને હવામાં વેડફાય છે. હંમેશા એવી રીતે ગેસની ફ્લેમ એ રીતે સેટ કરો કે એ વાસણના તળિયાની બહાર ન જાય.

પાણીનું પ્રમાણ માપસર રાખવું

રસોઈમાં જરૂર કરતાં વધુ પાણી નાખવામાં આવે તો તેનું બાષ્પીભવન કરવા માટે ગેસ વધારે સમય સુધી ચાલુ રાખવું પડશે. આથી રસોઈ કરતી વખતે શાક કે દાળમાં માપસરનું પાણી ઉમેરો જેથી રસોઈ જલ્દી બને અને વધારાનું પાણી સૂકવવા પાછળ ગેસ વેડફાય નહીં અને તમારા શાક-દાળ પણ ઓવર કૂક ના થઈ જાય. 

આ કિચન ટિપ્સ તમારી ફીમેલ ફ્રેન્ડ્સ અને પરિવારની અન્ય મહિલા સદસ્યો સાથે શેર ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આ સ્માર્ટ ટિપ્સ અપનાવીને એલપીજી સિલિન્ડરને લાંબા સમય સુધી ચલાવી શકે.