સિંગાપુર : સિંગાપુરમાં હિન્દુ સમુદાયની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે નવા હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી છે. આ મંદિર યિશુન એવન્યુ 3 વિસ્તારમાં બનાવવામાં આવશે. મંદિરનું નામ શ્રી ગુરુવાયુરપ્પન અયપ્પન મંદિર (SGAT) રાખવામાં આવશે. મીડિયા અહેવાલ મુજબ બાંધકામ કાર્ય આ વર્ષના ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં શરૂ થવાની ધારણા છે. આ સિંગાપુરનું 25મું હિંદુ મંદિર હશે. આ પૂર્વે અરુલમિગુ વેલ્મુરુગન જ્ઞાનમુનેશ્વર મંદિર સિંગાપોરમાં બનેલું 24મું મંદિર છે. જે વર્ષ 2006 માં બનાવવામાં આવ્યું હતું.
કેરળથી પૂજારીઓને લાવવાની યોજના
સિંગાપુરમાં હાલ ભગવાન ગુરુવાયુરપ્પન અને ભગવાન અયપ્પા બે દેવતાઓને સમર્પિત કોઈ અલગ મંદિર નથી. આ મંદિર શ્રી મહા મરિયમ્માન મંદિર અને પવિત્ર વૃક્ષ બાલાસુબ્રમણ્યર મંદિરની નજીકમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે જમીન હિન્દુ એન્ડોમેન્ટ્સ બોર્ડ અને વ્યાપક સમુદાયના સભ્યો સાથે પરામર્શ કર્યા પછી ફાળવવામાં આવી હતી. આ નવા મંદિરમાં સેવા આપવા માટે કેરળથી પૂજારીઓને લાવવાની યોજના છે. જેમાં ખાસ કરીને સબરીમાલા મંદિર સાથે સંકળાયેલા પૂજારીઓ અહીં પૂજા કરશે.
આધ્યાત્મિક યાત્રાઓની શરૂઆત માટે એક કેન્દ્રબિંદુ
નવા હિંદુ મંદિરના નિર્માણની જાહેરાત વખતે સંસ્કૃતિ, સમુદાય અને યુવા રાજ્યમંત્રી દિનેશ વાસુ દાસે નોંધ્યું હતું કે સિંગાપોરના ઉત્તરીય ક્ષેત્રમાં ભારતીય રહેવાસીઓની સંખ્યા વધુ છે. આ મંદિર સ્થાનિક વસ્તી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્ય દેવતાઓ ઉપરાંત ભક્તો આ મંદિરમાં અન્ય દેવી-દેવતાઓની પણ પૂજા કરી શકશે. તેમજ ભારતમાં સબરીમાલા મંદિરની યાત્રા કરનારા ભક્તો માટે આ મંદિર વિશેષ મહત્વ ધરાવશે. તે તેમની આધ્યાત્મિક યાત્રાઓની શરૂઆત માટે એક કેન્દ્રબિંદુ તરીકે સેવા આપી શકે છે.