(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ વચ્ચે બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવી હતી. જોકે, વધતા ફુગાવાના સંજોગોમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબમાં મુકાઈ જવાની શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સાધારણ 0.1 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ બે ટકા ઘટી આવ્યા હતા.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4934 ગબડી ગયા હતા. જોકે, આજે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 11 પૈસા નબળો પડતા આયાત પડતર વધવાને કારણે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 41થી 42 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4934 તૂટીને રૂ. 2,66,010ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ હોવા છતાં રૂપિયો નબળો પડવાને કારણે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 41 વધીને રૂ. 1,59,588 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,60,230ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 5183.82 ડૉલર અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ એક ટકો ઘટીને આૈંસદીઠ 5191.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ બે ટકા ઘટીને આૈંસદીઠ 86.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ આજ ભૂરાજકીય તણાવ યથાવત્ હોવાનું જણાતા પુનઃ બાઉન્સબૅક જોવા મળ્યું હતું. આમ ક્રૂડતેલના ભાવમાં વધારાની સાથે ફુગાવો વધવાની ભીતિ છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ફુગાવો વધતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા નથી મળતો, એમ સ્વિસક્વૉટાના વિશ્લેષક કાર્લો અલ્બર્ટો ડૅ કાસાએ જણાવતા ઉમેર્યું હતું કે ડૉલર મજબૂત થવાથી વિદેશી ખરીદદારોની આયાત પડતરો વધવાથી સોનાની માગ મંદ પડે છે.
એકંદરે મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં લેતા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી પુરવઠા જાળવણી માટે તેલની અનામતમાંથી મોટો જથ્થો છૂટો કરવાની યોજના ધરાવે છે, પરંતુ આ બાબતે બજાર શંકા સેવી રહી હોવાથી તેલના ભાવમાં તેજીનું વલણ જોવા મળે છે.
દરમિયાન હાલના તબક્કે અમેરિકા-ઈઝરાયલ સંયુક્તપણે ઈરાન પર હવાઈ હુમલાઓ કરી રહ્યા છે અને તેલ તથા લિક્વિડ નેચરલ ગૅસના પરિવહન માટેનો સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ છે. જોકે, હવે રોકાણકારોની સલામતી માટેની માગ સોના તરફ વળે તેવી શક્યતા ડૅ કાસાએ વ્યક્ત કરી હતી.
ગયા મહિને અમેરિકામાં ગૅસોલિનના ભાવ વધી આવ્યા હોવાથી આજે જાહેર થનારા અમેરિકાના ગત ફેબ્રુઆરી મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ હતી. જોકે, હાલમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી માર્ચ મહિનામાં પણ ફુગાવો વધવાની ભીતિ તોળાઈ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.