સિદ્ધાર્થ છાયા
લાગે છે કે ‘ક્રિશ’ના ચોથા ભાગ માટે રાકેશ રોશને કોઈ સિદ્ધહસ્ત જ્યોતિષની સલાહ લેવી પડશે. કારણ દેખીતું છે, કેટકેટલી જાહેરાતો થઈ, પરંતુ ફિલ્મ હજી સુધી ફ્લોર પર નથી ગઈ. સહુથી પહેલી જાહેરાત તો એ થઈ કે ‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ બનશે. બહુ સરસ! પણ પછી જાહેરાત એવી થઈ કે ફિલ્મનું બજેટ એટલું બધું છે કે રાકેશ રોશને આ ચોથો ભાગ બનાવવાનું માંડી વાળ્યું છે... વળી એવાં સમાચાર આવ્યા કે ના ના, બજેટ ઇઝ નૉટ અ પ્રૉબ્લેમ, એ તો થઈ પડશે. પછી બીજાં પૉઝિટિવ સમાચાર એ હતા કે હૃતિક રોશન એટલે કે ખુદ ગબ્બર આ ફિલ્મને ડિરેક્ટ કરશે...!
આ બધું પત્યું ત્યાં થોડા દિવસ અગાઉ કાને એવી વાત આવી પડી કે ફિલ્મને ડિરેક્ટ કરવા માટે હૃતિકે ચાલીસ કરોડ માગ્યા છે. જોકે જ્યારે પોતાનું જ પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવતી હોય ત્યારે હૃતિક આવી મોં માથા વગરની માગણી કરે એ જરાય ગળે ઊતરતું ન હતું.
છેવટે, થોડા દિવસ પહેલાં હૃતિકના પપ્પા એટલે કે રાકેશભાઈ રોશન મેદાનમાં આવ્યા. એમણે પેલી ચાળીસ કરોડવાળી વાતને ‘નૉનસેન્સ’ કહી દીધી, પણ ‘ક્રિશ’નો ચોથો ભાગ બનશે એટલું જ એમણે કહ્યું. ક્યારે બનશે, કેવી રીતે બનશે, સ્ક્રિપ્ટ તૈયાર છે કે નહીં વગેરે વગેરેનો ફોડ સિનિયર રોશને હજી સુધી પાડ્યો નથી. બની શકે કે ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલાં શું એ ‘ક્રિશ’ની કુંડળી તૈયાર કરાવવામાં વ્યસ્ત છે?
‘દૃશ્યમ’: આ વખતે અલગ દર્શન...
‘દૃશ્યમ’ના પહેલા બે ભાગ જબરદસ્ત આવકાર પામ્યા હતા, પરંતુ આ બંને ભાગ મોહનલાલની એ જ નામની મલયાલમ ફિલ્મના થોડા ફેરફાર સાથે કૉપી જ હતા. હવે જે ત્રીજો ભાગ આવવાનો છે તે મલયાલમ કરતાં સાવ અલગ હશે એવો આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠકનો દાવો છે. મલયાલમ ‘દૃશ્યમ’ ગયા મહિને રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને મિક્સ્ડ રિવ્યુ મળ્યા છે.
અભિષેક પાઠકે કહ્યું છે કે આ વખતે તે અલગ જ પ્રકારની વાર્તા લઈને આવી રહ્યા છે. આમ તો જ્યાં ત્રીજો ભાગ પૂરો થયો હતો ત્યાંથી જ આ ચોથો ભાગ શરૂ થશે, પરંતુ તેની વાર્તા મોહનલાલની ફિલ્મ કરતાં અલગ હશે. પાઠકનું કહેવું છે કે મલયાલમ ફિલ્મ એ ઇમોશનલ ડ્રામા છે જ્યારે અમારી ફિલ્મ ઇમોશનલ થ્રિલર હશે. આ ફિલ્મમાં પણ અજય દેવગણ, શ્રીયા સરન અને તબુ તો હશે જ. આ ત્રિપુટીની સાથે જયદીપ અહલાવત અને પ્રકાશ રાજની પણ મહત્ત્વપૂર્વ ભૂમિકા છે.
આ તો થયું ડાયરેક્ટરનું વર્ઝન, પરંતુ એક વાત ઊડતી ઊડતી આવી છે કે અભિષેક પાઠકનો દાવો કે તેમની ફિલ્મ મલયાલમ કરતાં અલગ છે એ સાચું છે, પરંતુ એક મેજર ટ્વિસ્ટ સિવાય બીજું બધું એમનું એમ જ છે.
‘દૃશ્યમ’નો આ ત્રીજો ભાગ આ વર્ષે 2 ઑક્ટોબરે, હા બરાબર વાંચ્યું, 2 ઑક્ટોબરે રિલીઝ થશે.
તાપસીના તપમાં ઉંમર નડી રહી છે...
બોલિવૂડમાં પહેલેથી હીરોની ઉંમર જોવામાં નથી આવતી, પરંતુ હીરોઈન તરત ઘરડી થઈ જતી હોય છે. દિલીપકુમાર, અમિતાભ બચ્ચન વગેરેને આપણે એમની મોટી ઉંમર સુધી એમનાંથી અડધી ઉંમરની હીરોઇનો સાથે રોમાન્સ કરતા જોયા છે. ત્યાર બાદ હવે અક્ષય કુમાર, ત્રણેય ખાનો પણ સાઇઠ ઉપર જતા રહ્યા હોવા છતાં પોતાનાથી ઘણી નાની લીડ લેડી સાથે રોમાન્સ કરે છે. આને લઈને હવે ત્રીસી વટાવી ચૂકેલી તાપસી પન્નુનું દર્દ છલકાયું છે.
તાપસીને હાલમાં બે-ત્રણ પ્રોડ્યુસર ડાયરેક્ટર્સે તેની ‘ઉંમર મોટી’ હોવાને લીધે પોતાની રોમકોમ ફિલ્મમાં લેવાની ના પાડી દીધી. તાપસીનું કહેવું છે કે એક ઍક્ટ્રેસને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગભર થતાં તેની ઉંમર ત્રીસ વટી જાય છે. હવે જો ત્રીસ વટ્યા પછી તે રોમકોમમાં કામ કરવા લાયક નથી રહેતી તો પછી એ શું કરે? એવું નથી કે આવું બોલિવૂડમાં જ છે. તાપસીને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આવો અનુભવ થયો છે, પરંતુ જરા હટકે.
તાપસીનો અનુભવ કહે છે કે ‘જો કોઈ ઍક્ટ્રેસ સાઉથના કોઈ સિનિયર ઍક્ટરની હીરોઇન બને તો પછી પત્યું. યુવાન હીરોને જ્યારે એમ કહેવામાં આવે કે ફલાણી હીરોઈન અમે તમારી સામે કાસ્ટ કરવાનાં છીએ તો એ જુવાનિયાઓનું મોઢું તરત બગડી જાય છે. આ યુવાન હીરોલોગનો જવાબ એવો હોય છે કે એણે તો ફલાણા સિનિયર ઍક્ટર સાથે કામ કર્યું છે ને? તો એ મારા કરતાં મોટી લાગશે!
આમ તાપસીના તપમાં એને ભલે એની ઉંમર નડી રહી હોય પરંતુ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પછી તે ઉત્તરની હોય કે દક્ષિણની સનાતન સત્ય એક જ છે કે હીરો ક્યારેય ઘરડો થતો નથી. બસ, આમાં બધું આવી ગયું.
કટ એન્ડ ઓકે...
હું હજી પણ પેલો ડરપોક મદ્રાસી મિડલ ક્લાસ પુરુષ છું!
પોતાની પત્નીને હજી સુધી વફાદાર રહેવા પાછળનું રહસ્ય જણાવતો આર. માધવન.