Fri May 29 2026

Logo

સિદ્ધારમૈયાએ રાજ્યસભાની ઓફર ઠુકરાવી,કર્ણાટકના રાજકારણમાં રહીને કરશે જનસેવા

2026-05-29 11:40:00
Author: Mumbai Samachar Team
Article Image

બેંગ્લુરૂઃ કર્ણાટકની રાજનીતિમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી તરીકે રહેલા સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે એમની સાથે રહેલા મંત્રી પરિષદનો પણ ભંગ કરી દીધો છે. નવી વ્યવસ્થા ન તૈયાર થાય ત્યાં સુધી સિદ્ધારમૈયા કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે રહેશે, જોકે કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજકારણમાં એક્ટિવ રહેશે. 28 મેના રોજ સિદ્ધારમૈયાએ કર્ણાકટ રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો સેવાઈ રહી હતી. 

અધિકારીને આપ્યું હતું રાજીનામું
આ માહોલ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ તેમણે પદ છોડી દીધું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે, સિદ્ધારમૈયાએ જ્યારે રાજીનામું આપ્યું એ સમયે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગ્લુરૂમાં હાજર ન હતા. એટલા માટે રાજીનામું પહેલા રાજભવનના અધિકારીઓને સોંપી દેવાયું. રાજીનામું આપ્યા પછી મીડિયા સાથે વાત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, રાજ્યસભામાં મોકલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે નમ્રતાપૂર્વક ઇનકાર કરી દીધો છે. હું રાજ્યના રાજકારણમાં રહેવા માંગુ છું. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી. ધારાસભ્ય તરીકે મારો હજુ બે વર્ષનો કાર્યકાળ બાકી છે, અને હું જનતાની સેવા કરતો રહીશ. આ સિદ્ધારમૈયાનો બીજો કાર્યકાળ હતો. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ તેમણે મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. હવે, તેમના રાજીનામા સાથે, તેમનો બીજો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.

રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે
શુક્રવારે તેઓ બેંગ્લુરૂથી દિલ્હી જવા માટે સવારે રવાના થયા હતા. એ પછી દિલ્હીમાં તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. સિદ્ઘારમૈયાએ મુખ્યમંત્રી તરીકેનું પદ છોડી દેતા કોંગ્રેસની કર્ણાટકમાં હાલત કફોડી થઈ ગઈ છે.  કોંગ્રેસમાં એક જટિલ પરિસ્થિત ઊભી થઈ ગઈ છે. બેંગ્લુરૂમાં તેમણે ભલે પદ છોડી દીધું હોય પણ સમગ્ર રાજ્યની રાજનીતિમાં એની અસર જોવા મળી રહી છે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, આગળના દિવસોમાં કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહીશ અને પ્રજાની સેવા કરીશ. લોકોએ જ મને પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યો છે. હજું બે વર્ષ બાકી છે. કર્ણાટકના વિકાસ માટે કામ કરતો રહીશ. 

એજન્ડા સાથે કામ કરશે
તેમણે મંત્રીપદે બેસતા પહેલા જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે, હાઈકમાન્ડ જ્યારે પણ કહેશે ત્યારે ખુરશી છોડી દઈશ. સમગ્ર માહોલને ધ્યાને લેતા તેમણે એવી કોઈ સ્પષ્ટતા કરી નથી કે, કોઈ દબાવમાં આવીને પદ છોડ્યું કે, કોઈને કહેવાથી? આ મુદ્દે એટલું કહ્યું કે, મારા પર શેનો દબાવ, જ્યારે પાર્ટીએ મારૂ રાજીનામું માગ્યું એ સમયે જ મેં રાજીનામું લખી નાંખ્યું હતું. હકીકત એ પણ છે કે, હવે કર્ણાટકનું રાજકીય નેતૃત્વ ડી કે શિવકુમારના હાથમાં છે. મુખ્યમંત્રી તરીકે એ નક્કી થયા બાદ અને ચાર્જ સંભાળ્યા બાદ તેઓ એક એજન્ડા સાથે કામ કરશે એવું હાલમાં માનવામાં આવી રહ્યું છે.