Tue Jul 28 2026

Logo

આજે આટલું જ : કવિ કેમ બન્યા

2026-07-26 08:42:00
Author: Shobhit Desai
Article Image

 

- શોભિત દેસાઈ

એવું તને કંઈ યાદ છે?

નૈસર્ગિક પ્રતિભાવંતતા (ખોટું વાયડું ગુજરાતી), આરોહ અવરોહની આવડત અને શરૂઆતનો થોડો સમય ગયા બાદ લોકો સમક્ષ બોલવાનો ઓસરી ગયેલો ડર કાં તો આગળ જતાં કાવાદાવાથી લિપ્ત નેતા બનાવે અથવા કલાકાર. એટલે હબસીઓના શહેરમાં આઈનો થવાનું (સૂર્યભાનુ ગુપ્ત) એટલે કે કવિ બનવું અમે મુનાસિબ માન્યું કે જેથી મુખિયા બનતાં પહેલાં નાબાલિક બનીને ‘सात खून माफ’ કરાવવાની જફા ના વેંઢારવી (ઢ નો ત્રાસ ઓછો નથી એ હેમશ્રીને જાણ થાય)પડે . કવિ એટલેય બન્યા કે અમારું દરદ જગતનું બનાવી જીવવાનો નર્યો નિર્ભેળ આનંદ લૂંટી શકીએ. ‘કવિતા’ના તંત્રીશ્રી સુરેશ દલાલને ત્યાં, એસએનડીટી ચર્ચગેટના પાંચમાં માળે 18 વરસની ઉંમરે જઇ ચઢ્યા, થથરતાં પગ અને વાણી સાથે, એક ચાર પંક્તિનું મુક્તક લઈને અને એમને મળ્યાની ત્રીજી મિનિટે તો અમારી નર્વસનેસ ગાયબ!!! પછી તો અમારે ચાહવા-નહીં ચાહવાના દૌર એવા ચાલ્યા કે બસ. પણ કવિતા નકારાય એ બીકથી લગભગ તો અમે ક્યાંય મોકલીએ જ નહીં. તે  સ્વયમ્ બચુભાઈ રાવતે ‘કુમાર’માં પહેલી કવિતા છાપી ત્યારે તો નંદ ઘેર આનંદ ભયો જેવું મન. પણ અમારા 50 વરસના કાવ્ય વિલાસમાં સતત અમને ધબકાવ્યા હોય તો ‘સમર્પણ’ અને ‘નવનીત સમર્પણ’એ. 

હમણાં બે મહિના પહેલાં તંત્રીશ્રી દિપક દોશીએ અમારા લગ્નજીવનનું અત્યંત ઋજુ ખાનગી વાત વર્ણવતું એક મુક્તપદ્ય ‘નવનીત સમર્પણ’માં મુક્યું . તો ‘મુંબઈ સમાચાર’ની વોલન્ટરી ડિસક્લોઝર સ્કીમની તહેત કરી નાંખું ડિક્લેર તમારી સમક્ષ?! 
એ તમે જાણો જ છો ને !

હું છું એ નો એ જ 
કિંતુ 
એ, બધું એકસરખું ને 
એકસામટું એકસાથે ભૂલી જાય છે...
આમ તો આ બાજુથી આ હું ને પેલી બાજુથી એ તું 
પછી તો માંચડા નંખાય શબ્દોના બરાબરના 
ક્વચિત લોકોય ભેગાં થાય કલ્પિત ...
ને વળી ક્યારેક મોટી ભીડ પણ થઇ જાય ભીતર, જાણ પણ ના થાય ...  
ત્યાં તો મંત્રથી હો સજ્જ એવા બાણ છૂટે એકબીજા પર અને ભીતર ભરેલું સ્ટેડિયમ આખુંય હિલ્લોળાય 
અને એવે વખત આવી ચઢે જો ભૂલથી કોઈ 
ત્યારે તો અમે બન્ને 
અહીં આ હું અને ત્યાં એ 
થઈ જઇએ વ્યવસ્થિત એક પળમાં તો કંઈ એવા 
કે જાણે કોઈ બહુ મોટા ગજાનો ફિલ્મ દિગ્દર્શક ગયો ના હોય ચૂકી એની કોઈ ખૂબ મોટી ફિલ્મમાં લેવાનું અમને ! 
પછી એ નીકળે ભણકાર કેવળ, હોય ના કોઈ... 
તો 
પાછા એક બે ક્ષણમાં તો છોડ્યું હોય જ્યાંથી, બસ શરૂ કરીએ ફરી ત્યાંથી કોઈ કૌશલ્યથી એવા કે આ ક્ષણને મુલવવા કોઈ પણ કલ્પન ન સૂઝે છે  
આવું આવું તો ને ઈત્યાદી વગરે આજુબાજુનું ઘણાં વર્ષો સુધી આમ જ અને આવું જ...  
ને અચાનક સાવ હમણાંના સમયની એક સાંજે કોઈ ક્ષણ ઉપર કર્યો પ્રતિસાદ એણે બંધ...  
સાવ સાચો ને ખરેખર બંધ, શું આ વાતને માની શકાય ?!
જી હા 
મને લાગ્યું હું ચૂક્યો છું નિશાન 
મેં કર્યો મોટો અવાજ... તોર પણ ઉંચો કર્યો 
પરિણામ મોટું શૂન્ય, 
પાછી, હું કોઈ કોમેડિયન ના હોઉં 
જોઈને મને થોડું હસી
પણ સ્મિત કેવળ સ્મિત નહોતું, એક નાના ટીપા આંસુની હતી ખારાશ એમાં ...
હું પડ્યો ઢીલો, સ્વીકારી હાર એ દિવસે 
એ પછી તો બોલવું પણ ધીમેધીમે ઓસરી ચાલ્યું ... 
જે હું જાણું એ બધા આયુધ માંડ્યો કાઢવા અક્કેક શસ્ત્રાગારથી મારા ...
આજુબાજુના નમૂનાઓ જે નોંધ્યા હો થી લઈને ફિલ્મના નાના અને મોટા અદાકારોની નકલોથી લઈને સાવ અળવીતરા અવાજોનો પરિશ્રમ મૂકતો રહું જ્યાં સુધી એ ના હસે બસ ત્યાં સુધી... 
વાતને હળવી બનાવું થોડી તો હું કહું કદિક એને કે-
તારા ચહેરાનું એક સ્મિત મેળવવા ચઢું આકાશે હું ને તારલા તોડી હું નાંખુ તારા કદમોમાં...
પરંતુ જાણું છું કે સાવ લાગે છે નજીક એ તારલો પણ છે સવા બે લાખ માઈલ દૂર ...
આવું પાછો મૂળ વાત ઉપર, લઇ જઉં અંતની શરૂઆતમાં 
વાત મારી ને તમારી માત્ર છે આ કે 
હવે એ બોલીને ખોઈ જ બેઠી છે ...
બોલી છે કે બોલવું એ હું નથી નક્કી કરી શકતો...
હજી ભાષા છે સચવાયેલી અંધારે કદાચ એના... 
એવું માનવાનું છે ને કારણ મારી પાસે! 
અંતરે બસ ચાર કે છ ઇંચની વાતો કરું છું એની સંગાથે ...
ત્યારે આદિમ કાળની કોઈક ભાષાના બધાયે અક્ષરો વાંચી શકું છું હું ...
અને ત્યારે અને ત્યારે અને ત્યારે જે મારી આંખમાંથી નીકળે એ અક્ષરોના તો મરોડોની કરું શું વાત! 
નીરખું જો ધ્યાનથી હું ના કદાચ એને તો અમથા સાવ એ વહી જાય આંસુ થઈ ... 
આવી સુંદર જિંદગીને નામ પણ બે ત્રણ અપાયા છે જે એમાં પહેલું છે અલ્ઝાઇમર ને છે બીજું ડીમીન્શીયા ને ત્રીજું છે લાંબુ જરા-એ લોસ ઓફ પાવર ટુ રીમેમ્બર.  
છે દર્દ બહુ સંગીન, એના નામ પણ એવા - ઠઠારાથી ભરેલા ...
પણ મેં અને મારા પૂરા પરિવારે એને નામ આપ્યું છે પરમ સુખ સાથમાં આનંદ તો સાવ જ મફત  
ભાઈ મારા! શું તને લાગે છે કે દુનિયા બચી છે કે રહી છે સૌ સમજવા કે પછી સમજાવવા જેવી? 

વાત થઇ હમણાં જ... મારા કાનમાં બોલ્યા કવિવર : કોઈને કહેતો નહીં પણ હુંય ખંડિત છું સ્વયમ્ની  માન્યતાથી કે કોઈ પણ જન્મતું સંતાન છે એ વાતનો પૂરો ભરોસો કે હજી પરમાત્મા થાક્યો નથી સહેજેય માનવજાતથી. 
ચર્મના સિક્કા ગણી બેઠા તરંગી આપણે ને ચર્મની નીચે વસેલા માનવોના માનવોની કત્લ કરતાં કોઈ અચકાતું નથી અને કેવા તરંગીને ચલાવે છે પૂરી દુનિયાના શિક્ષિત લોકો કે એ કંઇ નથી કરતા અને બેઠા છે ડાહ્યાડમરા ઘેટાં જેમ, આવે જ્યારે પણ નિયત કરાયલ કાળ ત્યારે પામવાને નાશ ... 

એકબાજુ નામ કરવા માટે મુકાતા પ્રતિબંધો રુંધે છે જીવ માનવનો, બીજી બાજુ વધી રહી છે સતત સત્તા પ્રસિદ્ધિ નામની ભારે ભયંકર ભૂખ, ભરતી કોળીયા જે પ્રેમ વાત્સલ્ય અને સૌહાર્દ ઇત્યાદિ અને ઇત્યાદિ ઇત્યાદિના બેરહેમીથી...  
લે! લે ! હું વળી ક્યાં વિશ્વશાંતિના રવાડે જઇ ચઢ્યો ! 

હું તો અત્યારે પરમસુખ ભોગવું છું જે આ મારી સંગીની સાથે, મને લાગે છે આખા વિશ્વના સંતાપમાં એક ખાસ કોઈને પહોંચાડે છે શાતા આછું અમથું સ્મિત એનું, કોને ? 
એ તમે જાણો જ છો ને!

શોભિત દેસાઈ

આજે આટલું જ