Thu Mar 12 2026

Logo

માર્કંડેય પુરાણનું વાંચન-મનન ને પઠન કરનાર મારી વિશેષ કૃપાનો અધિકારી બનશે!

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

શિવ રહસ્યઃ ભરત પટેલ


શિવ ભક્તિ જ આપણા પુત્રને અલ્પઆયુથી દીર્ઘાયુષ્ય તરફ લઈ જશે એવી અડગ શ્રદ્ધાથી બંને પતિપત્ની શિવઆરાધનામાં વ્યસ્ત થઈ ગયા. બાળક માર્કંડેય ધીમે ધીમે મોટો થવા માંડયો. માર્કંડેયનું આયુષ્ય આજે પૂર્ણ થઈ જશે એવું માર્કંડેયને ખબર પડતાં માર્કંડેય શિવલિંગ પાસે બેસી ‘ૐ નમ: શિવાય:’ પંચાક્ષરી જાપની શરૂઆત કરે છે. પરોઢ થતાં પહેલાં જ યમદૂતો માર્કંડેયને શોધતાં શોધતાં ઋષિ મૃકુંદુની કુટિર પાસે પહોંચે છે, તેઓ જુએ છે કે માર્કંડેય શિવ આરાધનામાં લીન છે. એક યમદૂત દ્વારા માર્કંડેય પર યમપાશ ફેંકતાં જ શિવલિંગમાંથી એક અગ્નિની તરંગ નીકળે છે અને યમદૂતને મૂર્છિત કરી દે છે. એ જોઈ બીજા યમદૂત પણ માર્કંડેય પર યમપાશ ફેંકે છે. 


યમપાશ માર્કંડેય તરફ આવતા ફરી શિવલિંગમાંથી એક અગ્નિતરંગ નીકળતાં બીજો યમદૂત જોજન દૂર ફેંકાઇ જાય છે. ફંગોળાયેલો યમદૂત યમલોક પહોંચી યમદેવને કહે છે કે માર્કંડેય શિવ આરાધના કરી રહ્યો છે અને શિવલિંગમાંથી નીકળતી અગ્નિની તરંગો માર્કંડેયના પ્રાણ હરવા દેતી નથી. ક્રોધિત યમરાજ અને તેના દૂત સૌ સાથે મળી મૃકુંદુ ઋષિના આશ્રમ પહોંચે છે. ક્રોધિત યમરાજના ભયાનક રૂપને જોઈ બાળક માર્કંડેય ગભરાય જાય છે અને શિવલિંગને વળગી જાય છે અને ‘ૐ નમ: શિવાય:’ જાપ ચાલુ રાખે છે. ક્રોધિત યમરાજ પોતાની ગદાનો પ્રહાર કરવા જતાં જ ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યા પ્રગટ થાય છે અને યમરાજ સહિત તેમની ગદાને બંદી બનાવે છે. 


ભગવાન શિવ અને માતા પાર્વતીને જોઈ યમરાજ કહે છે ‘પ્રભુ હું તો મૃત્યુના અટલ નિયમોનું પાલન કરનારો છું, ચિત્રગુપ્તના લેખનમાં માર્કંડેયની આયુ આજની રાત જેટલી જ દાખવી છે.’ સમજાવતાં ભગવાન શિવ કહે છે, ‘તમે નિયતિના સંચાલન માટે નિયુક્ત છો, તમે કાલ છો તો હું મહાકાલ છું. શરણાગતની રક્ષા કરવી મારું કર્તવ્ય છે. 


મારી ભક્તિની ચરમસીમા પર પહોંચેલા બાળકને કઈ રીતે મારી શકાય? નિયતીના લેખનમાં માર્કંડેય દ્વારા મારી ભક્તિ બાદ અમરતાનું વરદાન પણ લખવામાં આવ્યું છે, ચિત્રગુપ્તના લેખનમાં ત્રુટી રહી ગઈ છે, તમે પરમજ્ઞાની છો તમને એટલું તો જ્ઞાત હોવું જ જોઈએ કે તમારા પાશ તૂટવા પાછળ કોઈ કારણ હોવું જોઈએ. માર્કંડેયની અલ્પઆયુનો શ્રાપ સમાપ્ત થઈ ગયો છે,  માર્કંડેય હવે અમરતાનું વરદાન મેળવી સંસારના કલ્યાણ માટે કાર્ય કરશે. તમે યમલોક જઈ તમારા કાર્યને પાછું સંભાળી લો.’ 


યમરાજ વિદાય થતાં માર્કંડેય ભગવાન શિવ અને માતા પાર્વતીના આશિર્વાદ લે છે. પ્રસન્ન માતા પાર્વતી કહે છે ‘માર્કંડેય તમે ફક્ત શિવ કૃપાના જ પાત્ર નથી, તમે મારા પુત્ર કાર્તિકેય અને ગણેશની જેમ દેવ છો. હું તમને મારા પુત્રોની જેમ જ સ્નેહ અને સિદ્ધિઓ પ્રદાન કરીશ.
* * *

પોતાની કુટિર બહાર કોઈ શક્તિ ઉપસ્થિત હોવાની અનુભૂતિ થતાં જ ઋષિ મૃકુંદુ અને સુતપા બહાર આવે છે. એજ સમયે માતા લક્ષ્મી, બ્રહ્માજી અને દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. ઋષિ મૃકુંદુ અને સુતપા સમસ્ત દેવગણનું સ્વાગત કરી આશીર્વાદ લે છે.


સુતપા: ‘હે સર્વેશ્વર ભોળેનાથ, માતા પાર્વતી, માતા સરસ્વતી, બ્રહ્માજી અને દેવર્ષિ નારદના દર્શન અલભ્ય તો ખરા જ! અને આ બધાના એકસાથે દર્શન કોઈ પુણ્યશાળીને જ મળે.’

ભગવાન શિવ: ‘સુતપા તમે અને ઋષિ મૃકંદુ ખરેખર પુણ્યશાળી છો, જેથી આપને માર્કંડેય જેવો પુત્ર પ્રાપ્ત થયો છે.’


ઋષિ મૃકંદુ: ‘હે સર્વેશ્વર, અમને માફ કરો, અલ્પઆયુ પુત્રની આયુ બાબતે ભયભીત રહી અમે પૂર્ણપણે તમને સમર્પિત ન થઈ શક્યા, એ બદલ માફી ચાહીએ છીએ. હે કૃપાનિધાન તમારી કૃપા અપરંપાર છે, તમે દયાના સાગર છો. તમારી ભક્તિ અસંભવને પણ સંભવ બનાવે છે. એકવાર કોઈ નિષ્ઠાપૂર્વક તમારાં શ્રીચરણોમાં સમર્પિત થઈ જાય તો તેણે પોતાની સમસ્ત ચિંતા તમારા પર છોડી દેવી જોઈએ અને તમારી ભક્તિમાં લીન થઈ જવું જોઇએ, પરંતુ અમે પુત્રની અલ્પઆયુની ચિંતામાં એવું ન કરી શક્યાં.’


માતા પાર્વતી: ‘પુત્રની ચિંતા કોને નહીં હોય? હું પોતે પણ પુત્ર દૂર થયાં નથી કે ચિંતા કરવા લાગી જાઉં છું.’

ભગવાન શિવ: ‘પુત્રની ચિંતા કરવી એ મા-બાપનો સ્વાભાવિક કર્તવ્ય છે, અમારું અહીં ઉપસ્થિત થવાનું કારણ એ નથી કે તમારી ચિંતા દૂર કરવી, અમે તો અહીં માર્કંડેયની અવિરત ભક્તિથી પ્રસન્ન થઈ તેને અમરતાનું વરદાન આપવા આવ્યા છીએ. પુત્ર માર્કંડેય તમે અમારી વિશેષ સ્નેહના પાત્ર છો.’


માર્કંડેય: ‘માતા આપની આજ્ઞા હોય તો આપના ચરણોમાં હું એક નિવેદન પ્રસ્તુત કરવા માગું છું.’

માતા પાર્વતી: ‘પુત્ર બોલો, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.’

માર્કંડેય: ‘દુષ્ટ દૈત્ય-દાનવોને અંત કરનારી અને માતા આપની શક્તિઓનું પ્રદર્શન કરનારી વાર્તા મને બહુ પ્રિય છે, મારી માતા અને  પિતાએ આપની ઘણી વાર્તા મને સંભળાવી છે. આપ સૌના આશીર્વાદ હોય તો લોકકલ્યાણઅર્થે હું માતા પાર્વતીની શક્તિ, દયા-માયા અને પરાક્રમને સાંકળી લેતો એક ગ્રંથ લખવા ઇચ્છુક છું.’


ભગવાન શિવ: ‘તમારી કલ્પના અને ઇચ્છા ખૂબ ઉત્તમ છે. તમારી ઇચ્છા પૂર્ણ કરવા હું તમને આશીર્વાદ આપું છું કે, તમારા દ્વારા રચિત ગ્રંથ માર્કંડેય પુ2ાણ તરીકે જગવિખ્યાત થશે. આવનારા અનેક યુગો સુધી દેવી પાર્વતીના ભક્તો માટે આ ગ્રંથ ભક્તિ અને પ્રેરણાનું મુખ્ય સ્રોત બનશે.’


માતા પાર્વતી: ‘પુત્ર માર્કંડેય તમારા દ્વારા રચિત આ માર્કંડેય પુરાણના વાંચન, મનન અને પઠન કરનાર મારી વિશેષ કૃપાનો અધિકારી બનશે અને મારો પરમભક્ત કહેવાશે.’

ભગવાન શિવ: ‘પુત્ર એટલું જ નહીં, માર્કંડેય પુરાણના દરેક શ્ર્લોક પાપીથી પાપી મનુષ્યના પાપ દૂર કરી શિવકૃપા પ્રાપ્ત કરવા સક્ષમ બનશે.’


માતા સરસ્વતી અને બ્રહ્માજીએ પણ માર્કંડેયને આશીર્વાદ આપી કહ્યું કે, ‘માર્કંડેય પુરાણનું પઠન, ચિંતન અને મનન કરનારા મનુષ્યનો પરિવાર અમારી વિશેષ કૃપાને પાત્ર બનશે અને પરમ જ્ઞાની બનશે.’

ભગવાન શિવ, માતા પાર્વતી, બ્રહ્માજી, માતા સરસ્વતી અને દેવર્ષિ નારદ માર્કંડેયને આશિર્વાદ આપી ત્યાંથી વિદાય લે છે.

* * *

થોડા જ સમયમાં માર્કંડેય દ્વારા માર્કંડેય પુરાણની રચના કરવામાં આવી, અને આજે એ દુર્ગા સપ્તશતી તરીકે પણ પ્રખ્યાત છે. જે માનવ શ્રદ્ધા અને ભાવથી માર્કંડેય પુરાણ ઉર્ફે દુર્ગા સપ્તશતીનું પઠન, મનન કે વાંચન કરે છે તે સમગ્ર જીવન દરમિયાન માતા પાર્વતીની કૃપાથી ઉત્તમ માનવ તરીકે જીવન વિતાવે છે અને કાલમાં વિલય થયા બાદ શિવકૃપા પ્રાપ્ત કરી શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મેળવે છે.

* * *
માતા પાર્વતી અને ભગવાન શિવને એકસાથે પરત ફરેલા જોઈ શિવગણો ઉત્સાહ મનાવે છે.   

(ક્રમશ:)