Mon Aug 31 2026

Logo

શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રે જેલમાંથી મુક્ત: હાઈ કોર્ટના આદેશ પછી ગોવા રવાના

2026-08-09 21:26:04
Author: Mumbai Samachar Team
શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રે જેલમાંથી મુક્ત: હાઈ કોર્ટના આદેશ પછી ગોવા રવાના

મુંબઈઃ થાણે જિલ્લાની એક મ્યુનિસિપલ હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરાયેલા શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે જેલમાંથી મુક્ત થયા છે અને મહારાષ્ટ્રની બહાર રહેવાની જામીનની શરતનું પાલન કરવા માટે પાડોશી રાજ્ય ગોવા ગયા છે.

બોમ્બે હાઈ કોર્ટે તેમને જામીન આપ્યા અને કેસની સુનાવણી ઝડપથી તથા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો તેના બીજા દિવસે, શનિવારે મ્હાત્રે કલ્યાણ વિસ્તારની આધારવાડી જેલમાંથી બહાર આવ્યા. 

મ્હાત્રેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં સહ-આરોપી એવા તેમના ત્રણ સમર્થકો સાથે ગોવાના અંજુનામાં રહેશે.  તેમણે કહ્યું, કે મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને ન્યાયતંત્ર જે પણ ચુકાદો આપશે તેનો હું સંપૂર્ણ સ્વીકાર કરીશ.

મ્હાત્રેને જામીન આપતી વખતે, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બેન્ચે તેમના અને અન્ય આરોપીઓ પર કડક શરતો લાદી હતી અને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી કેસમાં ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તેઓ મહારાષ્ટ્રની બહાર રહે. 

હાઈ કોર્ટે કલ્યાણની અદાલતના આદેશને "અયોગ્ય" ગણાવી તેના પર રોક લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટે આ મુદ્દાને ખૂબ હળવાશથી લીધો હતો અને મ્હાત્રેના ગુનાહિત ભૂતકાળને પણ ધ્યાનમાં લીધો ન હતો.