Mon Jul 06 2026

Logo

શિવ રહસ્યઃ શું મારી માતા માટે હું યમદેવને પરાજિત ન કરી શકું?

2026-07-06 08:36:00
Author: Bharat Patel
Article Image

 

ભરત પટેલ


ભગવાન શિવ અને માતા પાર્વતી બંદીવાન પંચતત્ત્વ દેવતાઓ, દેવરાજ ઈન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ અને માતા કામધેનુને લઈ કૈલાસ પધારે છે. શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે. એ જ સમયે દેવર્ષિ નારદ, બ્રહ્માજી, માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ત્યાં પધારે છે. માતા પાર્વતી દેવતાઓનું સ્વાગત કરે છે. દેવગુરુ અને દેવતાઓને ફરીવાર ઉગારવા બદલ બ્રહ્માજી ભગવાન શિવનો આભાર માને છે. દેવરાજ ઈન્દ્ર વિનંતી કરતા કહે છે ‘પ્રભુ તમારી કૃપાથી ફરી દેવગણોને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે એ બદલ હું પણ તમારો આભાર માનું છું. 

માતા આજે કૈલાસ ખાતે સમગ્ર શિવગણો અને દેવગણો ઉપસ્થિત છે, શિવગણોને તો તમારી આશીર્વાદરૂપી ખીર હંમેશાં ઉપલબ્ધ થતી હોય છે. શું એ આશીર્વાદરૂપી ખીરનો રસાસ્વાદ અમને દેવગણોને ઉપલબ્ધ થઈ શકશે?’ માતા પાર્વતીને માતા સરસ્વતી અને માતા લક્ષ્મી ખીર બનાવવા સહાય કરે છે. ઉત્તમ ખીર તૈયાર થતાં જ સમગ્ર દેવગણ ખીર આરોગે છે અને ધન્યતા અનુભવે છે. કૈલાસ ખાતે ઉત્સવ જેવું વાતાવરણ થઈ જાય છે. શિવગણો અને દેવગણો નૃત્ય કરી ઉત્સવ ઉજવે છે. 

બીજી તરફ અરુણાસુર પોતાને અન્યાય થયો છે એવું પોતાના સૈનિકોને કહે છે. વધુમાં કહે છે કે, જે પ્રકૃતિના સ્વામી બનીને ભગવાન શિવ આવી વાતો કરી રહ્યા છે એ પ્રકૃતિ અને નિયતિને જ હું મારી દાસી બનાવીશ અને મારી માતાને પુન:જીવિત કરીશ. એ પહેલાં હું મારી માતાનું જીવન સમાપ્ત કરનાર યમરાજને દંડીત કરીશ, ત્યારબાદ પ્રકૃતિને મારી દાસી બનાવીશ.’ અરુણાસુર તુરંત યમલોક પહોંચતાં દ્વારપાલ ચંડ અને પ્રચંડ તેને અટકાવવાની કોશિશ કરે છે. અરુણાસુર દ્વારપાલ ચંડ અને પ્રચંડ સાથે યુદ્ધ કરે છે. યુદ્ધનો અવાજ સાંભળી યમદેવ બહાર આવે છે. 

અરુણાસુર યમદેવને કહે છે કે ‘તમે આને વિનંતી કહો તો વિનંતી અથવા ચેતવણી કહો તો ચેતવણી, હું મારી માતાને પુન:જીવિત કરવા અહીં આવ્યો છું, તમારે એને ફરી જીવિત કરવી જ પડશે.’ અરુણાસુર યમદેવ પર આક્રમણ કરે છે. અરુણાસુરને બ્રહ્માજીનું વરદાન હોવાથી યુદ્ધમાં અરુણાસુર યમરાજ પર પ્રભુત્વ મેળવવા માંડે છે. યમરાજનાં બધાં શસ્ત્રો નિષ્ફળ થાય છે. બીજી તરફ કુમાર કાર્તિકેય ભગવાન શિવ પાસે આવે છે અને કહે છે, ‘પિતાશ્રી આ અરુણાસુર યમરાજ પાસે પહોંચી ગયો છે તેમની સાથે યુદ્ધ કરી રહ્યો છે. 

યમરાજના બધા શસ્ત્રો નિષ્ફળ થઈ રહ્યા છે. શું મારે તેમની સહાયઅર્થે જવું જોઈએ.’ ભગવાન શિવ કુમાર કાતિર્ર્કેયને ચેતવણી આપતાં કહે છે,  ‘કુમાર કાર્તિકેય તમે દેવસેનાના સેનાપતિ છો, સત્યથી ચાલનારાને સહાયતા કરવી તમારી જવાબદારી છે પણ... તમારે આ યુદ્ધમાં અવશ્ય ધ્યાન રાખવું પડશે કે તમે અહીં યોદ્ધા છો, નહીં કે કોઈના પુત્ર, નહીં કે કોઈના પિતા, નહીં કે કોઈના પતિ, એક યોદ્ધા તરીકે બુદ્ધિપૂર્વક આ યુદ્ધમાં ઊતરવું પડશે.’
---
ભગવાન શિવ સાથે ચર્ચા બાદ કુમાર કાર્તિકેય યમરાજને ઉગારવા યમલોક પહોંચે છે.

કુમાર કાર્તિકેય: ‘થોભી જાવ અરુણાસુર, તમે આ નિયતિની વિરુદ્ધ જઈ રહ્યા છો, યમદેવ પર આક્રમણ યોગ્ય નથી, તેમના પર સંસારચક્ર ચલાવવાની જવાબદારી છે, તેમને છોડી દો.’

અરુણાસુર: ‘તમે કોણ છો? અને અહીં શું કામ આવ્યા છો?’
કુમાર કાર્તિકેય: ‘હું દેવતાઓનો સેનાપતિ કાર્તિકેય છું.’
અરુણાસુર: ‘સેનાપતિ તમે અહીંથી ચાલ્યા જાવ, મને અને યમદેવને નિર્ણય કરવા દો.’

કુમાર કાર્તિકેયની વિનંતીનો અરુણાસુર અસ્વીકાર કરતાં જ કુમાર કાર્તિકેય અને અરુણાસુર વચ્ચે યુદ્ધ થાય છે. કુમાર કાર્તિકેય અરુણાસુર પર વાર કરે છે, અરુણાસુર તેનો જવાબ ન આપતાં પાછળ પાછળ ચાલ્યો જાય છે. કાર્તિકેય એના પર વધુ શક્તિથી વાર કરે છે પણ એ પાછળ ને પાછળ જતો જાય છે અને અંતે એ પોતાના માતાનું શબ જ્યાં હોય છે ત્યાં સુધી જતો રહે છે. કુમાર કાર્તિકેય ફરી એના પર શક્તિશાળી પ્રહાર કરવા જાય છે એ દરમિયાન અરુણાસુરના સૈનિકો તેની માતાના શબને કુમાર કાર્તિકેયની સમક્ષ મૂકી દે છે. કુમારા કાર્તિકેય અરુણાસુરની માતાના સડી ગયેલા શબને જોઈ ડઘાઇ જાય છે.

અરુણાસુર: ‘કરો પ્રહાર કરો. આ મારી માતા છે જેને યમદેવે મૃત બનાવી છે. હું ફક્ત મારી માતાને જીવંત કરવા માગું છું શું એ મારો અપરાધ છે?’
કુમાર કાર્તિકેય: ‘પણ તમે જે કહો છો એ અસંભવ છે, મૃત્યુ બાદ કોઈ પુન:જીવિત થઈ શકતું નથી. આ પ્રકૃતિની વિરુદ્ધ છે.’

અરુણાસુર: ‘શું તમે તમારી માતાને પ્રેમ નથી કરતા? બોલો તમારી માતા માટે તમે શું કરી શકો? તો શું મારી માતા માટે હું યમદેવને પરાજિત ન કરી શકું? યમદેવ પરાજીત થઈ જ ગયા હતા પણ તમે આવીને યમદેવને છોડાવી લીધા.’

અરુણાસુર દ્વારા માતાનો શબ પોતાની સમક્ષ મૂકી દેતાં દઘાઈ ગયેલા કુમાર કાર્તિકેયને આવો સવાલ પુછાતાં તેઓ વિચાર કરે છે કે, હું પણ મારી માતા માટે કોઈપણ કક્ષાએ જઈ શકું છું, તો અરુણાસુરને પણ અધિકાર છે કે એ એની માતાને એ જીવંત કરે. હવે કુમાર કાર્તિકેય પાસે અરુણાસુરને જવાબ આપવા માટે કોઈ શબ્દો નહોતા. એ યુદ્ધભૂમિ છોડીને ચાલવા લાગ્યા.

અરુણાસુર: ‘સેનાપતિ કાર્તિકેય, હું તમને વચન આપું છું કે જો ભગવાન શિવ મારી માતાને પુન:જીવિત કરશે તો હું આજીવન ભગવાન શિવનો સેવક બનીને રહીશ.’
---
મૂંઝાયેલા કુમાર કાર્તિકેય કૈલાસ પહોંચે છે.

કુમાર કાર્તિકેય: ‘પિતાશ્રી! તમને બધી જ વસ્તુની ખબર છે, અરુણાસુર ખૂબ પ્રેમાળ છે, એ એની માતાને ખૂબ પ્રેમ કરે છે એટલે એમને પુન:જીવિત કરવા માંગે છે. મારી વિનંતી છે કે તમે અરુણાસુરની માતાને નવું જીવન આપશો.’

ભગવાન શિવ: ‘કુમાર મેં તમને યુદ્ધભૂમિમાં જતા પહેલાં જ કહ્યું હતું કે, તમે યુદ્ધભૂમિમાં ફક્ત દેવતાઓના સેનાપતિ છો, નહીં કોઈના પુત્ર, કે નહીં કોઈના પતિ. એક યોદ્ધા યુદ્ધભૂમિમાં લાગણીશીલ થઈ જાય એ યોગ્ય નથી. અરુણાસુરની માતાને પુન:જીવિત નહીં કરી શકાય.’

કુમાર કાર્તિકેય: ‘પિતાશ્રી શું તમે સૂર્યદેવ અને ઋષિ માર્કંડેયને પુન:જીવિત નહોતા કર્યા.’

ભગવાન શિવને આવા સવાલ કરી રહેલા કુમાર કાર્તિકેયને સમજાવતાં નંદી કહે છે, ‘કુમાર ચાલો, માતા બોલાવે છે.’

કુમાર કાર્તિકેય: ‘નંદી મહારાજ આ એક પિતા અને પુત્ર વચ્ચે ચાલી રહેલી ચર્ચા છે, તમે દરમિયાનગીરી ન કરો તો ઉત્તમ રહેશે.’

દૂરથી આ સાંભળી રહેલાં માતા પાર્વતી ક્રોધિત થઇ ત્યાં પધારે છે.

માતા પાર્વતી: ‘કુમાર, મર્યાદાનું ધ્યાન રાખો, તેનું ઉલ્લંઘન કરી મને લજ્જિત કરી રહ્યા છો. નંદી અને તમારા પિતા સાથે આ રીતે વાત ન કરી શકો, નંદી અને તમારા પિતાની માફી માગો.’

નંદી મહારાજ: ‘નહીં માતા, મને કુમારની વાતોમાં કંઈ ખરાબ નથી લાગ્યું.’

કુમાર કાર્તિકેય દ્વારા નંદીની માફી ન મગાતા માતા પાર્વતી ક્રોધિત થાય છે અને કહે છે, ‘કુમાર જાવ અહીંથી, આ મારો આદેશ છે.’

માતા પાર્વતીનો આદેશ સાંભળી કુમાર કાર્તિકેય ત્યાંથી ચાલ્યા જાય છે.

માતા પાર્વતી: ‘સ્વામી! તમે કુમાર માટે ચિંતિત ન થાઓ, હું એને સમજાવીશ.’

ભગવાન શિવ: ‘કુમારે સમજવું જોઈએ કે આપણે ફક્ત એના માતા-પિતા જ નથી, સંસારના સમસ્ત પ્રાણીઓની રક્ષા અને સૃષ્ટિના સંચાલનમાં વિક્ષેપ ન પડે એનું ધ્યાન રાખવું પડે છે.’
દુ:ખી માતા પાર્વતી કુમાર કાર્તિકેયને સમજાવવા તેની પાસે જાય છે. (ક્રમશ:)