નરેશ શાહ
આજે વિચારવા મજબૂર કરી દેતી એક વેબસિરીઝની વાત કરવી છે. બેશક, બન્નેના વિષય અલગ છે, પણ વિચારો તેજક છે ...
પરમ કૃપાળુ દેશનેતાઓની અનહદ કૃપાથી આપણા દેશમાં પણ શિક્ષણ (સારવારની જેમ) ધંધો બની ગયાને બે દશકા જેવો સમય થવા આવ્યો છે. માન્યું કે એ સમયની જરૂરિયાત હશે પણ તમે અને હું જાણીએ છીએ કે આપણને સ્કૂલમાં ભણાવતાં તેમ જ વાદા-ખિલાફી શિક્ષણ તંત્રનો મંત્ર બની ગયો છે.
‘એમએકસ પ્લેયર’ પર સ્ટ્રીમ થયેલી છ કલાક જેવી ખાસ્સી લાંબી ‘શિક્ષા મંડલ’ વેબસિરીઝ આપણી સારવાર કરતાં ડોકટરોના મેડિકલ શિક્ષણમાં ચાલતાં લોચા-લાપસીની વાત જ કરે છે. બેશક, વેબસિરીઝનું લોકાલ ભોપાલ, ઇન્દોર એટલે કે મધ્ય પ્રદેશનું છે. બિહારનું પણ હોય શકે છે અને ગુજરાતનું પણ...
મેડિકલના અભ્યાસ માટે હાયર સેકન્ડરી પછી મેડિકલની એન્ટ્રસ એકઝામ આપવી પડે છે અને એ પાસ કર્યા પછી જ મેડિકલની વિવિધ શાખાઓમાં એડમિશન મળતું હોય છે. મેડિકલ એન્ટ્રન્સની આવી એકઝામ પાસ કરવા માટે નબળા, ઠોઠ અને બેદરકાર તેમ જ નકકામા કહી શકાય તેવા શ્રીમંતોના નબીરાઓની અવેજીમાં હોંશિયાર વિદ્યાર્થી (તેની બદલે) એકઝામ આપે એવું રેકેટ દેશમાં અનેક સ્થળે ચાલે છે અને એ કાવતરાંઓ ‘બ્રેકિંગ ન્યૂઝ’ બની ચૂકયા છે.
આવી સાચી ઘટનાઓ પર આધારિત ‘શિક્ષા મંડલ’ સિરીઝમાં ઠોઠની જગ્યાએ કાબેલ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડવા માટે ચાલતી પ્રેશર ટેકનિક, બ્લેક મેલિંગ, ગૂંડાગીરી અને આખું નેકસસ સાંઠગાંઠ કેવી ક્રૂરતાથી કામ કરતું હોય છે તેનો ચિતાર છે. અહીં આદિત્ય ટયૂશન કલાસીસ અને શર્મા ટયૂશન કલાસીસને દ્રષ્ટાંત બનાવીને વાત માંડવામાં આવી છે. મેડિકલ એન્ટ્રન્સ એકઝામનું રિઝલ્ટ આવવાનું છે એ જ દિવસે આદિત્ય કલાસીસના સંચાલક આદિત્ય રાય (ગુલશન દેવૈયા)ની બહેન વિદ્યા ગુમ થઇ જાય છે. ખબર પડે છે કે પરીક્ષામાં વિદ્યા હાજર રહી જ નહોતી...
એ જ અરસામાં વિપક્ષના નેતાના પુત્રની લાશ મળે છે અને ગરમાટો ઠારવા માટે ગૃહમંત્રી મર્ડર કેસની તપાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની ઇન્સ્પેક્ટર અનુરાધા સીંઘ (ગૌહર ખાન)ને સોંપે છે. ભાઇ આદિત્ય બહેન વિદ્યાની તલાશ કરે છે અને એસટીએફની ટીમ પોતાની રીતે કામ કરે છે. એ દરમિયાન ખબર પડે છે કે એકની બદલે બીજાને પરીક્ષામાં બેસાડી દેવાનું આખું રેકેટ શર્મા કલાસીસમાંથી ચાલી રહ્યું છે અને તેમાં માથાભારે ગોપાલ અને તબેલા-સ્વામી ઘાંસુ યાદવ (પવન મલ્હોત્રા) સામેલ છે.
‘શિક્ષા મંડલ’ વેબ સિરીઝમાં આ ઉપરાંત ઘણું બધું બને છે અને પ્રમાણમાં એ ઇન્ટરસ્ટિંગ છે. વિદ્યા કયાં ગુમ થઇ ગઇ ? તેનું અપહરણ થયું કે તેણે સ્યુસાઈડ કર્યો છે? રાજનેતાના પુત્રની હત્યા શા માટે થઇ? હોંશિયાર વિદ્યાર્થીઓને ડ્રોપ લઇને બીજા માટે પરીક્ષા આપવા માટે કેવી રીતે મજબૂર કરવામાં આવે છે? આવા કારસ્તાનથી કેવી રીતે ફાલતું લોકો ડોક્ટર બની જાય છે... એ બધું જ ‘શિક્ષા મંડલ’માં દર્શાવામાં આવ્યું છે. સૈયદ અફઝલ અહમદ નિર્દેશીત સિરીઝમાં ગુલશન દેવૈયા, પવન મલ્હોત્રા અને ગૌહર ખાન જેવા જાણીતા ચહેરા છે.
ઓવરઓલ, ‘શિક્ષા મંડળ’ આપણને સમજાવે છે કે શિક્ષણ ભલે દરેક સમાજની પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત હોય પણ ધંધા યે બહુત ગંદા હૈ!