Fri May 01 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ શર્વરી વાઘ

2026-03-13 09:56:00
Author: ઉમેશ ત્રિવેદી
Article Image

ઉમેશ ત્રિવેદી

`પ્યાર કા પંચનામા' `સોનુ કે ટુટુ કી સ્વીટી' જેવી અલગ જ પ્રકારની પણ સફળ ફિલ્મ બનાવનારા દિગ્દર્શક લવ રંજન અને બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય દિગ્દર્શક સંજય લીલા ભણશાલીની સહાયક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરવા શર્વરી વાઘે 2015 થી 2018 સુધી ફિલ્મ ઉદ્યોગ વિશેની માહિતી મેળવી લીધા પછી લગભગ વર્ષ 2021માં તેની પહેલી ફિલ્મ રિલીઝ થઈ અને એ પણ મુખ્ય અભિનેત્રી તરીકે અને શર્વરી શરૂઆતથી જ નસીબદાર રહી છે. 

તેને પહેલી જ ફિલ્મ યશરાજ બેનરની મળી અને ફિલ્મનાં સહકલાકાર તરીકે રાણી મુખર્જી, સૈફ અલી ખાન અને સિદ્ધાંત ચતુર્વેદી જેવાં કલાકારો મળ્યા. `બંટી ઔર બબલી-ટુ' એ શર્વરીની પહેલી ફિલ્મ હતી. જોકે આ ફિલ્મ `બોક્સ ઓફિસ' પર ખાસ ચાલી નહોતી.

આ ફિલ્મથી શર્વરીને બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી જરૂર મળી ગઈ, અને 2021ના એવોર્ડસ સમારોહમાં પ્ણ તે છવાઈ ગઈ. આ ફિલ્મ માટે તેને `ફિલ્મફેર'નો `બેસ્ટ ફીમેલ ડેબ્યુ' અને પછી `આઇફા'નો `સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર' એવોર્ડ મળ્યો. ફિલ્મમાં તેનું કામ વખણાયું અને તેને એવોર્ડસ પણ મળ્યા, પણ ફિલ્મો જોઈએ એવી ન મળી.

`બંટી ઔર બબલી-ટુ' પછી લગભગ ત્રણ વર્ષે એટલે કે 2024માં તેની હોરર કોમેડી ફિલ્મ `મુંજયા' આવી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી. 2024નું વર્ષ શર્વરી માટે મહત્ત્વનું સાબતિ થયું. 2024માં તેની ત્રણ ફિલ્મ રજૂ થઈ. `મુંજયા', `મહારાજ' અને `વેડા'. `મહારાજ' ફિલ્મ સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ. તેમાં આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, જયદીપ અહલાવત જેવાં કલાકારો હતા. આ ફિલ્મ વિવાદમાં સપડાઈ, પણ ઓટીટી રિલીઝને કારણે તેનો ફાયદો કોઈને ન થયો.

2024માં જ તેની જ્હોન અબ્રાહમ સાથેની ફિલ્મ `વેડા' કે `વેદા' રજૂ થઈ. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા ન મળી એટલે શર્વરી વાઘની કારકિર્દીમાં 2024નું વર્ષ જોઈએ એવી સફળતવાળું ન રહ્યું.

આ ત્રણ ફિલ્મ પછી હવે શર્વરી વાઘ યશરાજ ફિલ્મ્સની `સ્પાય યુનિવર્સ' હેઠળની ફિલ્મ `આલ્ફા'માં દેખાશે. આ ફિલ્મની રિલીઝ હાલમાં પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મ હવે 10 જુલાઇના રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સની મહિલા જાસૂસ પર બનેલી આ પહેલી જ ફિલ્મ છે. તેમાં મુખ્ય ભૂમિકા આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, અનિલ કપૂર અને બોબી દેઓલની છે. 

બોબી દેઓલ આ ફિલ્મમાં ફરી એક વાર ખૂંખાર વિલન તરીકે દેખાશે. આ ફિલ્મનાં એકશન દૃશ્યોમાં વીએફએક્સનો ખૂબ જ ઉપયોગ થયો છે અને આલિયા ભટ્ટ અને શર્વરી વાઘે પહેલી જ વાર આટલાં બધા એકશન દૃશ્યો ભજવ્યા છે. તે જોતાં આ ફિલ્મ દર્શકો માટે એક અનોખો અનુભવ સાબિત થશે એમ કહી શકાય.

યશરાજ ફિલ્મ્સની `એક થા ટાઈગર', `ટાઈગર જિન્દા હૈ', `ટાઈગર-થ્રી', `વોર-ટુ' અને `પઠાણ' જેવી સ્પાય યુનિવર્સ ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળી છે. એ જોતાં આ મહિલા જાસૂસની વાત કહેતી ફિલ્મને પણ બોકસ ઓફિસ પર સફળતા મળશે તો શર્વરી વાઘની કારકિર્દીને વેગ મળશે એમ કહી શકાય.

વિદેશની ફિલ્મોમાં હીરોઈનો એકશન દૃશ્યો કરે એ નવીનતા નથી રહી. દક્ષિણની ફિલ્મોમાં પણ ઘણી અભિનેત્રીઓએ દિલધડક એકશન દૃશ્યો ભજવ્યા છે. પ્રિયંકા ચોપરાની હાલમાં જ રિલીઝ થયેલી હોલીવૂડની ફિલ્મમાં ભરપૂર એકશન દૃશ્યો છે અને તે તેણે `સુપેરે' પાર પાડયા છે. શાહરુખ ખાનની `પઠાણ' ફિલ્મમાં દિપીકા પદુકોણે પણ એકશન દૃશ્યો ભજવ્યા હતા. તે જોતાં `આલ્ફા'ની આ બે અભિનેત્રી આલિયા અને શર્વરી વીએફએક્સ આધારિત એકશન દૃશ્યોમાં છવાઈ જશે એમાં કોઈ શંકા જ નથી.

આલિયા ભટ્ટ જેવી ઉત્કૃષ્ટ અભિનેત્રીની સાથે `આલ્ફા'માં શર્વરીને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે, તેના પર આ ઉત્કૃષ્ટ અને યુવા અભિનેત્રીની કારકિર્દી નિર્ભર છે એમ કહી શકાય.

શર્વરી જોકે, તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સમજી વિચારીને પગલાં ભરે છે. `આલ્ફા' પછી તે બોલિવૂડના ખૂબ જ પ્રતિષ્ઠિત બેનર રાજશ્રીની ફિલ્મ `યહ પ્રેમ મોલ લિયા'માં મુખ્ય અભિનેત્રી તરીકે દેખાશે. રાજશ્રી બેનરની ફિલ્મમાં પ્રેમની ભૂમિકા સલમાન ખાન જ ભજવતો હોય છે, પણ પહેલી જ વાર આ વખતે `પ્રેમ'ની ભૂમિકા આયુષ્યમાન ખુરાના ભજવશે. આ ફિલ્મમાં આયુષ્યમાન અને શર્વરીની સાથે અનુપમ ખેર, સૌમ્યા ટંડન, સીમા પાહવા, સુપ્રિયા પાઠક જેવા કલાકાર છે. ફિલ્મનું દિગ્દર્શન સૂરજ બડજાત્યાનું છે, તે જોતાં શર્વરી માટે આ બંને ફિલ્મ અત્યારે ખૂબ મહત્ત્વની સાબિત થશે.

OTTનું હોટસ્પોટઃ 14 માર્ચથી 20 માર્ચ અનેક નવી સિરીઝ-ફિલ્મનું આગમન

આપણું અઠવાડિયું શનિવારથી શરૂ થાય છે અને આગામી શુક્રવાર સુધીનું હોય છે. પણ ફિલ્મ ઉદ્યોગ અને ઓટીટી માટે સૌથી મહત્ત્વનો દિવસ શુક્રવાર જ હોય છે. અનેક ઓટીટી ચેનલ પર શુક્રવારે નવી સિરીઝનું પ્રસારણ શરૂ કરવામાં આવે છે અને ઘણી વાર તો ફિલ્મોનું પહેલું પ્રસારણ પણ શુક્રવારે જ કરવામાં આવે છે. તો ચાલો, આગામી અઠવાડિયે આપણને નવું શું જોવા મળશે તેના પર એક નજર નાખીએ...

* શેમારુ મી.: 
ગુજરાતી ફિલ્મો માટેની આ ચેનલ પર 12 માર્ચે પહેલી વાર ગુજરાતી ફિલ્મ `નાનખટાઈ'નું પ્રસારણ શરૂ થયું છે. તેમાં મુખ્ય ભૂમિકા મિત્ર ગઢવી, દીક્ષા જોશી, મયૂર ચૌહાણ અને હિતેનકુમારની છે.

* જિયો હોટસ્ટાર: 
આ ઓટીટી ચેનલ પર 15 માર્ચે મેડ ફોર ઈચ અધર, ધ મેડીસન, ધ ફેમિલી મેકવુલન જેવી સિરીઝ શરૂ થઈ રહી છે. અહીં 20 માર્ચે `પીકી બ્લાઈન્ડર્સ- ધ ઈમમોરલ મેન' નામની ક્રાઈમ- ડ્રામા અને થ્રીલર સિરીઝ શરૂ થઈ રહી છે. તો 13 માર્ચે એટલે કે શુક્રવારે કોમેડી ડ્રામા- રિસોર્ટ, એનિમેશન ફિલ્મ `ઝુટોપિયા-ટુ', તેલુગુ કોમેડી ડ્રામા `ફંકી' અને અંગ્રેજી સિરીઝ `ધેટ નાઈટ' રજૂ થશે.

* એમેઝોન પ્રાઈમ: 
અહીં 20 માર્ચે `ડેડ લોચ' નામની ક્રાઈમ આધારિત બ્લેક કોમેડી ફિલ્મ જોવા મળશે. તો આ શુક્રવાર 13 માર્ચે લોકલ ટાઈમ્સ અને એસ્પીરેન્ટ્રસની ત્રીજી સિઝનની શરૂઆત થશે.

* ઝી ફાઈવ: 
અહીં 14 માર્ચથી `અંધા પ્યાર' નામની ફિલ્મ રજૂ થશે. જ્યારે આજે 13 માર્ચે તમિળ રોમાન્ટિક ડ્રામા- પૂકી, એકશન ફિલ્મ- લેન્ડલોર્ડ અને કોમેડી ડ્રામા `ભારત મહાસયાલાકુ વિગ્નયાપ્તિ' જોઈ શકાશે.