Sun Mar 08 2026

Logo

ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝ વિશે ‘સેબી’ના નિયમો સમજી લેવામાં સાર

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

હવે રોકાણકારોને સલાહ આપવાની બાબતોમાં પણ AI  પ્રવેશી ગયું છે. ‘સેબી’એ આ માટે પણ ખાસ નિયમોનો સમાવેશ કર્યો છે. બાય ધ વે, ‘સેબી’ એ રોકાણકારોની રક્ષાના ઉદ્ેશથી જે નિયમોની રચના કરી છે, તેને પણ  રોકાણકારોએ સમજી લેવા જરૂરી છે

જયેશ ચિતલિયા

રોકાણકારોને માર્ગદર્શન આપવામાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સની ભૂમિકા મહત્ત્વની રહે છે. જોકે ‘સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા)માં રજિસ્ટર્ડ ન હોય એવા લેભાગુ સલાહકારો સલાહને નામે રોકાણકારોને ગેરમાર્ગે દોરતા હોય છે અથવા પોતાની કમાણી વધે એ રીતે સલાહ આપતા હોય છે. 

આ વાતને ધ્યાનમાં રાખી મૂડીબજારની નિયમન સંસ્થા ‘સેબી’ એ ઈન્વેસ્ટમેન્ટ સલાહકારો માટે ચોકકસ નિયમો-ધોરણો તૈયાર કર્યા છે. સેબીનો આ માટેનો ઉદ્દેશ્ય ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર માટેના નિયમો સ્પષ્ટ કરવાનો, માર્કેટમાં પારદર્શિતા વધારવાનો અને રોકાણકારોનાં હિતોની રક્ષા કરવાનો છે.

‘સેબી’ના નિયમ મુજબ સલાહ અને વિતરણ અલગ રાખવા જોઈએ. એડવાઇઝર એક જ ક્લાયન્ટને સલાહ અને પ્રોડક્ટનું વેચાણ બંને એકસાથે આપી કે કરી શક્શે નહીં. ક્લાયન્ટે આ સલાહકારી સર્વિસ લેતી વખતે એક વિકલ્પ પસંદ કરવો પડશે. ક્લાયન્ટની ઓળખ PAN દ્વારા થશે. આનો સરળ અર્થ એ થયો કે સલાહ આપનાર કમિશન કમાઇ લેવા માટે પ્રોડક્ટ વેચાણ પુશ કરી શક્શે નહીં.

ક્લાયન્ટ સાથે કરાર ફરજિયાત 

‘સેબી’એ નકકી કર્યા મુજબ સલાહ આપતા પહેલાં ગ્રાહકો સાથે લેખિત કરાર કરવો ફરજિયાત છે, જેથી એડવાઇઝર ગ્રાહકોની પરવાનગી વગર કોઈ ટ્રેડ- વ્યવહાર કરી શકતો નથી. અર્થાત્ કંટ્રોલ ગ્રાહકોના હાથમાં રહેશે.

ફી અંગે નિયમ

એડવાઈઝર બે રીતે ફી લઈ શકે છે. AUA Mode મા વાર્ષિક મહત્તમ 2.5%ની ફી લઇ શકે. એયુએનો અર્થ એસેટ અંડર એડવાઇઝ લઇ શકાય. મ્યુચ્યુઅલ ફંડમાં એસેટ અંડર મેનેજમેન્ટ હોય એમ એડવાઇઝર પાસે સોદા કરવાની સત્તા નહીં પણ માત્ર સલાહ આપવાની સત્તા હોય, તેથી સલાહ આપ્યા મુજબના એસેટ્સના મૂલ્યના વર્ષે અઢી ટકા જેટલી ફી ચાર્જ કરી શકે.

નિશ્ર્ચિત ફી મોડમાં તે મહત્તમ રૂ. 1,51,000 પ્રતિ વર્ષ ચાર્જ કરી શકે. ક્લાયન્ટ પાસેથી એડવાન્સમાં ફી લીધી હોય તો સેવા બંધ થાય તો રીફંડ આપવું પડશે. મતલબ કે ફી પર લિમિટ છે, એડવાઇઝર મનમાની નહીં કરી શકે.

સિક્યુરિટી ડિપોઝિટ 

એડવાઇઝરે ક્લાયન્ટની સંખ્યા મુજબ ડિપોઝિટ રાખવી પડશે. ક્લાયન્ટની સંખ્યા 150 સુધી હોય તો રૂ. એક લાખ ડિપોઝિટ, 150300 હોય તો રૂ. બે લાખ અને 301-1000 હોય તો રૂ. પાંચ લાખ અને 1000થી વધુ ગ્રાહકો હોય તો રૂ. દસ લાખ ડિપોઝિટ Investment Advisers Administration and Supervisory Body (IAASB) પાસે રાખવી પડશે. આનો મતલબ એ થાય કે સલાહકાર ખોટું કામ કરે તો રોકાણકારોને સુરક્ષા મળી રહેશે.

શૈક્ષણિક લાયકાત અને સર્ટીફીકેશન મામલે ‘સેબી’એ હવે નિયમો થોડા હળવા કર્યા છે, જે અનુસાર સ્નાતક + એનઆઇએસએમ સર્ટિફિકેશન હોય તો IA (ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર) બની શકે. વ્યક્તિગત IA કંપની IA(ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર) જો, 300થી વધુ ક્લાયન્ટ અથવા રૂ. 3  કરોડથી વધુ ફી લે તો તેણે વ્યક્તિગતથી નોન-ઇન્ડિવીજ્યુલ (કંપની) બનવું ફરજિયાત બનાવાયું છે. 

ફ્રી ટ્રાયલ પર પ્રતિબંધ: ગ્રાહકની જોખમ ક્ષમતાનું આકલન કર્યા વગર સલાહ આપી શકાશે નહીં. મફત ટ્રાયલ પણ આપી શકાશે નહીં. એટલું જ નહીં, વોટ્સએપ/ટેલીગ્રામ પર મફત ટિપ્સ આપવી પણ નિયમ વિરુદ્ધ ગણાશે. 

રિસ્ક પ્રોફાઇલિંગ ફરજિયાત: સલાહ આપતા પહેલા ક્લાયન્ટની જોખમ ક્ષમતાનું આકલન કરી એ (ઓછું/મધ્યમ/ઉચ્ચ) છે તે જાણી લેવું જરૂરી બનાવાયું છે. ‘સેબી’એ સલાહકારોને રોકડ ફી લેવાની મનાઈ ફરમાવી છે. ફી  માત્ર બેન્ક/યુપીઆઇ/નેફ્ટથી જ લઈ શકાશે.
‘સેબી’એ બદલાતા સમયને ધ્યાનમાં રાખી અને અઈં ના ટ્રેન્ડને જોઈ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ઉપયોગ અંગે સ્પષ્ટ કયુર્ં છે, તે મુજબ સલાહકાર AIથી સલાહ આપે તો પણ જવાબદારી એડવાઇઝરની જ રહેશે અને તેણે ક્લાયન્ટને જણાવવું પડશે કે AI નો ઉપયોગ કરાય છે. 

રેકોર્ડ્સ રાખવા ફરજિયાત: એડવાઈઝરે ગ્રાહકો સાથેના કોલ્સ, ઇ-મેઇલ્સ, મેસેજીસ, એડવાઇસ બધું 5 વર્ષ સુધી સાચવવા પડશે. 

વાર્ષિક ઓડીટ ફરજિયાત: દર વર્ષે ‘સેબી’નું કંપ્લાયન્સ ઓડીટ કરાવવું ફરજિયાત છે.

રોકાણકાર માટે સુરક્ષા

ગ્રાહકોની ફરિયાદ માટેની વ્યવસ્થા (SCORES & ODR)માં ના ભાગરૂપ કલાયન્ટ એડવાઇઝર સામેની તેની ફરિયાદ ‘સેબી’ના SCORES(સ્કોર્સ)પર કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઇન ડિસપ્યુટ રિઝોલ્યુશન(ઓડીઆર) પણ ઉપલબ્ધ છે. 

ઇન્વેસ્ટ ચાર્ટર: રોકાણકારના અધિકારો અને સુરક્ષા માટે નિયમિત માહિતી આપવી પડશે. Advertisement (જાહેરાત) નિયમ અનુસાર એડવાઇઝર ગેરંટેડ રિટર્ન જણાવી શકશે નહીં, ઉપરાંત બેસ્ટ, નં.1 જેવા શબ્દો પણ જાહેરાતમાં વાપરી શકશે નહીં. તેઓ ગેરમાર્ગે દોરતાં દાવા કરી શક્શે નહીં અને SEBIનોlogo પણ વાપરી શકશે નહીં. મતલબ કે 100% નફો, સ્યોર શોટ, ખોટ નથી વગેરે જેવું લખવું ગેરકાયદેસર ગણાશે. એડવાઈઝર મ્યુચ્યુઅલ ફંડસના ડાયરેક્ટ પ્લાન ખરીદવામાં ગ્રાહકોને મદદ કરી શકે છે, જોકે ખોટા સમાચારો ફેલાવવાની મનાઈનું સખત પાલન કરવાનું રહેશે. તેણે સાયબર સિક્યોરિટી ફરજિયાત બનાવવી જોઈશે. કેવાયસીનું પાલન પણ જરૂરી રહેશે તેમ જ મની લોન્ડરિંગ વિરોધી નિયમો પણ લાગુ રહેશે.