Wed Apr 29 2026

Logo

શેરબજારમાં ‘શેલ કંપની’નું અબજોનું કૌભાંડ: સેબીના દરોડામાં કચ્છના ખેલાડીઓના નામ ખૂલ્યા

2026-04-28 11:03:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ ગુજરાતની એગ્રો બેઝ કંપનીઓના શેરમાં કૃત્રિમ રીતે ભાવ વધારી કરોડો રૂપિયાની હેરાફેરી કરવાના રેકેટનો સેબીએ પર્દાફાશ કર્યો છે. મુંબઈ, ગુડગાંવ અને અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળેલા ડિજિટલ ડેટાની તપાસમાં કચ્છ અને સૌરાષ્ટ્રના શેરબજારના ખેલીઓના નામ ખૂલતા ચકચાર મચી ગઈ છે. આ કૌભાંડનો રેલો હવે ભુજ અને માધાપર સુધી પહોંચ્યો છે.

સેબીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ જેટલી એગ્રો બેઝ કંપનીઓ જે માત્ર ‘શેલ કંપની’ (ખોખા કંપની) હતી, તેના ભાવમાં ટૂંકા ગાળામાં ૪૦૦૦ ગણો વધારો કરવામાં આવ્યો હતો. ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા ચેનલો પર આ કંપનીઓના શેર ખરીદવાની ખોટી ટિપ્સ આપીને રોકાણકારોને લલચાવવામાં આવતા હતા. જે શેરની કિંમત માત્ર ૧ રૂપિયો હતી, તેને કૃત્રિમ રીતે વધારીને ૪૦ રૂપિયા સુધી લઈ જવામાં આવી હતી.

આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારો પહેલા મોટા પાયે શેર ખરીદીને ભાવ વધારતા હતા. જ્યારે ભાવ ૪૦ રૂપિયા પર પહોંચતો, ત્યારે પ્રમોટરો પોતાના હિસ્સાના શેર વેચીને લાખો-કરોડો રૂપિયા કમાઈ લેતા હતા. ત્યારબાદ શેરનો ભાવ ગગડીને ફરી ૨ રૂપિયા પર આવી જતો, જેના કારણે નાના રોકાણકારોએ પોતાની મૂડી ગુમાવવી પડી હતી. આશરે ૩૦૦ કરોડથી વધુના આ કૌભાંડમાં સેબીએ મુખ્ય બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

જપ્ત કરાયેલા ડિજિટલ અને ફિઝિકલ ડેટાની ચકાસણીમાં કચ્છના ભુજ અને માધાપરના ત્રણ યુવાનોના નામ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભુજના જથ્થાબંધ બજારના એક વેપારીના પુત્ર દ્વારા શેરમાં કૃત્રિમ ભાવ વધારો-ઘટાડો કરી કરોડોની ઓનલાઇન હેરાફેરી કરવામાં આવી હતી. સેબીની ટુકડીએ વોચ ગોઠવી આ શખ્સો સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

તપાસમાં એવી ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે કે આ શખ્સો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પાયે 'ડબ્બા ટ્રેડિંગ' (ગેરકાયદેસર શેર ટ્રેડિંગ) સાથે પણ સંકળાયેલા હતા. સેબી અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આગામી દિવસોમાં કચ્છમાં વધુ કેટલાક સ્થળોએ દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(ઉત્સવ વૈદ્ય)