નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. માલદામાં થયેલી હિંસા અને તે દરમિયાન ઉચ્ચ અધિકારીઓના વલણને લઈને દેશની સર્વોચ્ચ અદાલતે સખત નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચે અને અધિકારીઓ જવાબદારી નિભાવવામાં ઉણા ઉતરે, ત્યારે તે માત્ર વહીવટી નિષ્ફળતા જ નહીં પરંતુ પ્રશાસકીય નાદારી પણ ગણાય.
સુપ્રીમ કોર્ટે બંગાળના મુખ્ય સચિવ અને DGP ને ફટકાર લગાવતા કહ્યું કે, "આ તમારી અને તમારા વહીવટીતંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે." આ મામલો ત્યારે વધુ વણસ્યો હતો જ્યારે ગયા અઠવાડિયે માલદામાં ચૂંટણી અધિકારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા અને તે ગંભીર સ્થિતિમાં કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ફોન કરવા છતાં આ અધિકારીઓએ ફોન ઉપાડ્યો નહોતો. ન્યાયાલયે આ બાબતને અત્યંત ગંભીર ગણાવીને અધિકારીઓના વ્યવહાર પર રોષ ઠાલવ્યો હતો.
સુનાવણી દરમિયાન જ્યારે અધિકારીઓએ બચાવમાં એવી દલીલ કરી કે તેઓ ફ્લાઈટમાં હતા અને તેમને કોઈ ફોન આવ્યો ન હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે વળતો પ્રહાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જો તમે તમારો નંબર શેર કર્યો હોત તો સાંજ સુધીમાં સંપર્ક થઈ શક્યો હોત. જ્યારે અધિકારીઓએ માફી માંગી અને તેમના વકીલોએ સફાઈ આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે નારાજ જજે કડક શબ્દોમાં વકીલને કહ્યું કે, "તેમનો બચાવ કરવાનું બંધ કરો." કોર્ટના આ તેવરથી સ્પષ્ટ થાય છે કે જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકોની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
માલદામાં અધિકારીઓને બંધક બનાવવાની આ ગંભીર ઘટના બાદ હવે સમગ્ર મામલો NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટે NIA ના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ નિર્દેશ આપ્યો છે કે હવે સ્થાનિક પોલીસ પાસેથી આ કેસ પાછો ખેંચી લેવામાં આવશે અને કેન્દ્રીય એજન્સી તેની તપાસ કરશે. આ નિર્ણયથી બંગાળ પોલીસની કાર્યશૈલી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે અને હવે આંતરરાષ્ટ્રીય અથવા મોટા ષડયંત્રના પાસાઓની પણ તપાસ થઈ શકે છે.