Tue Aug 25 2026

Logo

શનિવારે સૌરાષ્ટ્રને ધમરોળ્યું વરસાદે, મોરબી, સુરેન્દ્રનગર જળબંબાકાર

2026-08-01 20:33:35
Author: Pooja Shah
શનિવારે સૌરાષ્ટ્રને ધમરોળ્યું વરસાદે, મોરબી, સુરેન્દ્રનગર જળબંબાકાર

મચ્છુ-2 સહિત 30 ડેમ હાઈ એલર્ટ પર, રાજ્યના અઢીસો તાલુકામાં મેઘમહેર

અમદાવાદઃ ગુજરાતમાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદે શનિવારે પણ રાજયભરમાં જળબંબાકાર સર્જ્યો હતો. દક્ષિણ ગુજરાત સહિત શનિવારે સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. 
શનિવારે સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં 8.66 ઇંચ, મોરબીના ટંકારામાં 7.32 ઇંચ, મોરબીના હળવદમાં 6.42 ઇંચ, સુરેન્દ્રનગરના ધાંગ્રંધામાં 6.93 ઇંચ, વઢવાણમાં 6.18, મોરબીના માળિયામાં 4.76 ઇંચ, નર્મદાના તિળકવાડામાં 4.29 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 44 તાલુકામાં બે ઇંચ કરતા વધારે અને 60 તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે કુલ 247 તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી હતી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો (શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી) સુરતના અંબિકામાં 22.24 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વાસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ, ખેડાના નડિયાદમાં 13.43 ઇંચ વરસાદ વરસ્યો હતો. 

રાજ્યમાં ઘણી નદીઓ બે કાંઠે વહી રહી છે. તો વરસાદને કારણે તાલુકાઓમાં અને શહેરોમાં ઘરોમાં પાણી ઘુસવા, સોસાયટી અને જાહેર રસ્તાઓ પર પાણી ઘુસવાના અને લોકોના જાહેર જીવનને ભારે અસર પહોંચવાના અહેવાલો, વીડિયો, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નેત્રંગ અને વાલિયા તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. આ વરસાદના પગલે નેત્રંગનો પ્રસિદ્ધ ધાણીકુટ ધોધ રૌદ્ર સ્વરૂપે ધસમસતો જોવા મળ્યો હતો. બીજી બાજુ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરજણ ડેમના કેચમેન્ટમાં ધોધમાર વરસાદને પગલે ડેમના 7 ગેટ ખોલી 82 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

સુરત જિલ્લાઓમાં પણ સતત વરસાદને લીધે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. સુરત શહેરની પાંચ મુખ્ય ખાડીઓ પૈકી ત્રણ ખાડીઓ હાલ ભયજનક સપાટીની નજીક પહોંચી હોવાના અહેવાલો છે. જોકે જિલ્લામાં વરસાદની ગતિ ધીમી પડી છે. 

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં પણ સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે.  અહીં વઢવાણ તાલુકાના કેરાળા ગામે ભારે વરસાદને કારણે નદીના પાણીમાં ફસાયેલા એક પરિવારના ત્રણ સભ્યોને વહીવટી તંત્ર બચાવી લેવામાં આવ્યા હતા. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તંત્રએ લોકોને બચાવવા અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ રાખી હતી. 

રાજકોટ શહેરમાં પણ શુક્રવારે મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. બપોરે 12 વાગ્યા સુધી બે ઇંચ વરસાદમાં પોપટપરાનું ગરનાળુ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી વાહનચલાકોને મુશ્કેલી પડી હોવાના અહેવાલો છે. મોરબીના મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. મોરબી શહેર સહિત 32 ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ, વડોદરા શહેરમાં આગાહી અનુસાર વરસાદ વરસ્યો ન હતો. અમદાવાદમાં શુક્રવાર અને શનિવારે ભારે ઝાંપટા પડ્યા હતા. જોકે દિવસ આખો વરસાદી માહોલ રહ્યો હતો. 

દરમિયાન રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર 30 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મહીસાગર, સુરત, નવસારી, નર્મદા, ભરૂચના ડેમ લગભગ 90થી 100 ટકા ભરાઈ ગયા છે. અન્ય 8 ડેમને એલર્ટ પર અને 11 ડેમને વૉર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 

શનિવાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 65 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા, કચ્છમાં 20.67 ટકા વરસાદ વરસી ગયો છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર 2 ઓગસ્ટના રોજ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ પવનના સુસવાટા સાથે વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.