Sat May 30 2026

Logo

ફ્લૅશ બૅકઃ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીની કૉમેડી ફિલ્મો કેમ નીવડી નિષ્ફ્ળ?

2026-05-29 09:45:00
Author: Henry shastri
Article Image

 

હેન્રી શાસ્ત્રી

ભારતીય ચિત્રપટ સૃષ્ટિના જનક દાદાસાહેબ ફાળકેએ ત્રીજી મે 1913 (રાજા હરિશ્ચંદ્ર)થી 6 ઑગસ્ટ 1937 (ગંગાવતરણ) દરમિયાન પચાસેક ફિલ્મ સાથે સંકળાયા હતા. મહદંશે દિગ્દર્શક તરીકે અને ક્યાંક અભિનેતા, નિર્માતા કે લેખક તરીકે પણ તેમનું યોગદાન હતું. `ગંગાવતરણ' તેમનું એકમાત્ર બોલપટ હતું જ્યારે બાકીનાં બધાં મૂક ચિત્રપટ-સાયલન્ટ ફિલ્મ્સ જ હતી. એમની ફિલ્મોની યાદી પર ઊડતી નજર નાખતાં સમજાય છે કે મોટાભાગની ફિલ્મો પૌરાણિક (માઇથોલૉજિકલ) હતી. 

આ પ્રકારની ફિલ્મમાં ધાર્મિક-ઉપદેશાત્મક કથા હોવાથી એ ભારેખમ કે કંટાળાજનક બની જવાની સંભાવના રહેલી છે. એટલે દર્શકોને માનસિક રાહત મળે એ હેતુથી આ ચિત્રપટોમાં રમૂજપ્રધાન તાંતણો ઉમેરી દેવામાં આવતો હતો. રંગભૂમિના અને વિશેષ કરીને જૂની રંગભૂમિના રસિકો એ વાતથી વાકેફ હશે કે નાટકોમાં `કૉમિક કર્ટન'ની પ્રથા હતી, જેમાં એક અથવા જોડીમાં કલાકારો નાટક દરમિયાન વચ્ચે દર્શકોનું મનોરંજન કરતા. અનેક વાર એ રમૂજી હિસ્સાને નાટકની કથા સાથે નિસ્બત ન રહેતી. 

દાદાસાહેબ ફાળકેની ફિલ્મોમાં પણ આવું જ જોવા મળતું હતું. હિન્દી ચિત્રપટ સૃષ્ટિના ઊંડા અભ્યાસુ ઈસાક મુજાવરે નોંધ્યું છે કે `ફાળકેનાં ચિત્રપટોમાં જોવા મળતા હાસ્યપ્રધાન ટુકડા એમના અંગત જીવનના બનાવ-પ્રસંગ પર આધારિત હતા.

ફાળકે સાહેબએ `जावाईबापूची फटफजिती' (જમાઈરાજાની ફજેતી) નામનું મૂકપટ બનાવ્યું હતું. સાસરે આવેલા શરમાળ સ્વભાવના જમાઈએ ભૂખ્યા રહેવું પડે છે એ વાત કેન્દ્રમાં રાખી આ સ્વભાવને કારણે કેવી ફજેતી થાય છે એ એમાં દર્શાવ્યું હતું. જમતી વખતે ભૂખ્યા રહી ગયેલા જમાઈને મોડી રાત્રે પેટમાં કૂકડા બોલતા ખાવાનું ગોતવા રસોડામાં પ્રવેશે છે. વાટકામાં પડેલી ધાણી મોઢામાં નાખે છે ત્યાં ઘરની કોઈ વ્યક્તિ અનાયાસે રસોડામાં આવી પહોંચે છે. મોઢું ધાણીથી ભરેલું હોવાને કારણે કોઈ પણ સવાલનો કે વાતચીતનો ઉત્તર નથી આપી શકતા. 

જમાઈની તબિયત બગડી કે શું એવી ચિંતા સાસરિયાઓને ઘેરી વળે છે. તરત ડૉક્ટરને બોલાવવામાં આવે છે. ડૉક્ટર આવે છે અને જમાઈ કેમ મૂગા રહ્યા એ રહસ્ય પરથી પડદો ઊંચકાય છે અને દર્શકોમાં હાસ્યના ફુવારા છૂટે છે. આ પ્રસંગ ફાળકે કોઈના ઘરે ગયા હતા એ વખતે થયેલા અનુભવમાં અતિશયોક્તિનું મેળવણ ઉમેરી તૈયાર કરાયેલું કથાનક છે. 

1923માં બનાવેલી `કળીચા નારદ' (વૈકલ્પિક નામ `રામ હનુમાન યુદ્ધ') ફિલ્મમાં સંભવત: શાસ્ત્રીય આધાર વિનાનો એક ઉલ્લેખ છે,  જેમાં નારદ મુનિ ભગવાન શ્રી રામ અને તેમના ભક્ત હનુમાન વચ્ચે યુદ્ધ કરાવે છે. અલબત્ત, આ કથામાં કલ્પનાના રંગ પૂરી રમૂજ ઉત્પન્ન કરવામાં આવી હતી.

અને 1924માં આવી `મ્યુનિસિપલ ઇલેક્શન'-ફાળકેનું એકમાત્ર ફુલલેન્થ સામાજિક ચિત્રપટ. કમનસીબે એ સમયની આ અસાધારણ ફિલ્મના એક પણ અંશ ઉપલબ્ધ નથી. કેટલાક ફોટોગ્રાફ્સ છે જેના પરથી એ કૉમેડી ફિલ્મ હોવાનું જણાય છે. ફિલ્મની કથાની કોઈ જાણકારી હાથવગી નથી, પણ ફિલ્મમાં રાજકારણીઓ અને એમનાં કરતૂતો પર કટાક્ષ કરવામાં આવ્યો હોવાની નોંધ મળે છે. 102 વર્ષ પછી પણ આ ચિત્રપટ અને એની કથા જો પ્રસ્તુત લાગતી હોય તો નવાઈ ન લાગવી જોઈએ.

1920ના દાયકામાં બનેલી ત્રણ કૉમેડી ફિલ્મોમાં પારસી-ગુજરાતીઓનું મુખ્ય યોગદાન હતું. પારસી ગુજરાતી નાટકમાં એક આદરણીય નામ હતું પિરોઝ મર્ઝબાનનું. નાટ્ય રસિકો અનેક પારસી ગુજરાતી નાટકો અને અનોખા ટીવી કાર્યક્રમ `આવો મારી સાથે'ના સર્જક અદી મર્ઝબાનથી સુપેરે વાકેફ છે. પિરોઝ મર્ઝબાન અદી મર્ઝબાનના પિતાશ્રી. તેમણે જોડિયા ભાઈઓના લખેલા પારસી નાટક પરથી એક હાસ્યપ્રધાન ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ જ અરસામાં ભાવનગરના બે ભાઈ વજેશંકર પટ્ટણી અને ચંપકરાય પટ્ટણીએ 1921ના જાન્યુઆરીમાં `સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની'ની સ્થાપના કરી હતી. 

આ કંપનીની પ્રથમ ફિલ્મ હતી `સમુદ્રમંથન' જેની ટ્રિક ફોટોગ્રાફીની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ હતી. 1925માં પટ્ટણીબંધુઓએ `સનમની શોધમાં' અને 1926માં `કલાબાજ આશિક' ટાઇટલ ધરાવતી કૉમેડી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. બંને ફિલ્મમાં એ સમયની ખ્યાતનામ અભિનેત્રી અને પૃથ્વીરાજ કપૂરની ખોજ અર્મેલિનએ (સુધાબાળા નામથી પણ જાણીતી હતી) અભિનય કર્યો હતો. 

જોકે, બૉક્સ ઑફિસ પર આ બંને ફિલ્મને સરિયામ નિષ્ફળતા મળતાં કંપનીને જંગી આર્થિક નુકસાન થયું હતું. કંપનીને તાળાં મારી દેવાં પડે એવી નોબત આવી, પણ આ વાતની ખબર કાઠિયાવાડનાં મહારાણીને પડતાં તેમણે કંપનીને લિમિટેડ બનાવવાની સલાહ આપી અને તેના કેટલાક શૅરો ખરીદી આર્થિક સહાય કરતાં કંપનીનું કામ ફરી ધમધમવા માંડ્યું હતું.

મૂક ફિલ્મોમાં કાઠું કાઢનારા કચ્છી ભાટિયા દ્વારકાદાસ સંપત બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલી `ભક્ત વિદુર' ફિલ્મના અભિનેતા-નિર્માતા તરીકે વધુ ખ્યાતિ ધરાવે છે. એ ફિલ્મના દિગ્દર્શક હતા કાંતિલાલ રાઠોડ. કાંતિભાઈ વિષય વૈવિધ્ય માટે જાણીતા હતા. જુદી જુદી ફિલ્મ કંપનીઓ સાથે સંકળાયેલા કાંતિભાઈએ `બોડકું માથું' નામની કૉમેડી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. 

આ ફિલ્મ `ઍડ્વોકેટ ઇન્દુલાલ' તરીકે પણ જાણીતી હતી. વિચિત્ર પરિસ્થિતિમાંથી જન્મતું અને પ્રસંગલક્ષી હાસ્ય લખાણ માટે ખ્યાતિ મેળવનારા `મસ્તફકીર' (હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ)ની કૃતિ પરથી `વેદિયા ઢોર' નામની કૉમેડી ફિલ્મ પણ બની હતી.આ સિવાય પણ હાસ્યપ્રધાન ફિલ્મો બનાવવાની કોશિશો થયા કરતી હતી. 

જોકે, કૉમેડી સિને રસિકોની પહેલી પસંદ નહોતી બની રહી. કૉમેડી કરતા અભિનેતાઓ પણ દિલ પર રાજ નહોતા કરી રહ્યા.  

જોકે 1930ના દાયકાથી બદલાવની શરૂઆતનું બ્યુગલ વાગ્યું. ચિત્રપટ સૃષ્ટિમાં ભારતના લોરેલ ઍન્ડ હાર્ડી (ત્રીસેક વર્ષ રૂપેરી પડદો ગજાવનારી બ્રિટિશ કૉમેડી ઍક્ટર્સની જોડી) તરીકે પ્રસિદ્ધ થયેલા ઘોરી અને દીક્ષિત (નઝીર અહમદ ઘોરી અને મનોહર જનાર્દન દીક્ષિત)નો ઉદય થયો અને હાસ્યપ્રધાન ચિત્રપટ અને વિનોદી કલાકારનો મજબૂત પાયો નખાયો.