Tue Jul 28 2026

Logo

રવિ દુબે અને સરગુન મહેતાના ઘરે આવશે નવો મહેમાન? અભિનેત્રીએ અફવાઓ પર તોડ્યું મૌન

2026-02-21 17:36:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતમાં રવિ દુબે અને સરગુન મહેતાના અંગત જીવનને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ પોર્ટલ્સ સુધી એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ સ્ટાર કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનું છે. જોકે, આ ખુશખબરની સત્તાવાર પુષ્ટિ ન હોવા છતાં તેને સાચી માની લેવામાં આવી હતી. આખરે આ મામલે સરગુન મહેતાએ સામે આવીને તમામ અફવાઓનો છેદ ઉડાડી દીધો છે.

શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સરગુને આ અહેવાલોને સદંતર નકારી કાઢ્યા છે. તેણે વ્યંગાત્મક શૈલીમાં લખ્યું કે, "મીડિયાને છેલ્લા બે વર્ષથી મારી પ્રેગ્નન્સી વિશે મારા કરતાં પણ પહેલા કેવી રીતે ખબર પડી જાય છે? જો તેમના અહેવાલો સાચા માનીએ તો હું છેલ્લા બે વર્ષથી પ્રેગ્નન્ટ છું, આ તો ખૂબ લાંબી પ્રેગ્નન્સી થઈ ગઈ!" સરગુને અફવા ફેલાવનારાઓને વિનંતી કરી છે કે કોઈપણ પાયાવિહોણી વાત છાપતા પહેલા તેની ટીમનો સંપર્ક કરે.

રવિ અને સરગુનની જોડી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની લવ સ્ટોરી વર્ષો પહેલા ટીવી શો '12/24 કરોલ બાગ'ના સેટ પર શરૂ થઈ હતી. લાંબો સમય ડેટ કર્યા બાદ રવિએ રિયાલિટી શો 'નચ બલિયે 5'ના સ્ટેજ પર નેશનલ ટીવી પર સરગુનને પ્રપોઝ કર્યું હતું, જે આજે પણ ફેન્સ ભૂલ્યા નથી. આ કપલે 7 ડિસેમ્બર 2013ના રોજ લગ્ન કર્યા હતા અને આજે તેઓ સફળ અભિનેતા હોવાની સાથે એક મોટા પ્રોડ્યુસર પણ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, રવિ દુબે ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભગવાન રામના ભાઈ લક્ષ્મણનું પાત્ર ભજવશે, જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ, સરગુન મહેતા પંજાબી સિનેમામાં સતત સક્રિય છે. તે તાજેતરમાં જ પંજાબી ફિલ્મ 'સૌંકણ સૌંકણે 2' માં જોવા મળી હતી. આ બંને કલાકારો હાલમાં પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.