Wed Jun 17 2026

Logo

કવર સ્ટોરીઃ સરસ્વતીચંદ્ર ઉત્તમ સાહિત્યકૃતિ પરથી ઉમદા ફિલ્મ

2026-06-12 08:14:00
Author: Hema shashtri
Article Image

 

હેમા શાસ્ત્રી

સરસ્વતી પુત્ર કરતાં લક્ષ્મીનંદન ઓળખ મેળવવામાં-ધરાવવામાં ગર્વ અનુભવતી ગુજરાતી પ્રજાને વિશ્વવિખ્યાત ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કની અવકાશી કંપની ‘સ્પેસ એક્સ’ કંપનીના આઈપીઓનું લિસ્ટિંગ આજે (12 જૂન) પ્રતિ શેર 135 ડૉલરની ઓફર પ્રાઈસથી યુએસના નેસ્ડેક સ્ટોક માર્કેટમાં થવાનું છે એની રજેરજ જાણકારી હશે. આઈપીઓમાં શેર ન લાગે તો શું ભાવથી લેવા જોઈએ એનું પણ વિગતવાર વિશ્ર્લેષણ કર્યું હશે. ઈલોન મસ્ક એટલે ‘ટેસ્લા’ ઈ-કારના ઉત્પાદક પાસે કેટલી મૂડી (નેટવર્થ) છે એનોય અંદાજ હશે, પણ...

... પણ આ જ ગુજરાતીઓને ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક સર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ ચોથા ભાગ સાથે પ્રકાશિત થઈ એના સવાસો વર્ષની ઉજવણી ગુજરાતમાં કેટલેક ઠેકાણે અનન્ય રીતે થઈ રહી છે એની રજભાર જાણકારી નહીં હોય. ‘ગોમાત્રિ’ તરીકે ઓળખાતા આ સાક્ષર કોણ એ પણ અનેક લોકો નહીં જાણતા હોય. આ પરિસ્થિતિમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યની જ નહીં માતૃભાષાની અનન્ય ઘટના છે એવી ખબર હોવાની અપેક્ષા ન રખાય કારણ કે એની ઉપેક્ષા (ઉદાસીનતા) જોવા મળે છે.

અલબત્ત, ‘મુંબઈ સમાચાર’ના જાગૃત કલારસિક વાચકોને ‘સરસ્વતીચંદ્ર’ નામની ફિલ્મ આવી હતી એની ખબર હશે એવી આશા રાખીએ તો સદંતર નિરાશા તો ન જ મળે. ‘સરસ્વતીચંદ્ર’ના સવાસો વર્ષ નિમિત્તે 58 વર્ષ પહેલા આવેલી ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મની કેટલીક વાતો આજે મમળાવીએ કારણ કે નવલકથા પરથી નિર્માણ થયેલા ચિત્રપટોમાં ગુજરાતીઓનો સિંહફાળો હતો. ફિલ્મ સામયિકની જવાબદારી સંભાળી હતીએ દરમિયાન ‘સરસ્વતીચંદ્ર’ના દિગ્દર્શક ગોવિંદ સરૈયાને તેમજ સંગીતકાર કલ્યાણજી ભાઈને પાંત્રીસેક વર્ષ પહેલા મળવાનું થયું હતું. એ સમયે એમની સાથે થયેલી ‘સરસ્વતીચંદ્ર’ સંબંધિત વાતો સ્મૃતિને આધારે અને બીજી અન્ય જાણેલી  સાંભળેલી કેટલીક વાત અહીં પેશ છે, જેમકે ...

ગુજરાતી નવલકથા પરથી તૈયાર કરવામાં આવેલા આ ચિત્રપટના મુખ્ય કલાકારોની યાદીમાં ગુજરાતી એક્ટરનું નામ દીવો લઈને શોધીએ તો નથી મળતું. પણ હા, ફિલ્મના દિગ્દર્શક ગુજરાતી હતા - ગોવિંદ સરૈયા. દિગ્દર્શક તરીકે તેમની આ પ્રથમ ફિલ્મ હતી. 1972માં તેમણે આ જ નવલકથાના બીજા ભાગ પર આધારિત ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ ફિલ્મ (જુઓ ફ્લેશબેક કોલમ) બનાવી હતી. 

આ ફિલ્મના સંગીત દિગ્દર્શક હતા કલ્યાણજી-આણંદજી જેમના વિશે સમસ્ત ગુજરાતી પ્રજા ગર્વ અનુભવે છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર હતા પારસી નરીમન ઈરાની. ગોવિંદ સરૈયા, કલ્યાણજી - આણંદજી અને નરીમન ઈરાનીને નેશનલ એવોર્ડ મળ્યા હતા. ‘સરસ્વતીચંદ્ર’ને શ્રેષ્ઠ સંગીતનો અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે નેશનલ એવોર્ડ મળ્યા હતા જ્યારે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ને શ્રેષ્ઠ ગુજરાતી ચિત્રપટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.

‘સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવાનું ગજું ગુજરાતીઓનું નહીં, એ કુશળતા તો બંગાળીઓ પાસે જ છે’ એવા મહેણાંમાંથી ‘સરસ્વતીચંદ્ર’નું બીજ રોપાયું હતું. ‘મારે સંજીવકુમાર અને નિમ્મીને લઈ ફિલ્મ બનાવવી હતી’, ગોવિંદ ભાઈએ એ વખતે જણાવ્યું હતું, પણ ફિલ્મ શરૂ કરવામાં વિલંબ થતા સંજીવકુમારએ બી ગ્રેડની સ્ટન્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ‘સરસ્વતીચંદ્ર’ શરૂ થશે એવી જાહેરાત થઈ ત્યારે સંજીવ કુમારની બદલે બંગાળી એક્ટર મનીષનું નામ જોતા સંજીવકુમાર ચોંકી ગયા. 

નિર્ણયમાંથી ફરી જવાનો ખુલાસો માગતા ગોવિંદ ભાઈએ તેમને સમજાવ્યું કે પોતાની ફિલ્મ એક ઊંચા દરજ્જાની સાહિત્યકૃતિ પર આધારિત છે અને એમાં સ્ટન્ટ ફિલ્મનો એક્ટર ન ચાલે. ગોવિંદભાઈએ જ્યારે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નક્કી કરી ત્યારે સંજીવકુમારને રોલ ઓફર કર્યો ત્યારે આપણા હરિભાઈએ ‘હિન્દી ફિલ્મ સ્ટાર જો પ્રાંતીય ભાષાની ફિલ્મ કરે તો એના સ્ટેટસને અસર થાય’ એમ કહી જાણે કે જૂનો હિસાબ ચૂકતે કર્યો. અલબત્ત, ગોવિંદ સરૈયાએ ઉત્તમ સાહિત્યકૃતિ પરથી કેવું ઉમદા ચિત્ર બનાવી શકાય એ પુરવાર કરી આપ્યું હતું.

નૂતનની કામ પ્રત્યેની નિષ્ઠાનો એક કિસ્સો ગોવિંદભાઈએ કહ્યો હતો. ‘ચંદન સા બદન’ ગીતના ફિલ્માંકનમાં નૂતને પાણીના હોજમાં ઊતરી કેટલાક શોટ આપવાના હતા. એ દિવસે અભિનેત્રીને તાવ હતો. એટલે ઠંડાબોળ પાણીમાં ઊતરવું નહીં એવી ડૉકટરે સલાહ આપી હતી. ગોવિંદભાઈ શૂટિંગ કેન્સલ કરવા તૈયાર થયા હતા, પણ નૂતનજીએ એ જ હાલતમાં ચાર પાંચ રી- ટેક થયા તો પણ નિર્ધારિત શૂટિંગ પૂરું કર્યું હતું.

આપણે ઈલોન મસ્ક અને ‘સ્પેસએક્સ’ના આઈપીઓમાં ઊંડો રસ જરૂર લઈએ, પણ ગોવર્ધનરામ ત્રિપાઠી અને ‘સરસ્વતીવતીચંદ્ર’ જેવાં યાદગાર ગ્રંથ તથા ફિલ્મનું આચમન કરવાની રુચી પણ કેળવવી પડશે ...

‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં’નો મજેદાર કિસ્સો...

સંગીતકાર આણંદજી ભાઈએ ખાસ ‘મુંબઈ સમાચાર’ માટે ‘સરસ્વતીચંદ્ર’ના સંગીતની મજેદાર વાતો શેર કરી. આણંદજીભાઈના પુત્ર ધીરેનભાઈના સહકારને કારણે આ શક્ય બન્યું.

પરમાનંદ પટેલ નામના એક ફિલ્મ ફાઇનેન્શિયર હતા. એમને કલ્યાણજી-આણંદજીના સંગીત માટે ઘણો આદર હતો. એટલે તેમણે સંપર્ક કરી ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીનું જ સંગીત હોવું જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો.

આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં જ બનાવવી એવા નિર્માતાના જીદ-આગ્રહ હતા. એ સમયે કલર ફિલ્મ્સ વધુ બની રહી હોવા છતાં બ્લેક એન્ડ વ્હાઇટમાં તૈયાર કરવાનું જોખમ લેવાનું કારણ એ હતું કે વાર્તાનો સમયગાળો જૂના સમયનો છે એટલે એ વાતાવરણને યોગ્ય ન્યાય મળે એ આશય સાથે ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં બની.

આ ફિલ્મની એક મજેદાર વાત એ છે કે શરૂઆતમાં ફિલ્મ વિતરકો એવું સમજી બેઠા કે સરસ્વતીચંદ્ર એક પાત્ર નથી, પણ સરસ્વતી અને ચંદ્ર એવા બે કેરેક્ટર છે. એટલે શરૂઆતમાં સંગીતને ગુંજતું કરી દીધું અને પછી ફિલ્મ રિલીઝ કરી. સંગીતને મળેલી અફાટ લોકપ્રિયતાનો લાભ ફિલ્મને મળ્યો. કલ્યાણજીભાઈ-આણંદજીભાઈએ ગીતોના સ્વરાંકનમાં લોક સંગીતને પ્રાધાન્ય આપ્યું હતું. પછી થયું એવું કે આગામી ફિલ્મોમાં લોક સંગીતના વપરાશને પ્રાધાન્ય મળવા લાગ્યું અને એને સંગીત રસિયાઓએ બહોળો આવકાર આપ્યો.

કલ્યાણજી-આણંદજીને ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો. આ એવૉર્ડનો પ્રારંભ 1954માં થયો હતો, પણ શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન માટે નેશનલ એવૉર્ડ આપવાની શરૂઆત 1967થી થઈ હતી. પહેલો એવૉર્ડ તમિલ ફિલ્મના સંગીતકારને મળ્યો હતો અને બીજો એવોર્ડ કલ્યાણજી-આણંદજીને મળ્યો હતો. આમ આ એવૉર્ડ મેળવનારા તે બંધુ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ સંગીતકાર હતા.

‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં’ ગીત પાછળ એક સરસ મજાનો કિસ્સો છે. એ સમયે સંગીતકાર ભાઈઓને ચાહકોના ઘણા પત્રો આવતા હતા. એક પત્રમાં કોઈ લખાણ નહોતું, માત્ર લિપસ્ટિક અને એક ફૂલ હતું. આ પત્ર લઈ આણંદજી ભાઈ ગીતકાર ઈન્દીવર પાસે ગયા અને કહ્યું કે જુઓ, ‘આજકાલ કેવા ફેનમેઈલ આવે છે.’ ઈન્દીવરજીએ તરત કહ્યું કે ‘અરે આના પરથી તો સરસ ગીત બની શકે.’ અને ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ’ ગીત તૈયાર થઈ ગયું.! ઈન્દીવરજીનાં બધા ગીતોમાં લગભગ શુદ્ધ હિંદીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે વાર્તામાં ગુજરાતની પાર્શ્વભૂમિ હતી.

એ ફિલ્મને ધારી નહોતી એથી વધુ સફળતા મળી, સંગીતને પણ લોકોએ વધાવી લીધું - આજે પણ એના ગીતો લોકો યાદ કરી ગાય છે, પણ આ ફિલ્મને લેજન્ડરી ચિત્રપટનો દરજ્જો મળવો જોઈતો હતો એ ન મળ્યો એનો અફસોસ છે.