Sat May 09 2026

Logo

ભાજપે ભ્રષ્ટ લોકોને સત્તા આપવાની પરંપરા જાળવી રાખી,  બંગાળના મુખ્ય પ્રધાન પર રાઉતની ટીકા

2026-05-09 20:33:59
Author: Vipul Vaidya
Article Image

અધિકારી પર આરોપ સિદ્ધ નથી થયા રાઉત પોતે જામીન પર બહાર છે: ભાજપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા તે સાથે, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે ભાજપ પર આકરા પ્રહાર કરતાં એવો આરોપ લગાવ્યો છે કે ભગવા પક્ષે ભ્રષ્ટ લોકોને સત્તા આપવાની પરંપરા જાળવી રાખી છે. જોકે, ભાજપે સેના (યુબીટી)ના સાંસદ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અધિકારી સામેના આરોપો સાબિત થયા નથી, બીજી તરફ સંજય રાઉત પોતે એક કેસના સંદર્ભમાં જેલમાં ગયા હતા. પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે 2020માં એક સ્ટિંગ ઓપરેશનમાં, અધિકારી સહિત પાંચ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદો પૈસા સ્વીકારતા જોવા મળ્યા હતા.

તે પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અધિકારી (જે તે સમયે ટીએમસી સાથે હતા) પર દરોડા પાડ્યા હતા, જેના પગલે તેઓ ભાજપમાં જોડાયા હતા અને હવે તેઓ મુખ્ય પ્રધાન છે, એમ રાઉતે કહ્યું હતું.  રાઉતે કહ્યું હતું કે અધિકારી પરનો ડાઘ હજુ ધોવાનો બાકી છે. ‘ભાજપે ભ્રષ્ટ લોકોને સત્તા આપવાની પોતાની પરંપરા જાળવી રાખી છે. આ સાતત્ય માટે તેની પ્રશંસા કરવી જોઈએ,’ એમ પણ રાઉતે કહ્યું હતું. અધિકારીએ શનિવારે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જે રાજ્યના રાજકીય ઇતિહાસમાં નાટકીય ભગવો વળાંક હતો.

સેના (યુબીટી)ના નેતાના આરોપો પર પ્રતિક્રિયા આપતા, ભાજપના પ્રવક્તા નવનાથ બને કહ્યું હતું કે એક તરફ અધિકારી સામેના આરોપો સાબિત થયા નથી, ત્યારે બીજી તરફ સંજય રાઉત પહેલેથી જ જેલમાં સમય વિતાવી ચૂક્યા છે. ‘સુવેન્દુ અધિકારી દોષિત સાબિત થયા નથી, પરંતુ સંજય રાઉત તો જેલમાં ગયા છે,’ એમ તેમણે કહ્યું હતું.  મુંબઈ પત્રા ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઓગસ્ટ 2022માં રાઉતની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ખાસ અદાલત દ્વારા જામીન મળતા પહેલા તેમણે ત્રણ મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો.
બને કોવિડ-19 મહામારી દરમિયાન મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ભાજપના નેતાએ કહ્યું કે તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે જે ચાલી રહ્યું છે તેનાથી ઈન્ડિ ગઠબંધનમાં તિરાડો દેખાઈ રહી છે. ‘ઉદ્ધવ ઠાકરેએ પણ સાવધ રહેવું જોઈએ કારણ કે કોંગ્રેસ તેમની પીઠમાં પણ છરો ભોંકશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.  તમિલનાડુમાં, કોંગ્રેસે વિજયની આગેવાની હેઠળના તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) સાથે સરકાર બનાવવાનો નિર્ણય લીધા પછી, ડીએમકેએ એક મહત્વપૂર્ણ ક્ષણે ગઠબંધન પર ‘પીઠમાં છરો ભોંકવાનો’ આરોપ લગાવ્યો હતો.