Thu Apr 30 2026

Logo

શરદ જોશી સ્પીકિંગઃ પ્રજાતંત્રની સમસ્યાઓ: પર્દે મેં રહને દો, પર્દા ના ઉઠાઓ...

2026-04-08 11:18:00
Author: Sanjay Chel
Article Image

 

સંજય છેલ

જ્યારથી ભારતનાં વડા પ્રધાને નક્કી કર્યું કે તે વિદેશ પ્રવાસોની વચ્ચે વચ્ચે દેશનાં પછાત ગરીબ વિસ્તારોની મુલાકાત લેશે, ત્યારથી મુખ્ય મંત્રીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે, કારણ કે નોર્મલી મુખ્ય મંત્રીઓનું મુખ્ય કામ તો પોતાની રાજધાનીથી દિલ્હીનાં સતત આંટાફેરા મારવાનું હોય છે અને બાકીના સમયમાં તો સત્તાનું ગુલાબ સૂંઘીને ટાઇમપાસ કરવાનું જ હોય છે. જ્યારથી સમાચાર આવ્યા કે પી.એમ. આવવાનાં છે ત્યારથી દરેક સી.એમ. રાજ્યનાં અલગ-અલગ એરિયામાં ત્યાંની હાલત જાણવા હચમચી ઉઠ્યા છે કે રખેને પી.એમ.ને, પછાત વિસ્તારની હાલત છે એનાં કરતાં યે વધુ ખરાબ હાલત જોઈને હાર્ટ-એટેક ના આવે!

હવે બિચારા સી.એમ. માટે ત્યાં વૃક્ષો વાવવા, રસ્તાઓ સુધારવા કે પી.એમ.ના લંચ-ડિનરમાં ચિકન-ચમચમ પિરસવા પૂરતી વાત નથી રહી.

હવે અહીંયા જેમ બને તેમ ફટાફટ સરકારી પૈસા વહેંચવાની વાત છે. રાતોરાત જનતામાં લાભની લોલીપોપ આપવાની છે, જેથી પ્રધાનમંત્રી પધારે ત્યારે ગરીબોના ચહેરા પર સ્મિત હોય અને વડા પ્રધાનના જય-જયકારના અવાજો ધીમા ને બદલે બુલંદ હોય. પ્રજાની ઢગલાબંધ ફરિયાદોને છૂપાવવા પાર્ટીનાં ચમચાઓ સતત તહેનાત હોય છે અને લાચાર આદિવાસીઓ બસ નાચતા-ગાતા જ દેખાય, જેથી ત્યાંનું અસલી ચિત્ર, વડા પ્રધાનને જોવા ન મળે અને નઠારા મુખ્યમંત્રીની ઇમેજ ઉજળી લાગે. ગરીબ ઇલાકામાં એવો તે મોંઘો ને શાનદાર તમાશો યોજવામાં આવે કે બસ પી.એમ. સામે સી.એમ.ની ખુરશી સલામત રહે.

આ દેશમાં જ્યાં મોટા નેતાની નેતાગીરી પાછળ બીજા નેતાઓની સત્તા લંગડાઇને જીવતી હોય ત્યાં પછાત વિસ્તારોમાં વડા પ્રધાનની મુલાકાત બહુ ખાસ મહત્ત્વ ધરાવે છે. વડા પ્રધાન ત્યાં આવીને ભાષણમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનો ગોવર્ધન પર્વત પોતાની આંગળી પર ઉઠાવી લે છે અને સ્થાનિક સમસ્યાઓ એમની છત્રછાયામાં છુપાઇ જાય છે. જ્યારે પ્રધાન મંત્રી કહે છે, ‘ગરીબી આખા દેશમાં છે અને આપણે એની સામે લડવું પડશે’ ત્યારે સ્થાનિક ગરીબોને ધરપત થાય છે કે હાશ, ગરીબી માત્ર આપણી જ નહીં આખા દેશની સમસ્યા છે. 

એટલે જ્યારે એનો ઉકેલ આવવાનો હશે ત્યારે આવશે! એનાથી લોકો એમની ગરીબીનાં લોકલ પ્રશ્નો માફ કરી દે છે. જો કે આમ તો એકવાર વડા પ્રધાન કોઈ વિસ્તારમાં પધારે પછી લોકોની સમસ્યાઓ દૂર થઈ છે કે નહીં?- એને ફરી જોવા કદી ફરકતા નથી, કમસેકમ આગલી ચૂંટણી સુધી!

આમ વડા પ્રધાનના આગમનમાં એક ભવ્ય ઉત્સવ જેવું વાતાવરણ હોય છે ત્યારે સ્થાનિક નેતાઓ, નાયબ મામલતદાર, કલેકટર, લોકલ એમ.એલ.એ., એમ.પી., મંત્રી, મુખ્યમંત્રી, પોલીસ કમિશનર બધા એક થઈ જાય છે, એ શરતે કે ‘તું મારા વિશે ફરિયાદ નહીં કરે અને હું પણ તારા વિશે ફરિયાદ નહીં કરું’ એવી સેટિંગ વડે બધાં એકબીજાના કામ ફટાફટ કરી નાખે. પછી પી.એમ. વિઝિટ બાદ, લોકલ (ભ્રષ્ટ) સંસ્થાઓને સરકારી પૈસા મળી જાય એટલે બધાં જ વડા પ્રધાનના સ્વાગતમાં રાતોરાત ખભેખભો મિલાવીને જોડાઇ જાય. વડા પ્રધાન જ્યારે કોઇ વાવાઝોડાની જેમ ત્યાંથી પસાર થાય ત્યારે બધા માથું નમાવીને ઊભા રહી જાય ને પછી જેવા પી.એમ.જાય કે સૌ ફરીથી માથું ઊંચુ કરી લે.

આ દેશમાં સરપંચ, ગામનું સત્ય મામલતદારથી છુપાવે છે, કલેક્ટર જિલ્લાનું સત્ય, સી.એમ.થી છુપાવે, સી.એમ. રાજ્યનું સત્ય પી.એમ.થી છુપાવે કે અહીં તો બધું સરસ જ છે, બધે લીલાલહેર છે.આ જૂઠનો પડઘો ત્યાં સુધી ગુંજતો રહે છે, જ્યાં સુધી ત્યાં ગોળીબાર ન થાય, લોકો વિરોધમાં રસ્તા પર ના ઊતરી આવે. આઝાદી અગાઉ વાઈસરોયના આગમન પર રાજાઓ એમનાં રાજ્ય વિશે જૂઠી માહિતીઓ આપીને ગોરા અંગ્રેજ અમલદારને શિકારબાજી, મુજરાઓ અને શબાબ-કબાબની પાર્ટીઓમાં બીઝી રાખતા. 

એ જ રીતે આજે વડા પ્રધાનને આદિવાસી નૃત્યો, ભવ્ય ભાષણો અને કાર્યક્રમોથી આંજી દેવાની યોજનાઓ બનાવવામાં આવે છે. વડા પ્રધાન જ્યારે ત્યાંની વાસ્તવિકતા જોવા આવે ત્યારે લોકલ નેતાઓ ઘરેઘરે બારીઓનાં કાચને અરીસામાં ફેરવી નાખે છે જેથી ત્યાંની દરિદ્રતાનું કડવું સત્ય, અરીસા પાછળ ઢંકાય જાય અને વડા પ્રધાનને ત્યાં ખુદનો જ ચહેરો દેખાય અને પછી સરકારી સ્માઇલ સાથે તેઓ દિલ્હી પાછાં જતા રહે. કામનાં કે નક્કામાં પાર્ટી-વર્કરો માટે આ જ તો દેશની કે પાર્ટીની સેવા છે. એ લોકોની એક જ ફોર્મ્યુલા: ‘ગામની ગંદકી ઢાંકવા એના પર મખમલ બીછાવી દો’. એટલે કે પી.એમ. સામે વરવી વાસ્તવિકતાને રેશમમાં લપેટીને ઢાંકી દો.

ખરેખર તો ટોપ-ટુ-બોટમ દરેક નેતાઓના રિપોર્ટનો એક જ આશય હોય છે: 
‘દેશમેં સબ કુછ ચંગા હૈ!’