થાણે: સમૃદ્ધિ એક્સપ્રેસવે પરથી પસાર થતી વખતે અચાનક બંધ પડી ગયેલી ટ્રક સાથે પાછળથી પુરપાટ વેગે આવેલી કાર ટકરાતાં બે જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી.
ટિટવાલા પોલીસ અનુસાર મૃતકોની ઓળખ કાર ડ્રાઈવર હરીશ ટંડન (40) અને ટ્રકના ક્લીનર ડબ્બુ (18) તરીકે થઈ હતી. કારમાં હાજર મહિલા કંચન સોનાવણે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી. સારવાર માટે તેને ભિવંડીની ઈન્દિરા ગાંધી મેમોરિયલ (આઈજીએમ) સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારના મળસકે 3.15 વાગ્યાની આસપાસ એક્સપ્રેસવે પર શાહપુર નજીક બની હતી. મોટી ગૂડ્સ ટ્રક એકાએક ખોટકાતાં રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર જોગેન્દર ભઘેલ અને ક્લીનર ડબ્બુ ટ્રકમાં શી ખામી છે તે તપાસવા નીચે ઊતર્યા હતા.
કહેવાય છે કે ક્લીનર ડબ્બુ પાછળથી આવતાં વાહનોના ડ્રાઈવરોને સચેત કરવા બૅટરી સાથે ટ્રકની પાછળના ભાગમાં ઊભો હતો, જ્યારે ડ્રાઈવર ટ્રકની આગળ એન્જિનમાં ચકાસણી કરતો હતો. તે સમયે પુરપાટ વેગે આવેલી કાર ટ્રક સાથે ભટકાઈ હતી.
કાર એટલા જોરથી ટકરાઈ હતી કે ટંડન અને ડબ્બુનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કારમાં હાજર કંચન જખમી થઈ હતી. જોકે ટ્રકડ્રાઈવર જોગેન્દર અકસ્માતમાં હેમખેમ બચી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં ટિટવાલા પોલીસ, મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ (એમએસએફ) અને રોડ પેટ્રોલ વેહિકલ (આરપીવી) ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કાર અને ટ્રકને હાયડ્રા ક્રેનની મદદથી રસ્તાને કિનારે ખસેડવામાં આવી હતી. આ પ્રકરણે ટિટવાલા પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત ખરેખર કઈ રીતે થયો તેની તપાસ પોલીસ કરી રહી છે.