નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને લઈને દુનિયાભરમાં સૌથી મોટો ડર એ જ રહ્યો છે કે શું મશીનો માણસોની નોકરીઓ છીનવી લેશે. ચેટજીપીટી (ChatGPT) અને અન્ય એઆઈ ટુલ્સ આવ્યા પછી આ ચર્ચા વધુ વેગવંતી બની છે. દુનિયાભરની ઘણી કંપનીઓએ AIના નામે હજારો લોકોની નોકરીઓમાં કાપ મૂક્યો છે. પરંતુ હવે ટોચની ટેક કંપનીઓના સીઈઓ (CEOs)ના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે.
ઓપનએઆઈ (OpenAI)ના સીઈઓ ઓલ્ટમેને પોતાની ભૂલ સ્વીકારી
OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને તાજેતરમાં સ્વીકાર્યું છે કે, AIના કારણે નોકરીઓ ગુમવવાનો જે ડર હતો, તે અત્યાર સુધી એટલો સાચો સાબિત નથી થયો જેટલો તેમણે પહેલા વિચાર્યો હતો.
ઓલ્ટમેને જણાવ્યું કે, તેમને લાગતું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૌથી પહેલા શરૂઆતના સ્તરની (એન્ટ્રી લેવલ) ઓફિસ નોકરીઓને ઝડપથી ખતમ કરી દેશે, પરંતુ મોટા પાયે આવું હજુ સુધી જોવા મળ્યું નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે, તેઓ ખોટા સાબિત થઈને ખુશ છે.
સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર, ઘણી નોકરીઓમાં માનવીય હિસ્સો (હ્યુમન ટચ) એવો હોય છે જેની નકલ મશીનો સરળતાથી કરી શકતા નથી.
AIનું બહાનું બનાવી કરાઇ રહી છે છટણી: Nvidia CEO
બીજી તરફ, અમેરિકી ટેક કંપની એનવીડિયા (Nvidia)ના સીઈઓ જેન્સન હુઆંગનું નિવેદન પણ ઘણું ચર્ચામાં છે. તેમણે જણાવ્યું કે, જે લોકો AI શીખશે અને તેની સાથે મળીને કામ કરશે , તેઓ જ આગળ વધશે. પરંતુ, જે લોકો નવી ટેકનોલોજી અપનાવવાથી બચશે અથવા તેનાથી દૂર ભાગશે, તેમના માટે જોખમ વધી શકે છે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ શું કહી રહ્યા છે?
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ સતત કહી રહ્યા છે કે, AIને એક ડર તરીકે નહીં પરંતુ એક નવા સાધન (ટૂલ) તરીકે જોવું જોઈએ. તાજેતરમાં જ તેમણે જણાવ્યું કે, આવનારી પેઢી AI સાથે મળીને કામ કરશે અને તેની સાથે જ પોતાનું ભવિષ્ય બનાવશે. પિચાઈનું માનવું છે કે AI માણસોની મદદ કરશે, પરંતુ લોકોએ નવી સ્કિલ્સ (કૌશલ્યો) શીખવી પડશે.
એક નવા સંશોધનમાં (રિસર્ચમાં) પણ સામે આવ્યું છે કે, AI સીધી રીતે નોકરીઓ સમાપ્ત કરવાને બદલે કામ કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે. કંપનીઓ હવે લોકોની ભરતી અને કામની જવાબદારીઓ બંનેમાં ફેરફાર કરી રહી છે. એટલે કે, આવનારા સમયમાં એ જ લોકો વધુ સુરક્ષિત રહેશે જેઓ નવી ટેકનોલોજી સાથે પોતાને બદલી શકશે.