Fri Sep 04 2026

Logo

ડૉન દાઉદના સાગરીત અને ડ્રગ્સ નેટવર્કનો સૂત્રધાર સલીમ ડોલા ઈસ્તંબુલમાં પકડાયો

2026-04-26 17:38:52
Author: યોગેશ સી પટેલ
ડૉન દાઉદના સાગરીત અને ડ્રગ્સ નેટવર્કનો સૂત્રધાર સલીમ ડોલા ઈસ્તંબુલમાં પકડાયો

દસકા અગાઉ દક્ષિણ મુંબઈના ડોંગરીથી ફરાર થયેલો ડોલા વિદેશમાં બેસીને અનેક રાજ્યોમાં ડ્રગ્સના કારોબારનું સંચાલન કરતો હતો

મુંબઈ: અન્ડરવર્લ્ડના ડૉન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત અને ડ્રગ્સ નેટવર્કનો કથિત સૂત્રધાર સલીમ ડોલા આખરે ઈસ્તંબુલમાં પકડાયો હતો. દક્ષિણ મુંબઈના ડોંગરી પરિસરમાં રહેતો ડોલા દસકા અગાઉ વિદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી અનેક રાજ્યોમાં ડ્રગ્સના કારોબારનું સંચાલન કરતો હતો, એવું પોલીસ સૂત્રોનું કહેવું છે.

સલીમ ડોલા (59) વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ આઠથી દસ ગુના નોંધાયેલા હોવાનું કહેવાય છે. 2015-16માં તે દેશમાંથી ફરાર થઈ ગયો હતો અને વિદેશમાં સંતાયો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે યુએઈના બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તુર્કિયેની નૅશનલ ઈન્ટેલિજન્સ ઑર્ગેનાઈઝેશન અને સ્થાનિક પોલીસ યુનિટે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી ડોલાને પકડી પાડ્યો હતો.

ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદનો સાગરીત ડોલાની મેફેડ્રોન (એમડી) ડ્રગના ઉત્પાદન અને વિતરણમાં મહત્ત્વની ભૂમિકા હોવાનું પોલીસનું કહેવું છે. ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ, આર્થિક લેવડદેવડ અને ડ્રગ્સના વિતરણ નેટવર્કનો ડોલા સૂત્રધાર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેના પુત્ર તાહિર સલીમ ડોલા (30)નું નામ ડ્રગ્સ કેસમાં સામે આવતાં ગયા વર્ષે તેને પ્રત્યર્પણ દ્વારા ભારત લવાયો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 2024માં ચાર કિલો એમડી જપ્ત કર્યું હતું. આ કેસની તપાસમાં ડોલાની ભૂમિકા સામે આવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે સાંગલીમાં ધમધમતી એમડી બનાવવાની ફૅક્ટરીનો પ્રર્દાફાશ કર્યો હતો. આ ડ્રગ્સની ચેઈન સાંગલી અને સુરતથી છેક યુએઈ અને તુર્કિયે સુધી ફેલાયેલી હોવાનું તે સમયે તપાસમાં સ્પષ્ટ થયું હતું.ડોલાને પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવાના પ્રયાસ સેન્ટ્રલ એજન્સીએ હાથ ધર્યા છે. આ માટે તેની વિરુદ્ધના કેસ સંબંધી દસ્તાવેજો એજન્સીને સોંપવામાં આવશે.