Mon Sep 14 2026

Logo

ટીમ ઇન્ડિયાને સિરીઝ પહેલાં જ ઝટકો, આ ટૅલન્ટેડ બૅટ્સમૅન થયો સિરીઝની બહાર

2026-08-08 15:52:00
Author: Ajay Motiwala
ટીમ ઇન્ડિયાને સિરીઝ પહેલાં જ ઝટકો, આ ટૅલન્ટેડ બૅટ્સમૅન થયો સિરીઝની બહાર

Image Credit : AP


નવી દિલ્હીઃ ટૅલન્ટેડ ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન સાઇ સુદર્શન (Sai Sudarshan) પગના અંગૂઠાની ઈજાને કારણે શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીની બહાર થઈ ગયો છે. તેને ગયા મહિને શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન જ આ ઈજા થઈ હતી જેને લીધે પ્રથમ ટેસ્ટમાં તેના રમવા વિશે શંકા હતી. જોકે તે પૂર્ણપણે ઈજામાંથી મુક્ત ન થઈ શક્યો હોવાથી તેણે સિરીઝમાંથી જ બહાર થઈ જવું પડ્યું છે.

જુલાઈમાં તે ઇન્ડિયા-એ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો જ્યાં શ્રીલંકા-એ સામેની બીજી મૅચમાં તેને અંગૂઠા (Toe)માં ઈજા થઈ હતી. ત્યારથી તે સારવાર માટે બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં રહ્યો હતો. જોકે તે પૂરેપૂરો રિકવર નથી થઈ શક્યો. ડૉક્ટરે તેને વધુ આરામ કરવાની સલાહ આપી છે. બીસીસીઆઇની સ્પોર્ટ્સ સાયન્સ ટીમે ટેસ્ટના ટીમ મૅનેજમેન્ટને તેમ જ રાષ્ટ્રીય પસંદગીકારોને સુદર્શન વિશે જાણ કરી દીધી છે.

સુદર્શનના સ્થાને પડિક્કલ

દેવદત્ત પડિક્કલે શનિવારે શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામેની પ્રૅક્ટિસ-મૅચમાં સેન્ચુરી (103 રિટાયર્ડ આઉટ) કરી છે અને 15મી ઑગસ્ટે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં સુદર્શનની ગેરહાજરીમાં (બે ઓપનર યશસ્વી જયસ્વાલ અને કે. એલ. રાહુલ બાદ) ત્રીજા નંબરે તે (પડિક્કલ) રમશે.

સરફરાઝને તક, પણ બે જણની ઈચ્છા નથી

પીટીઆઇના અહેવાલ મુજબ ભારત વતી છ ટેસ્ટ રમી ચૂકેલો મુંબઈનો સરફરાઝ ખાન ટેસ્ટ ટીમમાં સુદર્શનના સ્થાને સામેલ કરી શકાય એમ છે, પરંતુ કહેવાય છે કે કોચિંગ ટીમના મહત્ત્વના એક મેમ્બરને તેમ જ સિલેક્શન કમિટીને સરફરાઝની કાબેલિયત પર પૂરો ભરોસો નથી.