Sat Jun 27 2026

Logo

હવે અમદાવાદથી હરિદ્વાર જવા મળશે 'અમૃત ભારત' ટ્રેનની સુવિધા, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ

2026-06-27 16:21:35
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: હવે અમદાવાદથી દેવભૂમિ ઉત્તરાખંડમાં જનારા મુસાફરોને વધુ એક સેવાનો લાભ મળી રહેશે અને તે પણ  હવે આધુનિક અને અપગ્રેડ કરેલા 'અમૃત ભારત' ટ્રેન સેવાનો લાભ મળી રહેશે. કારણ કે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ભારે માંગને ધ્યાનમાં રાખીને સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ ટ્રેન હવે આધુનિક અને અપગ્રેડ કરેલા 'અમૃત ભારત' રેક (Amrit Bharat Rake) સાથે દોડશે, જેમાં સ્લીપર ક્લાસ (Sleeper Class) અને જનરલ ક્લાસ (General Class) કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલના ફેરા 27 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 6  જુલાઈથી 27 જુલાઈ 2026 દરમિયાન અમૃત ભારત રેક સાથે ચાલશે. જ્યારે પરત ફરતા સમયે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલના ફેરા 28 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 7 જુલાઈથી 28 જુલાઈ 2026 સુધી અમૃત ભારત રેક સાથે સેવા આપશે.

આ લંબાવવામાં આવેલા ફેરા માટે ટ્રેન નંબર 09425 નું બુકિંગ 28 જૂન 2026 થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ જશે. મુસાફરો ટ્રેનનું સમયપત્રક, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી મેળવવા માટે રેલ્વેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. રેલ્વેના આ નિર્ણયથી હરિદ્વાર જતા અને ત્યાંથી આવતા હજારો શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સફર વધુ આરામદાયક બનશે.

આ સાથે જ હવે અમદાવાદથી રાજસ્થાન તરફ જતાં મુસાફરોને પણ રાહત મળી રહેવાની છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા વધારવા અને વધતી જતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ અસારવા ઉદેપુર એક્સપ્રેસમાં એક જનરલ ક્લાસ વધારાનો કોચ કામચલાઉ ધોરણે વધારવાનો નિર્ણય લીધો છે.