મોસ્કોમાં યુક્રેનનો રાતભર બોમ્બમારોઃ ભારતીય દૂતાવાસે મદદ માટે દોડધામ શરૂ કરી
મોસ્કો: રશિયાની રાજધાની મોસ્કો અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે થયેલા યુક્રેનના ભીષણ ડ્રોન હુમલામાં એક ભારતીય શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ ભારતીય નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રશિયામાં આવેલા ભારતીય દૂતાવાસે સત્તાવાર રીતે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
ઘટનાની જાણ થતાં જ દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ ભારતીય શ્રમિકોને મળીને તેમના હાલચાલ જાણ્યા હતા.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર તેમ જ કંપની મેનેજમેન્ટ સાથે મળીને પ્રભાવિત શ્રમિકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યા છે.
અહેવાલો અનુસાર યુક્રેન દ્વારા રાતભર કરવામાં આવેલા આ આક્રમણમાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાથી મોસ્કોની ઓઈલ રિફાઈનરીને કોઈ નુકસાન પહોંચ્યું નથી, પરંતુ ત્રણ રહેણાંક મકાનો ધ્વસ્ત થયા છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે મોસ્કો ક્ષેત્ર સહિત સમગ્ર દેશમાં રાતભર અને સવાર સુધીમાં કુલ ૫૫૬ યુક્રેની ડ્રોનને હવામાં જ તોડી પાડીને નષ્ટ કર્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 120થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોસ્કો પ્રદેશ પર થયેલા આ ડ્રોન હુમલાને સંપૂર્ણપણે યોગ્ય ગણાવ્યો છે અને તેને રશિયાના અત્યાચારોનો બદલો ગણાવ્યો છે.