(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત બીજા દિવસે ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાના અહેવાલો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત પાંચમાં સત્રમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં રૂપિયો વધુ 16 પૈસા મજબૂત થઈને 95.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, પશ્ચિમ એશિયામાં નવેસરથી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિને કારણે ક્રૂડતેલના ભાવમાં ચંચળતાનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.76ના બંધ સામે મજબૂત અન્ડરટોને 95.59ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.75 અને ઉપરમાં 95.56ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના સુધારા સાથે 95.60ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને બંધ રહ્યો હતો. તે પૂર્વેનાં ત્રણ સત્રમાં 97 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.
આગામી દિવસોમાં ટ્રેડરોની નજર અમેરિકાનાં જાહેર થનારા જીડીપીના, પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર અને બેરોજગારીના ડેટા પર સ્થિર રહે તેમ હોવાથી અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 95.40 થી 96 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.12 ટકા ઘટીને બેરલદીઠ 90.63 ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.05 ટકા ઘટીને 101.67 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 273.55 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 66.95 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2981.87 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.