Mon Aug 31 2026

Logo

રામ મંદિર દાન ચોરીની આરએસએસએ નિંદા કરી, કહ્યું રામભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી

2026-07-03 16:17:00
Author: Chandrakant Kanoja
રામ મંદિર દાન ચોરીની આરએસએસએ નિંદા કરી, કહ્યું રામભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી

અયોધ્યા: અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની એસઆઈટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં રામમંદિરના ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે  પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આરએસએસએ આ ઘટનાની નિંદા કરી છે. તેમજ આ કેસના આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે. 

રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી

આ અંગે આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ સમગ્ર વિવાદ પર સંગઠનનું વલણ સત્તાવાર રીતે રજૂ કર્યું. હોસબલેએ જણાવ્યું હતું કે રામ મંદિરમાં થયેલી ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનાથી રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે એસઆઇટી  તપાસનું સ્વાગત કર્યું અને ભારપૂર્વક જણાવ્યું કે આ કેસમાં દોષિત ઠરનારાને  કડક સજા મળવી જોઈએ. તેમણે મંદિર વ્યવસ્થાપન અને સરકાર પાસેથી તાત્કાલિક તમામ સુરક્ષા ખામીઓ સુધારવાની માંગ કરી છે. 

આસ્થા, શ્રદ્ધા અને ભકિતનું પ્રમુખ કેન્દ્ર

દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું કે, શ્રી રામજન્મ ભૂમિ પર બનેલું ભવ્ય રામમંદિર સદીઓનો સંઘર્ષ,  કરોડો રામભક્તોનું સમર્પણ, ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે. જેના પગલે રામમંદિર સમગ્ર હિંદુ સમાજ માટે આસ્થા, શ્રદ્ધા અને ભકિતનું પ્રમુખ કેન્દ્ર છે. 

રામ મંદિરમાં દાન ચોરી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ

તેવા સમયે અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આરએસએસએ જણાવ્યું હતું કે આ ઘટનાથી સમાજની અને  રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેથી આ બાબતને ફક્ત એક સામાન્ય ગુના તરીકે નહીં પરંતુ લાખો લોકોની શ્રદ્ધા સંબંધિત ગંભીર મુદ્દા તરીકે જોવી જોઈએ.