Sat Sep 05 2026

Logo

RSS શતાબ્દી વર્ષ: શાખાઓનો વિસ્તાર-જનસંપર્ક અભિયાનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના

2026-03-13 19:58:22
Author: Mumbai Samachar Team
RSS શતાબ્દી વર્ષ: શાખાઓનો વિસ્તાર-જનસંપર્ક અભિયાનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના

ચંદીગઢઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શાખાઓનો વિસ્તાર કરવા અને જનસંપર્ક કાર્યક્રમોના માધ્યમથી સમાજને જોડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ વિગત આરએસએસના સંયુક્ત મહાસચિવ સી. આર. મુકુંદે શુક્રવારે આપી હતી.

તેમણે પાણીપતના સમાલખામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કેરળમાં જનસંપર્ક પહેલ હેઠળ ૫૫,૦૦૦થી વધુ મુસ્લિમ અને ૫૪,૦૦૦થી વધુ ખ્રિસ્તી પરિવારો સુધી પહોંચવામાં સફળતા મળી છે. 
સંઘના વડા મોહન ભાગવત અને મહાસચિવ દતાત્રેય હોસાબલેએ સમાલખામાં આરએસએસની ટોચની નિર્ણય લેતી સંસ્થા-અખિલ ભારતીય પ્રતિનિધિ સભા(એબીપીએસ)-ની ત્રણ દિવસીય બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ વર્ષ સંગઠનનું શતાબ્દી વર્ષ હોવાથી બેઠકમાં ઉજવણીના ભાગ રૂપે આયોજિત થનારા મુખ્ય કાર્યક્રમો અને અભિયાનો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જેમાં ગૃહ-સંપર્ક(જનસંપર્ક કાર્યક્રમ), હિન્દુ સમ્મેલન, યુવા સમ્મેલન, અગ્રણી નાગરિકોની બેઠકો અને સામાજિક સંવાદિતા બેઠકોનો સમાવેશ થાય છે.

મુકુંદે જણાવ્યું કે સંઘ 'ગૃહ-સંપર્ક' હેઠળ ૧૦ કરોડથી વધુ પરિવાર સુધી પહોંચ્યું છે. ત્રણ લાખથી વધુ ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. સંગઠન સમાજમાં 'સદ્ભાવ ગોષ્ઠી' અને 'પ્રમુખ નાગરિક ગોષ્ઠી'ની સકારાત્મક અસર પણ જોઈ રહ્યું છે.  

તેમણે વધુમાં જણાવ્યું કે અમે જ્યાં પણ ગયા ત્યાં અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સ્વયંસેવકો ૫૫,૦૦૦ મુસ્લિમ અને ૫૪,૦૦૦ ખ્રિસ્તી પરિવારો સુધી પહોંચી શક્યા છે. સંઘે તેની જનસંપર્ક પહેલ દ્વારા આદિવાસી વિસ્તારો સુધી પહોંચવામાં પણ સફળતા મેળવી છે.