Tue Jul 28 2026

Logo

મની લોન્ડરિંગના નામે ડરાવી ગાંધીનગરના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ રાખી રૂ. 99 લાખની ઠગાઈ

2026-02-23 10:21:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં ડિજિટલ એરેસ્ટના રોજબરોજ અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે.  ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા નિવૃત્ત શિક્ષિકાને 27 દિવસ ડિજિટલ એેરેસ્ટ રાકીને 99 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ટેલીકોમ અને સીબીઆઈ ઓફિસર તરીકેની ઓળખ આપીને મની લોન્ડરિંગ કેસ હોવાનું કહી બંધક બનાવવામાં આવ્યા હતા.

ગાંધીનગરમાં રહેતી નિવૃત્ત શિક્ષિકાને 16 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન આરોપીઓએ સતત સંપર્કમાં રાખી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આરોપીઓએ પોતાને ટેલિકોમ વિભાગના અધિકારી તરીકે ઓળખાવી કહ્યું હતું કે તેમના નામે બીજો મોબાઇલ નંબર લેવાયો છે અને તે નંબર પરથી ગાળો તથા ધમકીઓ અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ મની લોન્ડરિંગ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ હોવાનું કહી, તેના ખાતામાંથી રૂ. 2 કરોડ વૃદ્ધાના ખાતામાં જમા થયા હોવાનું જણાવ્યું હતું. આ રકમમાંથી 10 ટકા કમિશન તરીકે રૂ. 20 લાખ લીધા હોવાનો ખોટો આક્ષેપ કરીને તેમને ડરાવવામાં આવ્યા હતા.

વૃદ્ધા ક્યાં જાય છે, કોની સાથે શું વાત કરે છે, તે માટે વૃદ્ધાને દર બે કલાકે આરોપીએ આપેલા વોટ્સએપ નંબર પર ફોન કરવાનો અને હું સેફ છું તે પ્રકારનો મેસેજ કરવાની ફરજ પાડી હતી. આ સાથે જ હવે આ કેસ દિલ્હી સીબીઆઈમાં પહોંચી ગયો હોવાના કારણે ગમે ત્યારે કોઈપણ અજાણ્યા નંબર પરથી સાદો ફોન આવે કે પછી વોટ્સએપમાં વીડિયો કોલ આવે તો તુરંત ઉપાડી લેવાની ચીમકી પણ આપી હતી.

ગઠિયાઓ જ્યારે વૃદ્ધાને ફોન કરતા ત્યારે સિગ્નલ જેવી કેટલી ચોક્કસ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફોન કરતા હતા. વૃદ્ધાને આ તમામ બાબતો અંગેની કોઈને પણ જાણ ન કરવાની અને જો કોઈને પણ વાત કરશો તો પોલીસ તમારા ઘરે આવીને તમારી ધરપકડ કરી લેશે તેવી ધમકી પણ આપતા હતા. આથી વૃદ્ધાએ આ અંગે કોઈને પણ જાણ કરી નહોતી.

આરોપીઓએ તેમને સેન્ટ્રલ એજન્સીના અધિકારી તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે તેઓ સિનિયર સિટિઝન હોવાને કારણે તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે, પરંતુ ડિજિટલ અરેસ્ટ હેઠળ તપાસ ચાલશે. આરોપીઓએ વૃદ્ધાના તમામ બેંક ખાતાની વિગતો મેળવી, ખાતામાં રહેલી રકમની ચકાસણી કરવી પડશે અને બાદમાં રકમ પરત મળશે તેવી ખાતરી આપી હતી. આ વિશ્વાસમાં આવી વૃદ્ધાએ ત્રણ બેંક ખાતામાંથી કુલ રૂ. 99 લાખની રકમ આરોપીઓ દર્શાવેલ ખાતામાં ટ્રાન્સફર કરી હતી. પછી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની શંકા જાગતા વૃદ્ધાએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે નિવૃત્ત શિક્ષિકાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.