Mon Sep 14 2026

Logo

IPS પદેથી રાજીનામું આપ્યું પણ જિલ્લા પંચાયત ન જીતી શક્યા; પૂર્વ IPS ની 2700 મતે હાર

2026-04-28 13:13:00
Author: Devayat Khatana
IPS પદેથી રાજીનામું આપ્યું પણ જિલ્લા પંચાયત ન જીતી શક્યા; પૂર્વ IPS ની 2700 મતે હાર

અમદાવાદ: ગુજરાતની સ્થાનીક સ્વરાજની ચૂંટણી પૂર્વે અનેક નામોની ખૂબ જ ચર્ચા જામી હતી. જેમાં અનેક કલાકારો, અન્ય પાર્ટીઓ સાથે છેડો ફાડીને બીજા પક્ષનો ખેસ ધારણ કરનારા નેતાઓ સિવાય આ વખતે તો આઈપીએસ અધિકારીની પણ ચર્ચા હતી. 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ પદ પરથી રાજીનામું ધરીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવાર બન્યા હતા. પણ રાજનીતિના પહેલા જ પગથિયે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. 

મળતી વિગતો અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ આઈપીએસ અધિકારી મનોજ નિનામાને અરવલ્લી  જિલ્લા પંચાયતમાં ટિકીટ ફાળવી હતી અને મનોજ નિનામા અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકના ઉમેદવાર બન્યા હતા. જો કે પૂર્વ IPS મનોજ નીનામાની શામળાજીની ઓડ બેઠક પર હાર થઈ હોવાના અહેવાલ છે. પૂર્વ IPSની 2700 જેટલા મતેથી હાર થઈ હોવાના અહેવાલ છે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા ને તે હતા, 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેમણે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકના ઉમેદવાર બન્યા હતા. 

કોણ છે મનોજ નિનામા
1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતી. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું હતું.