Thu Jul 23 2026

Logo

કચરાના બલ્ક જનરેટર માટે રજિસ્ટ્રેશન, સેગ્રીગેશન અને યુઝર ચાર્જિસ ફરજિયાત થશે

2026-05-22 11:09:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કચરાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબ્યુએમ) નિયમ ૨૦૨૬ હેઠળ ફરજિયાત રીતે કચરાનું ચાર શ્રેણીમાં વિભાજન કરવાનું અમલમાં લાવીને  જથ્થાબંધ કચરાનું ઉત્પાદન કરનારા (બલ્ક વેસ્ટ જનરેટર) પર કડક કાર્યવાહી કરવા તરફ પગલું ભર્યું છે. રહેણાંક સોસાયટીઓ, મૉલ, હોટલ અને કમર્શિયલ સંસ્થાઓને સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને  ભીના કચરાનું મૂળ સ્થાને અથવા અધિકૃત પાલિકાની સિસ્ટમ દ્વારા પ્રક્રિયા  કરવાનું  રહેશે. અન્યથા તેમને દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. પાલિકા લાંબા ગાળે બલ્ક જનરેટરો પાસેથી યુઝર ફી વસૂલવાની યોજના પણ ધરાવે છે.

કચરાના નિયમન માળખા (વેસ્ટ રેગ્યુલેશન ફ્રેમ વર્ક)ના વ્યાપક વિસ્તરણમાં પાલિકા આગામી છથી ૧૨ મહિનામાં લગભગ ૪,૬૮૦ સંસ્થાઓને ફરજિયાત રજિસ્ટ્રેશન અને નિયમનું પાલન કરાવવાની યોજના ધરાવે છે.

પાલિકાએ તમામ ૨૬ પ્રશાસકીય વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને આગામી ૧૫ દિવસમાં સ્વચ્છ ભારત મિશન (એસબીએમ)ની નોંધણી સુનિશ્ર્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે આ આદેશનું પાલન નહીં કરનારી સંસ્થાઓને નોટિસ જારી કરવામાં આવશે. શહેરમાં હાલ દરરોજ ૭,૦૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે.

ભીના અને સૂકા કચરા સંગ્રહ ઉપરાંત પાલિકાએ સેનિટરી અને સ્પેશિયલ-કેર કચરા માટે સમર્પિત કલેકશન સિસ્ટમ શરૂ કરી છે, જેમાં રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ, બ્યુટી પાર્લર, ઈન્સ્ટિટ્યૂટશન અને ક્ધયા છાત્રાલયો સહિત ૭,૦૦૦ થી વધુ સંસ્થાઓ પહેલેથી જ આ પહેલ હેઠળ નોંધાયેલી છે.
 
વૈજ્ઞાનિક નિકાલ માટે સમર્પિત વોર્ડ-સ્તરનાં વાહનો દ્વારા ૧૧ વિકેન્દ્રિત પ્લાઝ્મા ઇન્સિનેરેશન સેન્ટરોમાં કચરાનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે. પાલિકાએ દેવનાર ખાતે એક વિશાળ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) પ્લાન્ટ સ્થાપવા માટે મહાનગર ગેસ લિમિટેડ સાથે ભાગીદારી પણ કરી છે, જે દરરોજ ૧,૦૦૦ મેટ્રિક ટન અલગ કરેલા ભીના કચરા પર પ્રક્રિયા કરશે, જે મુંબઈના કાર્બનિક કચરાને સ્વચ્છ વાહન બળતણ અને પાઇપ દ્વારા કુદરતી ગેસમાં રૂપાંતરિત કરશે અને શહેરની ઓવરફ્લો થતી કચરાના નિકાલ પ્રણાલી પર દબાણ ઘટાડશે.

કોણ બલ્ક જનરેટરમાં આવે છે?
પાલિકાના અધિકારીને જણાવ્યું હતું કે ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ બિલ્ટ અપ વિસ્તાર, દરરોજ ૧૦૦ કિલોથી વધુ કચરાનું ઉત્પાદન થતું હોય અથવા ૪૦,૦૦૦ લિટરથી વધુ પાણીનો વપરાશ થતો હોય એવી કોઈ પણ સંસ્થાને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જેમાં  ફરજિયાત પાલન કરવા માટે પૂરતો એક માપદંડ હશે. 

કિચન વેસ્ટ પર દેવનારમાં પ્રક્રિયા
દેવનાર પ્લાન્ટમાં દરરોજ હૉસ્પિટલો અને હોટલોમાંથી અલગ કરાયેલ રસોડાના કચરા (કિચન વેસ્ટ)ને એકત્રિત કરવા માટે બે વાહનોને ખાસ તહેનાત કરવામાં આવશે. શરૂઆતમાં, લગભગ ૩૫૦ ટન રસોડાના કચરાને એકત્રિત કરવામાં આવશે, જેનું લક્ષ્ય આખરે દૈનિક ૧,૦૦૦ ટન સુધી વધારવામાં આવશે. કલેકશન સર્વિસ ૩૦મેથી ‘એન’ વોર્ડ ઘાટકોપર અને ‘એસ’ વોર્ડ ભાંડુપમાં શરૂ થશે. વોર્ડમાં ચોક્કસ ઓપરેશનલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો હોવાથી અમે ભાંડુપથી શરૂઆત કરવાનું નક્કી કર્યું હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારી કિરણ દિઘાવકરે જણાવ્યું હતું.

મુંબઈગરાને ચૂકવવી પડશે યુઝર ફી
સુધારેલા નિયમો હેઠળ પાલિકાએ બલ્ક વેસ્ટ જનરેટર (બીડબ્યુજી) ને કચરાના પરિવહન માટે થર્ડ પાર્ટી એજેન્સીનો ઉપયોગ કરવા પર  પ્રતિબંધિત મુકયો છે, જેનાથી સ્થળ પર ભીના કચરાની પ્રક્રિયા ફરજિયાત બની છે. જે કિસ્સાઓમાં બલ્ક જનરેટરો સ્વતંત્ર રીતે કચરો પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય, તો તેમને તેના નિકાલ માટે કચરો પાલિકાને સોંપવો પડશે. હાલમાં, મહાનગરપાલિકા કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ  પર કચરાના પરિવહન અને પ્રક્રિયા કરવા માટે પ્રતિ ટન લગભગ ૮૧૨ રૂપિયા ખર્ચ કરે છે. મોટાભાગના અન્ય પાલિકાથી વિપરીત, મુંબઈ મહાનગરપાલિકા હાલમાં આ સેવા માટે યુઝર ફી (વપરાશકર્તા ફી) વસૂલતું નથી, જોકે અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં યુઝર ફી લાગુ કરવામાં આવી શકે છે.

કચરાનું વિલીગીકરણ
ભીના કચરામાં રસોડામાં કચરો, ખોરાકનો કચરો, શાકભાજીનો કચરો, માંસનો કચરો, ફળોનો કચરો અને અન્ય બાયોડિગ્રેડેબલ કચરાનો સમાવેશ થાય છે. જયારે સૂકા કચરામાં રિસાયકલ કરી શકાય તેવો અને બિન-રિસાયકલ કરી શકાય તેવો કચરો, જેમાં સેનિટરી અને સ્પેશિયલ-કેર કચરો શામેલ છે. સેનિટરી કચરામાં ડાયપર, સેનિટરી ટુવાલ અથવા નેપક્ધિસ, ટેમ્પન અને કોન્ડોમનો સમાવેશ થાય છે. સ્પેશિયર કેર કચરામાં કાઢી નાખેલા પેઇન્ટ ડ્રમ, જંતુનાશક ક્ધટેનર, કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ (સીએફએલ), બલ્બ, એકપાયર થયેલ દવાઓ, તૂટેલા પારો થર્મોમીટર, કચરાની બેટરી, વપરાયેલી સોય અને સિરીંજ અને અન્ય જોખમી ઘરગથ્થુ કચરાનો સમાવેશ થાય છે.