નવી દિલ્હી: દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતીની ચર્ચા માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક 3 થી 5 ઓગસ્ટ સુધી યોજાશે. આ બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણય લેવામાં આવશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠકની અધ્યક્ષતા કરશે.
આરબીઆઈ વધતાં ફુગાવાને સ્થિર રાખવાના પ્રયાસ કરશે
દેશમાં હાલ ફુગાવો વધી રહ્યો છે. તેમજ એસબીઆઈના રિસર્ચ અહેવાલ મુજબ હાલ બેંક રેપો રેટમાં બદલાવની શક્યતા નહિવત છે. આ ઉપરાંત હાલમાં બે ત્રિમાસિક ગાળા માટે છૂટક ફુગાવો 5 ટકાથી ઉપર રહેવાની ધારણા છે. આરબીઆઈ હાલ વધતાં ફુગાવાને સ્થિર રાખવાના પ્રયાસ કરશે.
વૈશ્વિક ચલણ બજારમાં અસંતુલન
એસબીઆઈના અહેવાલમાં મુજબ હાલ વૈશ્વિક ચલણ બજારમાં અસંતુલન ચાલુ છે. તેમજ માર્ચ માસ દરમિયાન ભારતીય રૂપિયાને સૌથી વધુ અસર થઈ હતી. જોકે આરબીઆઈએ તેની ફોરવર્ડ માર્કેટ વ્યૂહરચના દ્વારા ટૂંકા ગાળાના દબાણને ઘટાડવાનો પ્રયાસ કર્યો. જેણે નિકાસકારો અને આયાતકારો દ્વારા હેજિંગ પ્રવૃત્તિઓને કારણે રૂપિયા પરના દબાણને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી.
હૂંડિયામણ બજારમાં દબાણ ઓછું થયું
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર 7 ટકાની આસપાસ રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત 24 જુલાઈ સુધીમાં ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 12.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. જેનાથી વિદેશી હૂંડિયામણ બજારમાં દબાણ ઓછું થયું છે.
આરબીઆઈ માટે હાલ વ્યાજ દરો સ્થિર રાખે તેવી શકયતા
આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ, રૂપિયા પર દબાણ અને વૈશ્વિક મૂડી પ્રવાહ અંગેની અનિશ્ચિતતાને કારણે આરબીઆઈ માટે હાલ વ્યાજ દરો સ્થિર રાખવાનું વધુ યોગ્ય રહેશે.