Mon Aug 24 2026

Logo

બેંક લોકરમાં રાખેલું સોનું ચોરાય તો કેટલું મળશે વળતર? RBIના આ નિયમો જાણી લો નહીંતર...

2026-02-21 17:48:00
Author: Darshana Visaria
બેંક લોકરમાં રાખેલું સોનું ચોરાય તો કેટલું મળશે વળતર? RBIના આ નિયમો જાણી લો નહીંતર...

સતત વધી રહેલી લૂંટ અને ચોરીની ઘટનાઓને ધ્યાનમાં લેતાં આપણામાંથી મોટાભાગના લોકો સોના-ચાંદીની જ્વેલરીને ઘરે રાખવાને બદલે તેને બેંકના લોકરમાં રાખવાનું વધારે સુરક્ષિત માને છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ધ્યાનથી જોયું હશે તો ખ્યાલ આવ્યો હશે કે હવે તો બેંકના લોકરમાંથી પણ લાખોની કિંમતના દાગિના ચોરાયા હોવાની ઘટનાઓ જોવા મળી રહી છે. હવે આવી સ્થિતિમાં તમને સવાલ થશે કે જો બેંકના લોકરમાંથી ઘરેણાં ચોરી થાય તો તેની નુકસાનભરપાઈ કોણ કરશે અને તેની સામે કેટલું વળતર મળી શકે છે? આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો નિયમ શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ... 

આપણે બધા ભલે ઘરમાં સોનું રાખવાને બદલે બેંક લોકરને વધુ સુરક્ષિત છે, એવું માનીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે બેંક લોકરમાં રાખેલી દરેક વસ્તુની સુરક્ષા માટે બેંક સંપૂર્ણપણે જવાબદાર હોતી નથી? આરબીઆઈના નિયમ અનુસાર, બેંક લોકર એ માત્ર એક 'સ્ટોરેજ સર્વિસ' છે અને તે કોઈ વીમા સુરક્ષા નથી.

આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર, લોકરધારકે લોકરમાં શું રાખ્યું છે એ વિશેની કોઈ પણ જાણકારી બેંકને હોતી નથી. તેથી, જો કોઈ અકસ્માત કે કુદરતી હોનારતમાં નુકસાન થાય, તો સામાન્ય રીતે બેંક જવાબદાર નથી. જોકે, જો બેંકની બેદરકારી સાબિત થાય તો જ વળતર મળી શકે છે.

વાત કરીએ બેંકની બેદરકારીના ઉદાહરણની તો જો પૂરવાર થાય કે બેંકના લોકરની સિક્યોરિટીમાં કોઈ ખામી જણાય કે પછી રેકોર્ડમાં કોઈ ભૂલ જોવા મળે કે પછી એમાં કોઈ બેંક કર્મચારીની સંડોવણી સાબિત થાય તો આવા કિસ્સામાં બેંકે લોકરધારકને વળતર ચૂકવવું પડે છે. જોક આ માટે 2022ના નવા નિયમો અનુસાર, જો બેંકની ભૂલ સાબિત થાય, તો બેંક લોકરના એન્યુઅલ રેન્ટના મેક્સિમમ 100 ગણું વળતર આપવા માટે બંધાયેલી છે.

વાત કરીએ ગ્રાહકોએ રાખવી પડતી સાવચેતીની તો લોકરમાંકઈ કઈ વસ્તુઓ છે તેની લેખિત યાદી, ફોટા અને દાગીનાની રસીદો તમારી પાસે સુરક્ષિત રાખો. આ પુરાવા તરીકે કામ લાગશે. આ સિવાય લોકર લેતી વખતે બેંક સાથેના એગ્રિમેન્ટને ધ્યાનથી વાંચો. તેમાં સ્પષ્ટ લખેલું હોય છે કે બેંક કઈ બાબતો માટે જવાબદાર છે. જો ક્યારેય ચોરી કે છેડછાડની શંકા જાય, તો તરત જ પોલીસ અને બેંકને લેખિતમાં જાણ કરો. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી બેંક લોકરના ભરોસે રહેવાને બદલે કીમતી દાગીના કે દસ્તાવેજોનો અલગથી વીમો લેવો વધુ હિતાવહ છે. આનાથી લોકરની બહાર પણ તમારી પ્રોપર્ટી સિક્યોર રહેશે.

લોકરમાં સોનું રાખવું એ સારો વિકલ્પ છે, પરંતુ નિયમો પ્રત્યે જાગૃતિ તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે. છે ને એકદમ કામની માહતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ પણ સુરક્ષિત રહે અને લોકરમાં તેમની કિંમતી જણસ પણ એટલી જ સુરક્ષિત રહે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.