Mon Jun 01 2026

Logo

500 રૂપિયાની નોટ છાપવા માટે કેટલો ખર્ચ આવે છે? RBIએ ખુદ કર્યો ખુલાસો...

2026-06-01 15:16:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેનો પહેલો એન્યુઅલ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ફાઈનાન્શિયલ યર 2025-26માં ચલણી નોટો છાપવા પાછળનો આરબીઆઈનો ખર્ચ 26.5 ટકા ઘટીને 4,875.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ પહેલાં આ ખર્ચ 6,372.8 કરોડ રૂપિયા હતો. જોકે, આ રિપોર્ટની સૌથી રસપ્રદ વાત તો એ છે કે, 500  રૂપિયાની એક નવી નોટ છાપવાનો વાસ્તવિક ખર્ચ માત્ર 2 રૂપિયા 29 પૈસા જેટલો જ છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ... 

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર ચલણી નોટોની છાપણીના ખર્ચમાં આ ઘટાડો એવા સમયે આવ્યો છે, જ્યારે માર્ચ 2026ના અંત સુધીમાં દેશના બજારમાં હાજર નોટોની કુલ કિંમત 11.8 ટકાથી વધીને 41.23 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે માર્ચ 2025માં 36.86 લાખ કરોડ રૂપિયા હતી. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે આરબીઆઈએ ચલણની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓછી સંખ્યામાં પરંતુ વધુ મૂલ્ય ધરાવતી નોટો એમાં પણ ખાસ કરીને રૂપિયા 500ની નોટ વધારે છાપી છે.

ભારતીય અર્થતંત્રમાં અત્યારે 500 રૂપિયાની નોટ સૌથી લોકપ્રિય અને વધુ ચલણમાં છે. ચલણમાં રહેલી કુલ નોટોની કિંમતમાં 500ની નોટનો હિસ્સો 85.5 ટકા છે, જે મૂલ્યની દ્રષ્ટિએ 35.27 લાખ કરોડ રૂપિયા થાય છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, બજારમાં હાલ 500 રૂપિયાની 705.48 કરોડ નોટો ફરી રહી છે, જે કુલ નોટોની સંખ્યાના 41.2 ટકા જેટલી છે.

ડિજિટલ યુગમાં પણ રોકડાની છે બોલબાલા
માર્ચ 2026ના અંતમાં દેશનો 'કરન્સી-ટુ-જીડીપી' રેશિયો 11.7 ટકા થી વધીને 12.1 ટકા થયો છે. આ દર્શાવે છે કે દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ઝડપથી વધ્યો હોવા છતાં, સામાન્ય જનતા આજે પણ કેશ ટ્રાન્ઝેક્શનને વધુ પસંદ કરે છે. જોકે, 2016ની નોટબંધીના 10 વર્ષ પૂર્ણ થવાના આરે આ રેશિયો માર્ચ 2021 ના સર્વોચ્ચ સ્તર 14.4 ટકા કરતાં ખૂબ જ ઓછો છે.

બીજી બાજુ, બેંકિંગ ક્ષેત્રમાં પણ તેજી જોવા મળી છે. દેશનો ક્રેડિટ-ટુ-જીડીપી રેશિયો 57.4 ટકાથી વધીને 61.8 ટકા ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, જે બેંકો દ્વારા અપાતી લોનમાં જબરદસ્ત વધારો દર્શાવે છે.

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો જાદુ ફીકો પડ્યો
આરબીઆઈ માટે ચિંતાનો વિષય એ છે કે દેશમાં ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપિયાનો ક્રેઝ ઘટ્યો છે. 31મી માર્ચ, 2026 સુધીમાં ચલણમાં રહેલા ઈ-રૂપિયાની કુલ વેલ્યુ 24.1 ટકાથી ઘટીને 771.7 કરોડ રૂપિયા જ રહી ગઈ છે, જે ગયા વર્ષે 1,016.5 કરોડ રૂપિયા હતી. આરબીઆઈના પાયલોટ પ્રોજેક્ટ અને સતત પ્રયાસો છતાં સામાન્ય યુઝર્સમાં ડિજિટલ કરન્સી હજુ સુધી મજબૂત પકડ બનાવી શકી નથી.

આગામી વર્ષ (2026-27) માટે RBIનો માસ્ટર પ્લાન
કરન્સી મેનેજમેન્ટને વધુ મજબૂત કરવા માટે આરબીઆઈએ તેના આગામી એજન્ડામાં આ ચાર બાબતોને પ્રાથમિકતા આપી છે.

  • વધુ સુરક્ષા: નવા અને અત્યાધુનિક સેક્યુરિટી ફીચર્સ દ્વારા ભારતીય નોટોની નકલ અટકાવવી.
  • ટકાઉપણું: પોતાના 'ઉત્કર્ષ 2029' (Utkarsh 2029) પ્રોગ્રામ હેઠળ નોટો લાંબો સમય ચાલે અને ફાટે નહીં તે માટે તેના બેઝ મટીરિયલમાં સુધારો કરવો.
  • ક્ષમતામાં વધારો: નોટોની પ્રોસેસિંગ કરવાની ક્ષમતા વધારવી.
  • નવી ઓફિસો: દેશમાં બે નવા 'ઈશ્યૂ ઓફિસ'ની શરૂઆત કરવી.

આરબીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે નોટોના ઉત્પાદનમાં દેશને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવો અને ચલણમાં રહેલી નોટોની ક્વોલિટી સુધારવી એ સેન્ટ્રલ બેંકની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

વધુ જુઓ...