Wed Jun 17 2026

Logo

રાપરમાં જર્જરિત બે માળની ઈમારત ધસી પડી, 10થી વધુ વાહનો કાટમાળ નીચે દટાયા

2026-02-20 14:31:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ કચ્છને તારાજ કરી જનારા મહાભુકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે અને સમયાંતરે ભૂકંપના નાના-મોટા આંચકાઓ આવતા જ રહે છે. તેમ છતાં સ્થાનિક વહીવટી તંત્ર ભયજનક પરિસ્થિતિમાં ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં ઉભેલી સેંકડો ઈમારતોને તોડી પાડવા માટે ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. આ વચ્ચે રાપરના બસ સ્ટેશન પાસે અવરજવરથી સતત વ્યસ્ત રહેતા માર્ગ પર સવારના અરસામાં એક જર્જરિત થઇ ગયેલી ઈમારતની બાલ્કની ધડાકાભેર તૂટીને માર્ગ પર ખાબકતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ઇમારત નીચે પાર્ક થયેલાં દસથી વધારે વાહનો કાટમાળ નીચે દબાઈ જતાં વાહન માલિકોને વિના વાંકે આર્થિક નુકશાની થઇ હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષો જૂની આંખની દવાખાનાની આ ખખડી ગયેલી ઈમારતનો આગલો ભાગ અચાનક ધસી, નીચે પડ્યો હોવાની જાણ થતાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, મુખ્ય અધિકારી તરુણદાન ગઢવી, પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ઇમારતની નીચે મીઠાઈ, દવાની અને ઈલેક્ટ્રોનિક સામાનની અનેક દુકાનો આવેલી છે અને અવરજવરથી ધમધમતા માર્ગે સદનસીબે આ દુર્ઘટના બની ત્યારે નીચે કોઈ માનવ કે જાનવર ન હોવાથી જાનહાનિ ટળી હતી. નગર પાલિકાએ આ જોખમી કાટમાળને હટાવ્યો હતો. 

સીસ્મિક રીતે હાઇપર એક્ટિવ વાગડ ફોલ્ટલાઇન પરના રાપર પંથકમાં ગમે ત્યારે પડવાને વાંકે ઉભેલી ઇમારતોના સ્ટ્રક્ચર ટેસ્ટ કરાવી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે તેવું અહીંના નાગરિકો ઇચ્છી રહ્યાં છે.

(ઉત્સવ વૈદ્ય)