Fri May 01 2026

Logo

‘હમઝા’ કોર્ટમાં માફી માગશે...

2026-03-27 09:55:00
Author: Siddhath Chaya
Article Image

 

ક્લેપ એન્ડ કટ..! - સિદ્ધાર્થ છાયા

રણવીર સિંહ, રામ ગોપાલ વર્મા , 

વારંવાર આપણે ‘ધુરંધર’ની વાત કરીએ તો કંટાળો આવે એ સ્વાભાવિક છે, પણ શું કરીએ? બોલિવૂડમાં આજકાલ ઘટનાઓ આ ફિલ્મ અને ક્લાકારો -કસબીની આસપાસ જ વધુ બની રહી છે અને લોકોને પણ તેનાં વિશે જાણવા- વાત કરવામાં વધુ રસ પડી રહ્યાં છે એટલે આપણે પણ એ ચાલતી ગાડીમાં...! 

જોકે અત્યારે જે વાત આપણે કરવા જઈ રહ્યાં છીએ તેણે ‘ધુરંધર’નાં પ્રથમ ભાગની સફળતા પર પ્રશ્નાર્થ ઊભાં  કરી દીધા હતા.

ગત વર્ષનાં ‘આઈફા’ એવોર્ડ્સ દરમિયાન રણવીર સિંહે ‘કંતારા’ ફિલ્મમાં રિષભ શેટ્ટીનાં પાત્રનાં એક ખાસ એક્ટની મિમિક્રી કરી હતી, જેમાં એણે મા ચામુંડાને ‘મહિલા ઘોસ્ટ’ તરીકે વર્ણવી હતી. આના કારણે કર્ણાટકનાં  લોકોની ધાર્મિક ભાવના ઘવાઈ હતી. આથી રણવીર વિરુદ્ધ અહીંનાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત કર્ણાટક બહારનાં લોકો પણ તેમનાં વિરોધમાં સોશ્યલ મીડિયામાં જોડાયાં હતાં.

વિરોધ એટલો બધો ઉગ્ર બન્યો કે થોડાં જ દિવસમાં રિલીઝ થનારી ‘ધુરંધર’ પર એની નેગેટીવ અસર પડે એવી બીક સહુને હતી.

કર્ણાટકના એક વ્યક્તિએ આ મામલે કેસ દાખલ કર્યો હતો. રણવીરે પહેલાં સોશ્યલ મીડિયા પર તો માફી માગી લીધી અને હવે તે કોર્ટમાં પણ માફી માગવા માટે તૈયાર થયો છે. આ મામલે આવતાં મહિનાની 10મી તારીખે મુદત છે. આ તારીખે તે કોર્ટમાં રીતસર રીતે માફી માગશે. એવા સમાચાર પણ છે કે રણવીર સિંહ બહુ જલદીથી ચામુંડા માતાનાં દર્શને પણ જશે જેનાં પર ‘કંતારા’ બની છે.

રામુની ‘સરકાર’નું રાજીનામું

રામ ગોપાલ વર્મા ઉર્ફે રામુ ઉર્ફે આરજીવી અત્યારે ફૂલ ‘ધુરંધર’ મૂડમાં છે. (વળી ‘ધુરંધર’ની વાત આવી? હે ભગવાન...) હવે રામુભાઈએ પહેલી ‘ધુરંધર’નાં પેટભરીને વખાણ કર્યા હતાં તો બીજી ‘ધુરંધર’ની સરખામણીમાં   તો ‘મોગલ એ આઝમ’ અને ‘શોલે’ ટીવી સિરિયલ હતા એવું પણ રામુએ કહ્યું ! આજકાલ રામુભાઈ જ્યાં જુઓ ત્યાં આ બંને ફિલ્મો અને તેનાં ડિરેક્ટર આદિત્ય ધરનાં વખાણ કરતાં ફરે છે.

‘ધુરંધર’ના બંને ભાગ જોયાં પછી એક પ્રશ્ન બધાંને થઇ રહ્યો છે કે શું આવી અલગ પ્રકારની ફિલ્મ બોલિવૂડને સદબુદ્ધિ આપશે ખરી? આપણે ત્યાં બે-ત્રણ પ્રોડક્શન હાઉસ એની એ બીબાંઢાળ ફિલ્મો બનાવે છે એ લોકો આ ધરતીકંપ લાવનારી સફળતામાંથી કોઈ ધડો લેશે કે કેમ? હવે તો રામુભાઈ ખુદ પોતાની ફિલ્મ બનાવવાની સ્ટાઈલને બદલવા માટે ઓલરેડી તૈયાર થઇ ગયા છે. ત્યારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને પોતાની ફ્રેન્ચાઇઝી ‘સરકાર’નો ત્રીજો ભાગ બનાવવા માટે ઓલમોસ્ટ તૈયાર હતા. અરે! ઓલમોસ્ટ શું, ફિલ્મ આવતે મહિને ફ્લોર પર જવાની હતી, પરંતુ ‘ધુરંધર’ની સફળતાએ તેમનું મન મોળું કરી દીધું. રામુનું માનવું છે કે હવે તેમણે બહુ ગેંગસ્ટર ફિલ્મો બનાવી દીધી. તેમની ‘સરકાર’ ઉપરાંત જેટલી પણ ગેંગસ્ટર ફિલ્મો હતી એનાં પર કોઈને કોઈ રીતે ‘ગોડફાધર’ ફિલ્મનો ઓછાયો હતો, 

પરંતુ, હવે જે રીતે આપણા દર્શકોએ આદિત્ય ધરની આ બંને ફિલ્મોને બે હાથે આવકારી છે એ જોતાં હવે તો   રામુભૈયાએ પણ પોતાની ‘સરકારનું’ રાજીનામું આપી દેવું પડશે ! 

‘તુંબાડ’ની ટીમ મુંબઈમાં આખું નગર વસાવશે

સોહમ શાહની ‘તુંબાડે’ એની રિ-રીલીઝ વખતે અનેક રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. હવે એનો બીજો ભાગ બને છે. ‘તુંબાડ’ની ટીમનો આ બીજા ભાગ માટે બહુ મોટો પ્લાન છે. પ્લાન એવો છે કે મુંબઈની અંદર જ આ ફિલ્મનો સાતથી આઠ એકરમાં એક ભવ્ય સેટ બનાવવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે મુંબઈ મહાનગરની અંદર એક નાનકડું નગર ખાસ ફિલ્મ ‘તુંબાડ’નાં બીજાં ભાગ માટે ઊભું કરવામાં આવવાનું છે, કારણ કે ફિલ્મની વાર્તાની ડિમાંડ છે કે આટલો વિશાળ સેટ બનાવવામાં આવે.

 જોકે ફિલ્મની વાર્તા કે સ્ક્રિપ્ટ શું છે અને કેમ એમાં આવા અધધધ મોટાં સેટની જરૂર પડી એ વિશે કોઈ ફોડ  પાડતું નથી. 

જે હોય તે, પરંતુ આ ફિલ્મમાં આપણને સોહમ શાહ સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે અને આ ફિલ્મ તેનાં પહેલાં ભાગ કરતાં પણ આપણને વધુ ડરાવશે એટલું પાક્કું છે.

કટ એન્ડ ઓકે...

આરકે સ્ટુડિયોને ફરીથી ઊભો કરવાની અમારા પરિવારની કોઈ જ યોજના નથી. 
 - કરીના કપૂર ખાન