Fri Apr 17 2026

Logo

રામ ચરણની 'પેડ્ડી'ની રિલીઝ ફરી ટળી: 30 એપ્રિલે નહીં થાય રિલીઝ, જાણો શું છે કારણ?

2026-04-15 19:37:25
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈઃ તેલુગુ સિનેમાના દિગ્દર્શક બુચી બાબુ સનાએ રામ ચરણ અને જાહ્નવી કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'પેડ્ડી' નામની સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ તારીખ અગાઉ પણ એક વખત મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરી રિલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી છે. તેથી જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો તમારે હજી લગભગ બે મહિના રાહ જોવી પડશે.

'પેડ્ડી' 30 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, નિર્માતાઓએ હવે જૂનમાં ફિલ્મ રિલીઝ કરવાનું કહ્યું છે. જોકે, જૂનમાં ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને 'પેડ્ડી' ફિલ્મ રિલીઝ  મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

નિર્માતાઓએ જણાવ્યું હતું કે તેઓ તેમની ફિલ્મને પરફેક્ટ બનાવવા માંગે છે. તેથી, તેઓ પોસ્ટ-પ્રોડક્શન પર થોડો વધુ સમય આપવામાં માંગે છે. આ જ કારણ છે કે રામ ચરણની આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ નહીં થાય. પોસ્ટમાં લખ્યું હતું કે ફિલ્મનો સંવાદ ભાગ પૂર્ણ થઈ ગયો છે. ફક્ત એક ગીત શૂટ કરવાનું બાકી છે. અમે એડિટિંગ જોયું છે અને પરિણામથી ખૂબ ખુશ છીએ.

નિર્માતાઓએ આગળ જણાવ્યું અમે અમારી પાસે જે સામગ્રી છે તે શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માંગીએ છીએ. તેથી, અમને લાગે છે કે અમારા ટેકનિશિયન અને પોસ્ટ-પ્રોડક્શન ટીમને થોડો વધુ સમય આપવો જોઈએ જેથી તેઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. તમને એક ઉત્તમ અનુભવ પૂરો પાડવાની જવાબદારી અમારી છે, તેથી અમે ફિલ્મની રિલીઝ જૂન સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નિર્માતાઓએ છેલ્લે લખ્યું તમારા બધાના પ્રેમ અને ધીરજ બદલ આભાર. તે અમારા માટે ખુબ મહત્વનું છે. જૂનમાં રામ ચરણની ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે તે જોવાનું રહેશે, કારણ કે યશની 'ટોક્સિક' પણ જૂન મહિનાની 4 તારીખે રિલીઝ થવાની છે. 'પેડ્ડી' પહેલા 27 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ નિર્માતાઓએ તેને 30 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. હવે તે તારીખ પણ મુલતવી રાખવામાં આવી છે.