Tue Aug 25 2026

Logo

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાંથી ભાજપે કોના નામ કર્યા જાહેર?

2026-03-04 12:49:00
Author: Mayur Patel
રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાંથી ભાજપે કોના નામ કર્યા જાહેર?

નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્રમાંથી રામદાસ આઠવલે, વિનોદ તાવડે, શ્રીમતી માયા ચિંતામણ ઈવનાતે તથા શ્રી રામરાવ વડકુતેના નામની જાહેરાત કરી હતી.

રામદાસ આઠવલે: કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પોતાની શેરો-શાયરી માટે જાણીતા છે. સંસદની અંદર તેમની શાયરીઓ પક્ષ અને વિપક્ષ બંને ખૂબ જ રસપૂર્વક સાંભળે છે. મોદી સરકારમાં આઠવલે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સંભાળી રહ્યા છે.

વિનોદ તાવડેઃ દેશના રાજકારણમાં વિનોદ તાવડે કોઈ ઓળખના મોહતાજ નથી. તેઓ હાલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે. ભાજપના ચૂંટણી પ્રભારી તરીકે પોતાની ભૂમિકા ભજવીને જીત અપાવવા બદલ તેમની ખૂબ ચર્ચા થઈ છે. પાવર સ્ટાર પવન સિંહને ભાજપમાં પાછા લાવનાર વિનોદ તાવડે જ છે. નીતિન નબીન પહેલા તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં પણ આગળ હતા.

માયા ચિંતામણ ઈવનાતે (પૂર્વ મેયર): આદિવાસી મહિલા નેતા અને અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા શિક્ષિકા માયા ચિંતામણ ઈવનાતેને અગાઉ પણ ભાજપ નેતૃત્વએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ના સભ્ય તરીકે જવાબદારી સોંપી હતી. તાજેતરમાં તેઓ ફરીથી નાગપુર મહાનગર પાલિકાના નવનિર્વાચિત નગરસેવિકા બન્યા છે.

રામરાવ વડકુતે: રામરાવ વડકુતે મહારાષ્ટ્રના ભાજપના નેતા છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને મહારાષ્ટ્રથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને બિહારથી રાજ્યસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યો માટે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. નીતિન નબીન અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમની આ ઉમેદવારી બિહારમાં પક્ષની એક મોટી ચૂંટણી વ્યૂહનીતિનો ભાગ માનવામાં આવી રહી છે.

ચૂંટણી પંચે 18 ફેબ્રુઆરીએ 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 37 બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાવાની છે. જે બેઠકો ખાલી પડી રહી છે, તેમાંથી 12 NDA પાસે છે, જ્યારે 25 પર વિપક્ષનો કબજો છે. મહારાષ્ટ્રની 7, તમિલનાડુની 6 અને પશ્ચિમ બંગાળ-બિહારની 5-5 બેઠકો પર ચૂંટણી યોજાશે. 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતોની ગણતરી કરવામાં આવશે.

રાજ્યસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. જે સભ્યોનો કાર્યકાળ એપ્રિલ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે, તેમની બેઠકો પર આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ તેમના શપથ ગ્રહણની તારીખથી આગામી છ વર્ષ, એટલે કે 2032 સુધી રહેશે. સંબંધિત રાજ્યોની જે બેઠકો પર વર્તમાન સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, ત્યાં આ બેઠકો ખાલી ગણવામાં આવશે.