Thu Apr 30 2026

Logo

ઑપરેશન સિંદૂર કેમ રોકવામાં આવ્યું હતું? રાજનાથ સિંહે કર્યો ખુલાસો

2026-04-30 14:18:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે ઑપરેશન સિંદૂરને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતે ઑપરેશન સિંદૂર પોતાની શરતો પર સ્વેચ્છાએ રોક્યું હતું અને જરૂર પડે તો પાકિસ્તાન સાથે લાંબી લડવા પૂરી રીતે તૈયાર હતું.

એક કાર્યક્રમમાં તેમણે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર ગણાવીને તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા પર ભાર મૂક્યો હતો. રાજનાથ સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરતા કહ્યું કે, સરકારની ઝીરો ટૉલરન્સ નીતિ અંતર્ગત આતંકવાદને કોઈપણ હાલતમાં સાંખી લેવામાં નહીં આવે.

ઑપરેશન સિંદૂરથી શું મેસેજ ગયો

આ ઉપરાંત રક્ષા પ્રધાને જણાવ્યું, પહલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવેલું ઑપરેશન સિંદૂર નિર્ણાયક સાબિત થયું હતું. તેનાથી ભારત માત્ર નિવેદન આપવા પૂરતું જ મર્યાદીત નથી રહેતું તેવો સંદેશ પણ ગયો હતો. ભારતીય સેનાએ જ્યાંથી આતંકવાદી ગતિવિધિ ચાલતી હતી તેવા જ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું, ભારતે ઑપરેશન સિંદૂર રોકવાનો નિર્ણય સ્વેચ્છાએ અને પોતાની શરતો પર લીધો હતો.

 

 પરમાણુ હુમલાની પણ ધમકી મળી હતી

તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાની ક્ષમતા પહેલા કરતા વધારે મજબૂત થઈ છે અને જરૂર પડવા પર ઝડપથી પોતાની તાકાત વધારવા પણ સક્ષમ છે. ભારતને પરમાણુ હુમલાની પણ ધમકી આપવામાં આવી હતી પરંતુ તેને ગંભીરતાથી લીધી નહોતી અને કોઈના દબાણમાં પણ નહોતા આવ્યા. ભારતીય સૈન્ય યુદ્ધ દરમિયાન પણ ઝડપથી સંસાધનો એકત્ર કરવા સક્ષમ છે.

આતંકવાદ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી

રક્ષા પ્રધાને કહ્યું, આતંકવાદ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી પરંતુ ઑપરેશનલ, વૈચારિક અને રાજનીતિક એમ ત્રણ પાસા છે.  જ્યાં સુધી આ ત્રણેય સ્તર પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય. તેમણે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવતાં કહ્યું, ભારત આઈટી માટે ઓળખાય છે, જ્યારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ ટેરરિઝમ માટે જાણીતું છે.  

શું હતું ઑપરેશન સિંદૂર

પહલગામ હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 7 મે, 2025ના રોજ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મગ અને હિઝબુલ મુજાહિદીના 9 મોટા ઠેકાણા નાશ કર્યા હતા. તેમજ 100થી વધુ આતંકવાદીનો ખાતમો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને ડ્રોન હુમલા અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી અને 10 મેના રોજ યુદ્ધવિરામ પર સહમતિ બની હતી.