Tue Sep 08 2026

Logo

રાજકોટમાં ‘હું ભ્રષ્ટાચારી મેયર છું’ના પોસ્ટરો સાથે મહિલા કોંગ્રેસનો હલ્લાબોલ, મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે હોબાળો

2026-03-03 15:35:28
Author: Devayat Khatana
રાજકોટમાં ‘હું ભ્રષ્ટાચારી મેયર છું’ના પોસ્ટરો સાથે મહિલા કોંગ્રેસનો હલ્લાબોલ, મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે હોબાળો

રાજકોટ: રંગીલા શહેરમાં રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસોથી એક મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે અને તે છે મેયરના પતિ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ. ત્યારે વિરોધ પક્ષ આ મુદ્દે સતત વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા મેયરના પતિ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે મહીલા કોંગ્રેસ દ્વારા 'હું ભ્રષ્ટાચારી મેયર છું' તેવા પોસ્ટર લઈને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરમાં વધી રહેલા ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ સામે મહિલાઓ રસ્તા પર ઉતરી ન્યાયની માંગ કરી હતી.

આ વિરોધ પ્રદર્શન અંગે રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે મેયરના પતિ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની નિષ્ક્રિયતા અને મળતાવળ દર્શાવે છે.

સામાન્ય નાગરિકો દ્વારા નાનામાં નાના નિયમભંગ માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સત્તાધીશો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. કોંગી કાર્યકરોએ તેને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો માત્ર એક ગેરકાયદેસર બાંધકામનો નથી પરંતુ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનું પ્રતિક છે. જો સત્તાધીશો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી નહીં થાય તો કાયદા પર લોકોનો વિશ્વાસ નબળો પડશે. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપતા અટકાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ ‘હાય રે મેયર હાય હાય’ના નારા લગાવી છાજિયા લીધા હતા. જે વખતે મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. જોકે આ અંગે મેયરે કહ્યું કે, મને કોણ ફસાવે છે, તેનું હું નામ લઈ વિવાદમાં પડવા માંગતી નથી. કોંગ્રેસ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવા અને  જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.