Wed Jun 17 2026

Logo

મુસાફરો માટે ખુશખબર: રાજકોટ–મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેન હવે 31 માર્ચ સુધી દોડશે, જાણો બુકિંગની વિગત

2026-02-21 10:20:00
Author: Devayat Khatana
Article Image

 

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન સાપ્તાહિક ધોરણે કુલ 10 ટ્રિપ કરશે, જેથી તહેવાર દરમિયાન વતન જતા કે પ્રવાસે નીકળતા મુસાફરોને ટિકિટ વેટિંગની સમસ્યામાંથી રાહત મળી શકે.

ટ્રેનના સમયપત્રક મુજબ, ટ્રેન સંખ્યા 09575 રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ દર સોમવારે દોડશે અને તેના ફેરા 2 માર્ચથી 30 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન સંખ્યા 09576 મહેબૂબનગર – રાજકોટ સ્પેશિયલ દર મંગળવારે દોડશે, જેના ફેરા 3 માર્ચથી 31 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 21 ફેબ્રુઆરી, 2026થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રેનના સ્ટોપેજ અને સમયની વધુ માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર ઇન્ક્વાયરી વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા આગામી "ફાગણ ફેરી" ના પાવન અવસરે પાલીતાણા જૈન મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને એક વિશેષ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાનાં શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા પર ખૂબ મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ પાલિતાણા પહોંચતા હોય છે. 

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ રાત્રે ૨૧.૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે પાલીતાણા પહોંચશે. આ ટ્રેન મુસાફરોની સુવિધા માટે બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે.  વળતી મુસાફરીમાં ટ્રેન નંબર 09024 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ૧ માર્ચ ૨૦૨૬ (રવિવાર) ના રોજ પાલીતાણાથી રાત્રે ૨૦.૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનમાં મુસાફરો માટે સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09023 અને 09024 માટેનું બુકિંગ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ (શનિવાર) થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો અને રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી શરૂ થશે.