Wed May 13 2026

Logo

રાજકોટમાં ગેરકાયદે દબાણ હટાવવા મામલે કૉંગ્રેસે મનપાની કરી આકરી ટીકા

2026-05-13 21:14:35
Author: Pooja Shah
Article Image

રાજકોટઃ ​રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા અને સત્તાધીશોની કાયદા વિરોધી તેમજ પ્રજા વિરોધી માનસિકતા મામલે આક્ષેપો કરવામાં આવ્યા હતા. શહેરના અત્યંત વ્યસ્ત એવા કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે, ટ્રાફિકની બરોબર વચ્ચે કોઈપણ પૂર્વ મંજૂરી વિના એક ગેરકાયદે ધાર્મિક સ્મારક (શેડ) ઊભું કરી દેવામાં આવ્યું છે.  

રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય લાખાણી અને મહામંત્રી કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું હતું કે  આ દબાણ હટાવવા માટે ખુદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મ્યુનિસિપલ કમિશનરને લેખિત સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ સિટી એન્જિનિયર દ્વારા પણ ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ 'સ્કલ્પચર' દૂર કરવા પત્ર લખાયો હતો. આમ છતાં, જ્યારે તંત્ર ડિમોલિશન માટે મશીનરી સાથે તૈયાર હતું, ત્યારે માત્ર એક ઉચ્ચ રાજકીય નેતાના 'ટેલિફોનિક' આદેશથી સમગ્ર કામગીરી અટકાવી દેવાઈ હતી.  

આ ગેરકાયદે બાંધકામને કારણે આસપાસની સોસાયટીઓના અંદાજે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ નાગરિકો રોજબરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના કડક આદેશો હોવા છતાં, રાજકોટનું ભ્રષ્ટ તંત્ર સત્તાના દબાણ હેઠળ ન્યાયપાલિકાના આદેશોનો સરેઆમ ઉલાળિયો કરી રહ્યું છે.  કોંગ્રેસે જણાવ્યું હતું કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જો લારી-ગલ્લાના દબાણો તાત્કાલિક દૂર કરી શકાતા હોય, તો આ ગેરકાયદે સ્મારક હટાવવામાં તંત્ર કેમ પાછું પાની કરે છે? જો વહેલી તકે આ દબાણ હટાવી જનતાને ન્યાય નહીં મળે, તો કોંગ્રેસ આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, તેમ કૉંગ્રેસે અખબારી યાદીમાં જણાવ્યું હતું.