Mon Sep 14 2026

Logo

એરપોર્ટ જેવી લક્ઝરી સુવિધાઓથી સજ્જ થયું રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન, અમૃત ભારત યોજના હેઠળ મળ્યો નવો લુક

2026-06-02 13:44:00
Author: Mayur Patel
એરપોર્ટ જેવી લક્ઝરી સુવિધાઓથી સજ્જ થયું રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન, અમૃત ભારત યોજના હેઠળ મળ્યો નવો લુક

રાજકોટઃ ભક્તિનગર રેલવે સ્ટેશનને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા આશરે ₹26.80 કરોડના ખર્ચે હાથ ધરાયેલા પુનઃવિકાસ કાર્ય બાદ સ્ટેશન હવે વધુ આકર્ષક, સુરક્ષિત અને મુસાફરમૈત્રી બન્યું છે. પશ્ચિમ રેલવેના સૂત્રોએ  મીડિયા પ્રતિનિધિઓને સ્ટેશનનું નિરીક્ષણ કરાવતાં જણાવ્યું હતું કે ભક્તિનગર સ્ટેશનનો વિકાસ મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવ્યો છે.

દૈનિક કેટલી મુસાફરોની રહે છે અવરજવર

દૈનિક અંદાજે 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ મહત્વના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ સુધારણા, નવા કવર શેડ, આધુનિક સ્ટેશન બિલ્ડિંગ, વિશાળ કોનકોર્સ હોલ, અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ, એર-કન્ડિશન્ડ પ્રતીક્ષાલય, વીઆઈપી રૂમ અને અદ્યતન શૌચાલય જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

મુસાફરોની સરળ અવરજવર માટે 12 મીટર પહોળા નવા ફૂટ ઓવર બ્રિજ તેમજ વધારાના ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બંને બ્રિજ પર લિફ્ટ લગાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે.

દિવ્યાંગજનો માટે રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ પાર્કિંગ, આધુનિક સાઈનેજ સિસ્ટમ અને બહેતર લાઈટિંગ-વેન્ટિલેશનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેશન પરિસરમાં હરિયાળી, ગાર્ડન, ટેન્સાઈલ રૂફ પોર્ચ અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.